Saturday, September 26, 2020

જિંદગીમાં શું મેળવ્યું શું ગુમાવ્યું એ વિચાર મારા મિત્ર, બાકી જે મેળવ્યું એ કાંઈ નથી જે ગુમાવ્યું એ બધું જ છે.

"ઉસ્માન, લે આ ફોટો જોઈ લે, કાલથી આ છોકરી ઉપર તારે નજર રાખવાની છે."

"કોણ છે આ?" અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠીને આવેલા ઉસ્માને શુષ્ક અવાજે પૂછ્યું.

"તું એવું માની લે ઉસ્માન કે આ મારી છોકરી છે."

ઉસ્માન તરત સતર્ક થઈ ગયો અને "જી ભાઈ" કહી ઉભા થઈને ફોટો હાથમાં લઇ લીધો.

ઉસ્માન એટલે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં જાણીતું નામ. મારામારી, ધાકધમકી, કિડનેપીંગ, એક્સટોર્શન, મર્ડર જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલું નામ ઉસ્માન પઠાણ.

અને ઉસ્માન પઠાણને જેણે કામ સોંપ્યું એ જાહેર જીવનમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા 57 વર્ષીય એક પ્રતિષ્ઠિત ધારાસભ્ય જગન મહેતા અને અંધારી આલમમાં ઉસ્માન પઠાણનો બોસ, ટાઇગરભાઈ.

એક સલામ મારીને ઉસ્માને પાછળના બારણેથી વિદાય લીધી. બહાર ઉભી રહેલ બ્લેક સ્કોર્પિયોમાં બેસીને ખીસામાંથી ફોટો કાઢીને ધ્યાનથી જોયો. ઉસ્માનને આજ સુધી મારામારી, કોઈના હાથ પગ તોડવા, કોઈને ઉઠાવી લેવા, પૈસાની વસુલાત કરવી, જમીન-મકાન ખાલી કરાવવા, વગેરે જેવા અનેક કામો જગન મહેતા ઉર્ફે ટાઇગરભાઈના ઈશારે કર્યા હતા, પણ આજે પહેલી વખત એને ટાઇગર શેઠે આવી કોલેજમાં ભણતી છોકરી પર નજર રાખવાનું કામ સોંપેલું. ફોટાની પાછળ જરૂરી માહિતી હતી - નામ અને સરનામું.

રાતના અંધારામાં કાર આગળ વધતી જતી હતી. હમણાં જ સળગાવેલી ગોલ્ડ ફલેકના ધુમાડામાં ઉસ્માન વિચારે ચઢ્યો. આજકાલ કરતાં જગન મહેતા માટે કામ કરતાં કરતાં એને ત્રીસ-પાંત્રીસ વર્ષ થઇ ગયા હતા. આજથી ત્રીસ વર્ષ પેહલા ઉસ્માન જયારે માત્ર વીસ વર્ષનો હતો ત્યારે એના પિતા સુલેમાન, જગન મહેતાના પિતા ગોપાલ મહેતાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. ઉસ્માન અને જગન વચ્ચે ઉંમરનો કોઈ વધારે ફરક નહિ. ગોપાલ મહેતા એક સિદ્ધાંતવાદિ, સંતોષી અને શાંત સ્વભાવનો વેપારી માણસ. સામા છેડે જગન એટલે અત્યંત મહત્વકાંશી - બાળપણથી જ રાજકારણમાં હોદ્દો લેવાની મહત્વકાંક્ષા હતી. સુલેમાન પઠાણ પણ ચુસ્ત અને નેક મુસ્લિમ તો સામે ઉસ્માન એકદમ શોર્ટ ટેમ્પર અને હાથનો છુટ્ટો. બાવીસ વર્ષીય જગન મહેતાએ ઉસ્માનનો પોતાના કામ માટે ઉપયોગ શરૂ કર્યો. ઉસ્માન જોડે જ કોઈ સમસ્યા ઉભી કરાવવાની અને પછી પોતે વચ્ચે પડી સમાધાન કરાવવાનું. પૈસા અને પ્રતિષ્ઠા કમાવાની. થોડાક જ સમયમાં જગન મહેતાની ઓળખ એક પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન તરીકેની થઇ અને કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા. સમય પસાર થતો ગયો અને ઉસ્માનની ધાક અને જગન મહેતાની પ્રતિષ્ઠા વધતી ગઈ અને આજે જગન મહેતા એક પ્રતિષ્ઠિત ધારાસભ્ય બની ગયા.

સવાર પડી અને ઉસ્માને એના ફોલ્ડરિયાઓને કામે લગાડી દીધા. શહેરના પરા વિસ્તારનું સરનામું હતું. સરનામું મળી ગયું અને પાત્ર પણ. બાવીસ વર્ષીય ખુબસુરત કન્યા હતી દેવાંશી ગોરજીયા, જાણે સ્વર્ગની અપ્સરા જોઈ લો. એ એના ઘરેથી કોલેજ જવા નીકળી અને એનાથી સલામત અંતર રાખી ઉસ્માનના ફોલ્ડરિયા એની પાછળ લાગી ગયા. સવારે ઘરેથી નીકળી રાત્રે ઘરે પહોંચે ત્યાં સુધીનો ડેઇલી રિપોર્ટ રજેરજની માહિતી સાથે ઉસ્માને જગન મહેતાને આપવાનો શરૂ કર્યો. પૂરો એક મહિનો નીકળી ગયો. કોઈ જ શંકાસ્પદ બાબત કે માહિતિ મળી ન હતી.

પુરા એક મહિના પછી એક રાત્રે, રાતના અંધારામાં જગન મહેતાના ફાર્મ હાઉસ પર ઉસ્માન અને જગન મહેતા બંને બેઠા હતા. રાત જામી હતી. અંગૂરની બેટી બંનેના પેટમાં ધીમે ધીમે ઠલવાતી હતી. એવા સમયે ઉસ્માને જગન મહેતાનો મૂડ જોઈ પૂછ્યું, "ભાઈ, આ દેવાંશી પર નજર રાખવાનું કારણ?"

જગન મહેતા ઉર્ફે ટાઇગરભાઈ પોતાની ખુરશીમાં ટટ્ટાર થયા અને કહ્યું, "ઉસ્માન, દરેકના જીવનમાં કોઈ એક ખાસ વ્યક્તિ હોય છે. ચાલ દોસ્ત આજે તને એ વાત કહું."

ગ્લાસ ખાલી કરી, જાણે ભૂતકાળમાં જોતા હોય એમ જગન મહેતા એ બારીની બહાર રાતના અંધકારમાં જોયું.
"ઉસ્માન, તને યાદ છે? હું કોલેજના ફર્સ્ટ યરમાં હતો અને મેં તને પેલા થર્ડ યરમાં ભણતા સમીરને મારવાનું કામ સોંપ્યું હતું અને તેં સમીરને પગે ફેક્ચર કરી નાખ્યું હતું."

"હા ભાઈ બરાબર યાદ છે. તમે બહુ જ ગુસ્સે હતા સમીર પર અને હું પહેલી વખત જામીન ઉપર મુક્ત થયો હતો."

"કોલેજમાં હું મારી સાથે જ ભણતી એક છોકરીના પ્રેમમાં હતો. પણ એ સમયે હું પ્રેમનો એકરાર એની સામે નહતો કરી શક્યો અને બીજું મારે કોઈ પણ ભોગે રાજકારણમાં આગળ વધવું હતું. સમીર એ છોકરીને હેરાન કરતો હતો અને એટલે જ મેં સમીરને તારી જોડે મરાવ્યો. કોલેજ પુરી થાય એટલે એની સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા હતી. પણ મારૂં થર્ડ યર પુરૂં થાય એ પેહલા સમીર જોડે જ એના લગ્ન થઇ ગયા. મને પછીથી જાણવા મળ્યું કે, સમીરના બાપા પેલી છોકરીના બાપાના લેણદાર હતા. એ લગ્ન કરીને જતી રહી અને હું જોતો રહી ગયો. પછી શરૂ થઇ મારી રાજકીય સફર જેમાં તારો બહુ મોટો હાથ રહ્યો. આ દેવાંશી એ જેને હું પ્રેમ કરતો હતો એની છોકરી છે. સમીરને ધંધામાં નુકશાન થયું અને એનું બ્લડ પ્રેશર વધી જતા એને લકવો થઇ ગયો. દેવાંશીની મમ્મીએ ઘર ચલાવવા નોકરી કરવાની શરૂઆત કરી. એ ગમે તે જગ્યાએ નોકરી કરે એ મને પસંદ ન હતું. પણ જાહેર જીવનની મારી મર્યાદા હું તોડી શકું એમ ન હતો. એટલે મેં એને ત્યાંના એક સ્થનીક ઓટોમોબાઇલ શૉ રૂમમાં નોકરી અપાવી અને સમયે સમયે એની માહિતી લેતો રહેતો હતો. હમણાં જાણ્યું કે, "એ, એની છોકરીને લઈને ચિંતામાં રહે છે." એટલે મેં તને એની છોકરી પર નજર રાખવાનું કામ સોંપ્યું.

"ભાઈ, ગુસ્તાખી માફ, પણ આ દેવાંશીની અમ્મી પ્રત્યે કેમ આટલી લાગણી? તમે એની સામે આવવા નથી માંગતા, તમે એને મદદ કરો છો એ જણાવવા નથી માંગતા, એને કોઈ તકલીફ પડે એ પણ તમને મંજૂર નથી અને ભાઈ તેમ હજુ સુધી એનું નામ પણ લીધું નથી." ઉસ્માને પૂછ્યું.

"ઉસ્માન, એ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. કદાચ એને અંદાજ પણ નથી કે હું એને પ્રેમ કરતો હતો, કરું છું અને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી એને પ્રેમ કરતો રહીશ."

"ભાઈ, તમે ચિંતા ના કરો, દેવાંશી આજથી મારા માટે પણ મારી દીકરી જેવી. ભાઈ... એનું નામ કશિશ છે ને!? મેં તમે મને કામ સોંપ્યું એ દિવસથી જ દેવાંશીના પુરા પરિવાર પર નજર રાખવાની શરૂ કરી હતી અને ભાઈ જયારે દેવાંશીના મમ્મીનું નામ જાણ્યું-કશિશ, ત્યારે જ મને અંદાજ આવી ગયો કે, તમારા ઘરમાં તો કોઈનું નામ કશિશ નથી તો પણ તમારા બધા જ ધંધાના નામમાં "કશિશ" હોય છે એટલે મને એ સમજતા વાર ના લાગી. ભાઈ એક બીજી વાત, આપણે ક્યાં સુધી આવી રીતે દોગલી જિંદગી જીવતા રહીશું? ગેરકાયદેસરના તમામ ધંધા બંધ કરીને શાંતિથી જીવીએ તો કેવું? પછી આપ જે કહો એમ."

ઉસ્માનની વાતે જગન મહેતા વિચારે ચઢી ગયા. વાત તો સાચી હતી. આજે પદ છે, પૈસો છે, પ્રતિષ્ઠા છે, મિલકત છે, પરિવાર છે, વૈભવ છે,  નથી તો મનની શાંતિ, નથી તો જેને આખી જિંદગી પ્રેમ કર્યો એ કશિશની સન્મુખ ઉભા રહેવાની અને પ્રેમનો એકરાર કરવાની હિંમત.

આખરે ઉસ્માનનો પ્રશ્ન પણ સાચો જ હતો, "ક્યાં સુધી આવી દોગલી જિંદગી જીવતા રહીશું?"


આશિષ એ. મહેતા


Creative Commons License



જિંદગીમાં શું મેળવ્યું શું ગુમાવ્યું એ વિચાર મારા મિત્ર, બાકી જે મેળવ્યું એ કાંઈ નથી જે ગુમાવ્યું એ બધું જ છે. by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

1 comment: