Saturday, September 19, 2020

મારી કેસ ડાયરી : સરલાબેન

પ્રિય વાંચકમિત્રો,



સાંજનો લગભગ ૬.૧૫ કલાકનો સમય થયો હશે. એડવોકેટ અજય પટેલ તથા એમના સાથી મિત્ર અને વકીલ અભિજાત શુક્લા ઓફિસની ચેમ્બરમાં બેઠા હતા. તેવામાં રીસેપ્શનીસ્ટ પંક્તિનો ફોને આવ્યો કે, "સર, તમને મળવા કોઈ સરલાબેન પંડ્યા આવ્યા છે."

અજય પટેલે સૂચના આપી કે એમને વેઈટીંગ રૂમમાં બેસાડો અને બીજા એક જયેશ શાહ આવશે, એ આવે એટલે મને જાણ કર. 

થોડી વારમાં અજય પટેલનો અંગત મિત્ર ચિંતન જોશી આવ્યો અને જયેશ શાહ પણ. પંક્તિનો ઇન્ટરકોમ પર ફોન આવતા સુચના આપી કે બધાને કોન્ફરન્સ રૂમમાં મોકલી આપ અને સાથે કોફી પણ. બીજી પાંચેક મિનીટ પછી, કોન્ફરન્સ રૂમમાં જયેશ શાહ, ચિંતન જોશી, સરલાબેન પંડ્યા બેઠા હતા અને અજય પટેલ અને અભિજાત શુક્લા દાખલ થયા. સરલાબેન સામે જોઈ સીધું જ કહ્યું, “બેન, તમારા માટે બ્રહ્મ સમાજના આગેવાન શ્રી વિરાજભાઈનો ફોન અને ભલામણ બંને આવી ગયા છે. બોલો હું આપની શું સેવા કરી શકું?”

“સાહેબ, વિરાજભાઈએ આપને બધી જ વાત કરી હશે. મારે વિધવા સહાય મેળવવી છે અને ભાડા કરાર નોંધાવવાનો છે.”

“આ જયેશભાઈ શાહ છે. મારા મિત્ર અને મારી સાથે જ કામ કરે છે.” અજયભાઈ જયેશ શાહ તરફ નિર્દેશ કરતાં આગળ બોલ્યા, “અને જયેશભાઈ આ સરલાબેન છે. એમનું સોગંદનામું, ભાડાકરાર અને બીજી જે કોઈ વિધિ કરવાની થતી હોય એ કરી આપજો.” જયેશભાઈને સુચના આપી.

જયેશભાઇ બોલ્યા, “બેન, તમારું આધાર કાર્ડ, બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ, મકાનનું ટેક્ષ બીલ અને મકાન માલિકનું આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તથા ભાડાની-ડીપોઝીટની માહિતી આપો એટલે ભાડા કરાર અને બાકીની ફોર્માલીટી પૂરી થઇ જશે.”

“જયેશભાઈ, તમે ડોક્યુમેન્ટસ લઇ લો અને સોગંદનામું તથા ભાડાકરાર જોડે બેસીને તૈયાર કરાવી દો. એમને વંચાવીને પછી એમની સહિ, અંગુઠાનું નિશાન લઇ લો, વિધવા સહાયનું ફોર્મ ભરી દો અને પછી મને જાણ કરો એટલે હું આવું. ચિંતન, તું મારી સાથે આવ.” એટલી સુચના આપી અજય પટેલ, ચિંતન અને અભિજાત શુક્લા ચેમ્બરમાં ગયા.

“સાહેબ, આજે બહુ વ્યસ્ત લાગો છો.”
“હા, પણ આ બહેનની વાત પણ ખાસ છે. તારે જાણવી હોય તો કહું.”
“અરે, થવા દો, સાહેબ.” ચિંતને જણાવ્યું.
“સંભાળ. બ્રહ્મ સમાજના અગ્રણી વિરાજભાઈ મારા વડીલ મિત્ર. આ બહેનનો રેફરન્સ એમણે આપ્યો છે અને એમનો ઈતિહાસ પણ મને જણાવ્યો. આ બહેન મૂળ જામનગરના. એમના માતા-પિતાનું એક્નું એક સંતાન અને એમના લગ્ન મુંબઈ ખાતે થયા હતા. સાસરે કોઈ વાતની કમી નહિ, દોમદોમ સાહ્યબી. એમના પતિ મુંબઈ હીરા બજારમાં પ્રતિષ્ઠિત પેઢીના માલિક. ઘરમાં નોકર-ચાકર અને તમામ ભૌતિક સુખ સગવડો. પતિનો પણ પૂરો પ્રેમ. સમય જતા એક પુત્રનો જન્મ થયો અને એ પણ જોત જોતામાં ૧૨ વર્ષનો થઇ ગયો. જાણે વિધાતા સોળે હાથે મહેરબાન. પણ, સમય કોઈનો ક્યારેય એક સરખો જતો નથી.

એક સોદામાં એમના પતિને સારું એવું નુકશાન થયું. એ જ અરસામાં એમની પેઢીમાં હીરાની મોટી ચોરી થઇ. ચોરી સહીતનું કુલ નુકશાન કરોડોનું. આટલું ઓછું હોય એમ હજુ તો નુકશાનીમાંથી બેઠા થાય એ પહેલા જ બોમ્બે બોમ્બ બ્લાસ્ટમાં એમના પતિ અને સસરાનું અવસાન થયું. બેંક લોન અને ધંધાકીય દેવામાં પેઢીની ઓફીસ, એમનો બંગલો અને અન્ય સંપત્તિની હરાજી થઇ ગઈ. એક જ વર્ષમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. 

પરિસ્થિતિને આધીન મુંબઈ છોડી અમદાવાદ આવ્યા. એમના પિયર પક્ષે કોઈ વ્યક્તિનો સપોર્ટ પણ રહ્યો ન હતો. અમદાવાદમાં વિરાજભાઈનો ક્યાંકથી કોઈકે રેફરન્સ આપ્યો અને આ બહેને વિરાજભાઈનો સંપર્ક કર્યો. વિરાજભાઈ મૂળ પરોપકારી જીવ એટલે એમણે આ સરલાબેનને એમની ઓળખાણમાં મકાન ભાડે અપાવ્યું, બાર મહિનાનું કરિયાણું ભરી આપ્યું અને સમાજના જ એક આગેવાનની સ્કુલમાં નોકરી અપાવી દીધી. વધુમાં મને કામ સોંપ્યું ભાડા કરાર અને વિધવા સહાયનું. મહાભારતની ઉક્તિ યાદ છે તને... “સમય સમય બલવાન હૈ, નહિ કોઈ બલવાન, કાબે અર્જુન લુંટીયો, વહી ધનુષ વહી બાણ” એ મુજબ એક સમયે જે મહેલનું સુખ ભોગવતા હતા એ આજે સરકારી સહાય પર આધારિત થઇ ગયા.”

અજય પટેલે વાત પૂરી કરી અને એ જ સમયે ઇન્ટરકોમ પર રીંગ વાગી. ફોન ઉપાડી, “ચેમ્બરમાં આવી જાવ” એટલી સુચના આપી વાત પૂરી કરી.

જયેશભાઈ અને સરલાબેન ચેમ્બરમાં દાખલ થયા. “બેન બધું વાંચી લીધું ને?” અજયભાઈ એ પૂછ્યું.
“હા” સરલાબેને જવાબ આપ્યો.
“જયેશભાઈ, બધું બરાબર ને? ક્યારે સબમીટ થઇ જશે?”
“કાલે સવારે ૧૨.૦૦ વાગે બેનને કલેકટર ઓફીસ બોલાવી લીધા છે. બાકીની કામગીરી ત્યાં પૂરી થઇ જશે.” જયેશભાઈએ જવાબ આપ્યો.
“સાહેબ, કેટલી ફી આપવાની?” સરલાબેને પૂછ્યું.
“જયેશભાઈને સ્ટેમ્પ અને નોટરીના ખર્ચના આપી દેજો. બીજી કોઈ ફી નથી આપવાની. વિરાજભાઈનું મારે માન રાખવું પડે. બીજું કાંઈ કામ હોય તો જણાવશો.” “અભિજાત, જયેશભાઈના ખાતામાં એમની ફી જમા કરાવી દેજો કાલે.” અજયભાઈએ કહ્યું.
સરલાબેન અને જયેશભાઈએ રજા લીધી.

“સાહેબ, કેમ ફી ના લીધી?” ચિંતને પૂછ્યું.
“વકીલાતનો વ્યવસાય એ મૂળ સેવાનો વ્યવસાય છે. ભગવાને ઘણું આપ્યું છે. આવા જરૂરિયાતવાળા વ્યક્તિ પાસેથી ફીમાં રૂપિયા નહિ, આશિર્વાદ લેવાના હોય. જે થોડા ઘણા સારા કર્મો થાય એ.”

ચિંતનનો ફોન રણક્યો અને ચિંતને ફોન એટેન્ડ કરી જણાવ્યું, “સાહેબ, રજા લઉં, એક કામ આવ્યું છે.”

“ઓકે, બાય. અમે પણ અમારા કામે લાગીએ.”


આશિષ એ. મહેતા


********************************************************************************************
********************************************************************************************




Creative Commons License



મારી કેસ ડાયરી : સરલાબેન by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment