Saturday, June 21, 2014

શાસન માત્ર કાયદાનું જ નથી હોતું, માનવતા હજુ પણ છે માણસમાં.

સાત ઘોડાના રથ ઉપર સવાર થઈને સૂરજ મહારાજ હજુ તો પૂર્વ દિશામાં પધારી રહ્યા હતા એવા ટાણે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને, અનિમેષ નયને, મનમાં કંઈક ઉચાટ અને ઉદ્વેગ સાથે તમે, રાજભા, સૂરજ મહારાજને જોઈ રહ્યા હતા. પાંચ ફૂટ દશ ઇંચની સપ્રમાણ ઉંચાઈ, પૂરા ચાર આંગળનું કપાળ, ઉભા ઓળેલા વાળ, અણીયાળુ નાક, ભરાવદાર મૂછો, કડક મિજાજ દર્શાવતો ચહેરો, કસાયેલ શરીરના માલિક અને ચુમ્માલીસની ઉમરે પણ ત્રીસના લાગતા રાજભા તમારો પ્રભાવ જ એવો હતો કે તેનાથી અંજાયા વગર કોઈ રહી જ ના શકે. તીક્ષણ અવલોકન શક્તિ, જરૂરિયાત જેટલું જ બોલવાનો સ્વભાવ તમારા રાજપૂતાના મિજાજનો પરિચય આપવા પૂરતા હતા.

ભાવનગર પાસેનું નાનકડું એવું ગામ, એક સમયે, આઝાદી પહેલા, રાજભા, તમારા પૂર્વજોની ગરાસ હતું . આઝાદી પછી રાજાશાહી તો પૂરી થઇ ગઈ હતી, પરંતુ , આજે પણ, ગામમાં તમારું માન રાજા જેટલું જ હતું .
રોજ સવારે વેહલા ઉઠીને નિત્ય કર્મ પરવારી પૂજા-પાઠ કરી તમારી બેઠા ઘાટની હવેલી ના ચોકમાં બેસવું એ તમારો નિત્યક્રમ હતો. પરંતુ, આજે સૂરજ મહારાજને અર્ધ્ય આપ્યા બાદ ઘણી વાર સુધી તમે હવેલીની અટારીએ જ ઉભા રહી ગયા હતા. પાછળ કંઇક અવાજ થતા તમે પાછળ તરફ જોયું. તમારા જીવનસંગીની, તમારા ઠાકરાણા રૂપાંદે ત્યાં હતા. તમે રાજભા તમારા જીવનસંગીનીની આંખોમાં  જોયું, એટલો જ ઉચાટ એમની આંખોમાં હતો જેટલો તમારી આંખોમાં. કપાળ પરની લકીરો તંગ થઇ, બંને હોઠ સહેજ વધુ ભીડાયા, બંને હાથની હથેલીઓએ મુઠ્ઠીઓ વાળી દીધી. એક પણ શબ્દની આપ-લે વગર રાજભા તમે તમારા ઠકરાણા સાથે મૌનની પરિભાષામાં વાત કરી હવેલીના ચોકમાં તમારી કાયમી નિયત જગ્યાએ સ્થાન લીધું. છેલ્લા ઘણા વર્ષોથી તમારા પડછાયાની જેમ રેહતા તમારા દીવાનજી આજે ચિંતાતૂર ચહેરે તમારી રાહ જોતા હતા.
રેતની જેમ સરકતો સમય આજે તમને ધીમો લાગી રહ્યો હતો. ઘડિયાળના આગળ વધતા સેકંડ કાંટાની સામે જોતા તમે રાજભા ભૂતકાળમાં પહોંચી ગયા. માત્ર બાવીસ વર્ષની યુવાન વયે તમે ગામના સરપંચ ચૂંટાયા હતા અને ત્યારથી આજદિન સુધી સતત ગામના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા હતા. એક સમયે ધૂળિયા ગામ તરીકે ઓળખાતા ગામને તમે નવી ઓળખ આપી હતી. ખેત તલાવડી, બોરી બંધ જેવી પદ્ધતિથી પાણીનો સંગ્રહ કરી ખેતીની ઉપજ વધારી હતી. ટપક સિંચાઈ, બાયોગેસ પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ, જેવી આધુનિક પધ્ધતિઓ ગામમાં લાવ્યા હતા. ગામમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ હેતુ શાળા શરૂ કરાવી હતી. ગામની નાની-મોટી તકરારોના નિવારણ માટે ગામને પૂર્વ દિશાએ આવેલ અંબાજીના મંદિરની બાજુમાં ધર્મ ચોક બનાવ્યો હતો. ગામની નાની-મોટી તાકારારોનો નિવેડો ગામની પંચાયત લાવતી હતી. પંચાયતમાં રાજભા તમે સરપંચ તરીકે, મંદિરના પૂજારી, તથા ગામના અન્ય ત્રણ આગેવાનો રહેતા હતા. ગામમાં આજ સુધી થયેલી બધી તાકારારોનો નિકાલ પંચાયત જ લાવતી હતી. પોલીસ ફરિયાદ થઇ હોય અને પોલીસ આવી હોય તેવી ઘટના હજુ ગઈકાલ સુધી ગામમાં બની ન હતી. હા, નિયમ પ્રમાણે ગામમાં પોલીસ અધિકારી રાઉન્ડમાં આવતા, તમારી હવેલીએ ચા-પાણી કરીને ચાલ્યા જતા હતા.

પણ, ગઈ કાલે પહેલી વખત ગામમાંથી પોલીસ ફરિયાદ થઇ. ગામમાં પોલીસ આવી અને પ્રતાપસિંહને પકડીને લઇ ગઈ. પ્રતાપસિંહ, રાજભા તમારો મોટો કુંવર, એની વિરુદ્ધ પોલીસ ફરિયાદ હતી કે એને ગામના મુખી ગણપત પટેલના છોકરા વિલાસને ગામના પાદરે માર્યો હતો. કુંવર પ્રતાપસિંહ, તમારી જ પ્રતિકૃતિ અને તમારા જેવો જ સ્વભાવ ધરાવતો તમારો અને કદાચ ગામનો લાડકો એકવીસ વર્ષીય નવયુવાન.
ગઈ કાલની ઘટના બની ત્યારે તમે અને મુખી ગણપતલાલ ગામના કોઈ મુદ્દાની ચર્ચા કરવા તાલુકા મથકે ગયા હતા અને તમને અને ગણપત પટેલને છેક મોડી સાંજે ગામમાં પરત આવ્યા ત્યારે ખબર પડી કે, પોલીસ આવી અને કુંવાર પ્રતાપસિંહને પકડીને લઇ ગઈ છે. તમે રાજભા તમારી હવેલીએ આવ્યા ત્યારે દીવાનજીએ સમાચાર આપ્યા કે, ગણપત મુખીના છોકરા વિલાસ તેના શહેરી મિત્રો સાથે ગામના પાદરે ગામની બહેનો દીકરીઓની મશ્કરી કરી રહ્યો હતો. પ્રતાપસિંહે તેને અટકાવતા શહેરમાં રહી ભણતરની ડીગ્રી સાથે શહેરની ખરાબ સોબત સાથે પરત આવેલા પચ્ચીસ વર્ષીય વિલાસે પ્રતાપસિંહ પર હાથ ઉપાડ્યો હતો અને તેના કારણે પ્રતાપસિંહનું રાજપૂતી લોહી ઉકળી ઉઠ્યું અને પછી કુંવર પ્રતાપે એકલા હાથે તોફાની ટોળકીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. માર ખાઈને અધમુઆ થઇ ગયેલા વિલાસે 100 નંબર પર ફોન કર્યો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આજે પહેલી વખત ફરિયાદના આધારે ગામમાં પોલીસ આવી હતી.

મોડી સાંજે પોલીસ અધિકારીનો ફોન આવી ગયો કે, બાપુ સાહેબ, કુંવરની કોઈ ચિંતા ના કરતા, રાત્રે અમે સાચવી લઈશું, અને કાલે સવારે કોર્ટમાં રજૂ કરી દઈશું તમે બસ જામીનની સગવડ કરી કોર્ટમાં આવી જજો.
અને આજે સવારે તમે કોર્ટમાં જવા તૈયાર થઇ ચુક્યા હતા. બસ, સામેની ઘડિયાળ પોણા નવનો સમય બતાવતી હતી અને એ નવ વાગ્યાનો સમય દર્શાવે તેની તમે રાહ જોઈ રહ્યા હતા. તમારા વકીલ સાહેબ સીધા જ કોર્ટમાં આવવાના હતા.

ગણપત મુખી, તમારા હમઉમ્ર મિત્ર હજુ ગઈ કાલે જ તેના દીકરા વિલાસની ખરાબ સોબત અને કુટેવોની ફરિયાદ તમારી સામે કરતા હતા અને તમે એને દિલાસો આપતા હતા કે મુખી, સૌ સારા વાના થઇ જાશે. સામેની ઘડિયાળે નવ વાગ્યાનો સમય બતાવ્યો અને તમે તમારા દિવાનજી સાથે તમારી હવેલીમાંથી બહાર આવી તાલુકા મથકે કોર્ટમાં જવા નીકળ્યા.

પણ, રાજભા, તમને ક્યાંથી ખબર હોય, ગણપત મુખીએ ગઈ કાલે સાંજે આખી ઘટના જાણી એ પછી વિલાસને મારવામાં જે કસર કુંવર પ્રતાપસિંહે બાકી રાખી હતી તે ગણપત મુખીએ પૂરી કરી દીધી હતી અને આજે એ તમારી પહેલા કુંવર પ્રતાપસિંહના જામીન થવા વેહલી સવારે જ ઘરેથી નીકળી તાલુકા પોલીસ મથકે પહોંચી ગયા છે અને ત્યાંથી કુંવર પ્રતાપસિંહ અને પોલીસ અમલદાર સાથે કોર્ટમાં જવાના છે.


આશિષ એ. મહેતાCreative Commons License
શાસન માત્ર કાયદાનું જ નથી હોતું, માનવતા હજુ પણ છે માણસમાં. by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.


No comments:

Post a Comment