Saturday, September 5, 2020

મારી કેસ ડાયરી : અવની-અવિનાશ

પ્રિય વાંચકમિત્રો,

“....જીંદગી કા સફર; હે યે કૈસા સફર,
કોઈ સમજા નહિ; કોઈ જાના નહિ...."

શનિવારની સાંજે અજય પટેલની ચેમ્બરમાં લેપટોપમાં જુના ગીતો ધીમા અવાજે વાગી રહ્યા હતા અને એ સમયે જ ઇન્ટરકોમની રીંગ વાગી. પંક્તિએ ઇન્ટરકોમ પર જણાવ્યું, “સાહેબ, ચિંતન સર આવ્યા છે.”

“મોકલ એને અને રામજી જોડે ૩ કોફી પણ મોકલાવજે.” રાબેતા મુજબની ચિંતન માટેની ટૂંકી સુચના આપી.

“કેમ છો સાહેબ?” ફૂલ હાઈટનો ગ્લાસ ડોર ખોલી અંદર દાખલ થતા કાયમની જેમ જ ઉત્સાહિત અવાજે ચિંતને પૂછ્યું.

“બસ મજામાં, આવ, તું જણાવ કેમ છે તું અને ઘરે બધા?” વ્યવસાયિક સંબંધમાં પણ માનવીય અભિગમ ધરાવતા એડવોકેટ અજય પટેલે જવાબ આપવાની સાથે સામે પૂછ્યું.

“બસ પ્રભુ કૃપા. આજે એકદમ રીલેક્ષ લાગો છો. ઓલ્ડ સોંગ ચાલી રહ્યા છે. વેઈટીંગ એરિયા ખાલી છે.” પોતાની ઓબ્જર્વેશન શક્તિનો પરિચય આપતા ચિંતને જણાવ્યું.

દરવાજા પર નોકીંગ કરીને ઓફીસમાં નવો જ જોડાયેલ ઓફીસ બોય રામજી ચેમ્બરમાં દાખલ થયો અને ટેબલ પર કોફીના ૩ કપ મુક્યા.

આજે એક નવી વાત તને કહેવાની છે. જીવનમાં ક્યારેક અણધારી ઘટનાઓ બની જાય છે, જે બન્યા પછી જાણે-અજાણે આપણે પ્રારબ્ધને માનવું પડે. તેં ઘણી વખત બસની પાછળ કે બીજી કોઈ જગ્યાએ વાંચ્યું હશે, “ઝઘડા ચીજના નહિ, જીદના હોય છે.” એવી જ એક કહાની અવની અને અવિનાશની છે. 

અવની અને અવિનાશ - બંને એક જ સમાજના અને બંનેના લગ્ન એરેન્જ મેરેજ, સમાજના રીત રીવાજ મુજબ, વિધિ-વિધાનથી, બંને પક્ષના વડીલોની હાજરીમાં ધામધૂમથી થયા હતા. પ્રાણ અને પ્રકૃતિમાં કોઈ જ ફેર ના થાય. અવિનાશ, એના પરિવારમાં સહુથી મોટો, લાગણીશીલ. લાગણીશીલ વ્યક્તિ સાહજિક રીતે થોડા ગુસ્સાવાળા હોય. અવિનાશ પણ એ જ પ્રમાણે ભોળો અને ગુસ્સાવાળો, પણ મનનો કપટી નહિ. સામા પક્ષે અવની થોડી નાદાન હતી. એની તકલીફ એ જ હતી કે એ જે કહેવા માંગે એ સામેવાળાને બરાબર રીતે સમજાવી ના શકે. આર્થિક રીતે જોવા જઈએ તો બંને પક્ષ સામાન્ય પરિસ્થિતિના. અવિનાશ બાજુ પૈતૃક જમીન ખરી પણ એમાંથી કોઈ ખાસ આવક નહિ. સામા પક્ષે અવનીના પિતા નિવૃત સરકારી અધિકારી એટલે પેન્શન આવે. અવિનાશ એના લગ્ન સમયે સામાન્ય ટ્યુશન ક્લાસ કરે. એનો ખર્ચો નીકળી રહે પણ મોટી મર્યાદા એ કે, સાતે સાત દિવસ એની કામગીરી ચાલુ રહે. અવિનાશ એની પોતાની પુરેપુરી આવક એના પિતાને આપી દે.

અહીંથી જ સમજફેરની શરૂઆત થઇ. અવનીને એવું લાગવા લાગેલ કે અવિનાશ એનું ધ્યાન નથી રાખતો અને અવનીને કોઈ જ મહત્વ નથી આપતો. લગ્નના બે વર્ષ પુરા થયા અને એમના ત્યાં દીકરીનો જન્મ થયો. દીકરી પણ બે વર્ષની થઇ ગઈ અને આ સમયગાળામાં અવની અને અવિનાશ વચ્ચેનું અંતર બહુ વધારે વધી ગયું. બંનેને એક-બીજા પર ભારોભાર અવિશ્વાસ થઇ ગયો.

ચૈતન્ય શંભુ મહારાજ પોતાની કથામાં કહે છે કે, “દીકરીનું ઘર કરાવવામાં અને તોડાવવામાં સહુથી મોટો ફાળો દીકરીની માનો હોય છે.” એ નિયમ મુજબ અવનીના પિયરપક્ષ તરફથી અવનીને સાચું માર્ગદર્શન આપવામાં ના આવ્યું અને જે માર્ગદર્શન આપવામાં આવ્યું તે તારી વિચારક્ષમતાથી પણ આગળ છે. અવની એની દીકરી સાથે અવિનાશના ઘરેથી નીકળી ગઈ અને પોતાના મા-બાપના ઘરે પહોંચી ગઈ. અવિનાશના કુટુંબીઓએ બંને વચ્ચે ઘરમેળે સમાધાન થાય એવા ઘણા પ્રયત્નો કર્યા પણ પાણી ઉપર પેન્સિલથી લખ્યા બરાબર - કોઈ જ પરિણામ નહિ.

અવનીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો. તું તો જાણે જ છે કે કાયદો પણ સ્ત્રીની તરફેણમાં અને મોટા ભાગે તો કહાની ઘર ઘર કી.. એક જેવી જ હોય. એક પછી એક એમ ત્રણ કેસ અવિનાશ વિરુદ્ધ દાખલ થઇ ગયા. લગભગ ત્રણ વર્ષ બંને તરફે કેસ મેટર ચાલી. ત્રણ વર્ષ પછી બંને પક્ષના વકીલોએ મધ્યસ્થી કરી અને સમાધાન કરાવ્યું. અવનીની શરત મુજબ અવિનાશે પોતાના સંયુક્ત પરિવારમાંથી અલગ રહેવા જવાનું સ્વીકાર્યું. ધીમે ધીમે પરસ્પરના મતભેદો દૂર થવા લાગ્યા. સમાધાનના બે વર્ષ બાદ તેમના ત્યાં પુત્રનો જન્મ થયો.

સમય પસાર થતો ગયો, અવની ધીમે ધીમે અલગ-અલગ સામાજિક પ્રવુત્તિમાં જોડવા લાગી અને એની વિચારસરણી વિકસિત થવા લાગી. અવિનાશે પણ પોતાના સ્વભાવ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પાડવા લાગી. હાલમાં પણ બંને વચ્ચે ક્યારેક ક્યારેક વાતાવરણ બગડી જાય છે, પણ જ્યાં ત્યાં બંનેનું ગાડું ગબડે છે.

તારી પહેલાં જ અવિનાશ આવીને ગયો. હું ખાલી એને સંભાળવાની જ ફી લઉં છું, બાકી એના સવાલનો જવાબ પણ એ જ આપે છે. એ કહેતો હતો કે સાહેબ આના કરતા છુટાછેડા લીધા હોત તો સારું થાત પણ પછી તરત જ એણે જ કીધું કે સાહેબ આ બંને બાળકો પ્રત્યેની કોઈ લેણદેણ ચુકવવાની હશે, કુદરતના ક્રમ મુજબ જયારે અમારું એક-બીજા સાથેનું ઋણાનુબંધન પૂર્ણ થશે ત્યારે આપોઆપ અમારા સંબંધોનો પણ અંત આવી જશે. જતાં જતાં કેટલી સરસ વાત કીધી એણે ઋણાનુબંધન....

આટલા વર્ષોના અનુભવ પછી એક વાત તો માનવી જ પડે કે સ્ત્રીને સમજવી કદાચ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈનાથી સંભવ નથી. બસ, અવિનાશ હમણાં જ ગયો અને મેં જુના ગીતો સાંભળવાનું ચાલુ કર્યું.

“સાહેબ, એક વાત કહું, આવી ઘટનાઓ સાંભળીને પ્રશ્ન થાય છે કે લગ્ન કરવા જોઈએ કે નહિ? મન વિચારે ચઢી જાય છે.”

“પેલો શબ્દ યાદ કર ચિંતન, ઋણાનુબંધન... બસ, કરમની લેણા-દેણી. તારા પ્રારબ્ધમાં જે હશે એ જ થશે. પ્રારબ્ધ કોઈનાથી બદલાતું નથી. બોલ, બીજું કહે.”

“ના બસ સાહેબ, હું રજા લઉં. આવજો.”

"આવજે."


આશિષ એ. મહેતા


********************************************************************************************
********************************************************************************************
Creative Commons License


મારી કેસ ડાયરી : અવની-અવિનાશ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

1 comment: