Saturday, February 6, 2021

દુનિયામેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ

"સર, આપ મહેતા સાહેબ તો નહિ ને, ### ક્લાસીસમાં એકાઉન્ટ શીખવાડતા હતા એ!?"

"હા, પણ આપની ઓળખાણ ના પડી."

અમદાવાદ શહેરના શાહપુર બહાઈ સેન્ટર વિસ્તારમાં આવેલ એક ટ્રસ્ટની હોસ્પિટલમાં બપોરના આશરે 2.00 વાગ્યાનો સમય. એક વેલ ડ્રેસ દંપતી ધીમી ચાલે ડોક્ટરની કેબિનમાંથી બહાર આવ્યું. જે રીતે ડોક્ટરના સ્ટાફના લોકો આ દંપતીની સાથે વર્તાવ કરતા હતા એનાથી સ્પષ્ટ થતું હતું કે આ લોકો જે હોય તે પણ ડોક્ટર સાહેબ પોતે એમને ખાસ સન્માન આપે છે. બહાર રીશેપ્શન કાઉન્ટર પાસે જ એ દંપતી પૈકી હાથમાં વોકિંગ સ્ટિક ઝુલાવતા આશરે 62-63 વર્ષની ઉંમરના દાદાને એક પાંત્રીસેક વર્ષની સ્ત્રીએ પૂછ્યું, "સર, આપ મહેતા સાહેબ તો નહિ ને, ### ક્લાસીસમાં એકાઉન્ટ શીખવાડતા હતા એ!?"

"હા, પણ આપની ઓળખાણ ના પડી." એ દાદાએ જવાબ આપવાની સાથે જ સામો સવાલ કર્યો.

"સર, હું આપની સ્ટુડન્ટ, છાયા. 1996 માં બાર કોમર્સમાં તમારા હાથ નીચે ભણતી હતી."

હાથની આંગળીઓને જમણા ગાલ ઉપર વિચારની મુદ્રામાં ગોઠવી સહેજ આંખો ઝીણી કરી જાણે વર્તમાનથી અતીત તરફ જતા હોય એમ મહેતા સાહેબ ફ્લેશબેકમાં ગયા અને યાદ આવી ગયુ હોય એમ કીધું, "છાયા નરેશભાઈ પટેલ, બરાબર ને..!? તમે શું કરો છો અહીંયા?"

"હા સર, તમને તો મારુ આખું નામ યાદ છે. ગજબ મેમરી છે. સર, મારા મિસ્ટર અહીંયા એડમિટ છે."

"કયા રૂમમાં છે?"

મહેતા સાહેબનો સવાલ સાંભળી છાયા એમની આગળ થઇ અને મહેતા સાહેબ એમની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીની પાછળ, એમના પત્ની સાથે-સાથે ચાલવા લાગ્યા. થર્ડ ફ્લોર પર સ્પેશ્યલ રૂમ નંબર 305. દરવાજાની બાજુમાં પેશન્ટનું નામ હતું માધવલાલ શેઠ.

રૂમમાં પેશન્ટના બેડ પર આશરે 70 ની આસપાસની ઉંમરના વ્યક્તિ સૂતા હતા. હાથ પર લગાવેલી વિગોમાંથી ગ્લુકોઝ અને સેલાઈન શરીરમાં દાખલ થઇ રહ્યાં હતા. પેશન્ટના બેડની પાછળ લાગેલ મોનિટર નબળા પડી ગયેલ હૃદયના ધબકારા દર્શાવી રહ્યું હતું.

"શેઠ, સાંભળો છો? આ મારા સાહેબ છે. હું એમના હાથ નીચે બારમા ધોરણમાં ભણતી હતી."

પલંગ પર સુતેલા વ્યક્તિએ પરાણે આંખો ખોલી. મહેતા સાહેબે બે હાથ જોડી અભિવાદન કર્યું અને પ્રત્યુત્તરમાં પલંગમાં રહેલ વ્યક્તિએ પણ હાથ જોડવાનો પ્રયત્ન કર્યો. રૂટિન મુજબ એક સિસ્ટર આવી અને ઈન્જેક્ષન આપ્યું.

છાયાએ મહેતા સાહેબને વિનંતીસહ પૂછ્યું , "સર, જો થોડો સમય હોય તો આપણે બહાર વેઈટીંગમાં બેસીએ?"

મહેતા સાહેબના બદલે મિસિસ મહેતાએ જવાબ આપ્યો, "ચાલો બેસીએ."

અનુભવી મહેતા દંપતી સમજી ગયા હતા કે છાયાને કંઈક કહેવું છે. પછી બહાર વેઈટીંગ રૂમમાં ત્રણે જણ બેઠા.

"બોલ બેટા" એકદમ સાહજિક અવાજે મહેતા સાહેબે છાયાને કહ્યું.

"સર, તમે સાચું જ કહેતા હતા. જીવનની તમામ ઘટનાઓ પૂર્વ નિર્ધારિત છે અને આપણી મરજી મુજબનું કશું જ થતું નથી. ઘર અને પરિવાર માટે સમાધાન કરવું પડે છે."

"સર, બારમા ધોરણ પછી કોલેજ શરૂ થઈ, પણ થર્ડ યર હજુ અડધું જ પત્યું હતું અને એક એકસ્માતમાં મારા મમ્મી અને પપ્પાનું અવસાન થયું. પાછળ બચ્યા હું, મારી નાની બહેન અને નાનો ભાઈ. બહેન બાર સાયન્સમાં અને ભાઈ નવમા ધોરણમાં. ઘર અને દુકાન કાકા સાથે ભાગીદારીમાં હતા. થોડા દિવસ કાકા-કાકીએ સારી રીતે રાખ્યા પણ પછી રંગ બદલાવવા લાગ્યો. નાના ભાઈ-બહેનને ભણાવવવા પૈસાની જરૂર હતી. મેં કોલેજ છોડી અને નોકરી શરૂ કરી. શેઠના ત્યાં જ હું નોકરી કરતી હતી. પૈસાની ખેંચ સતત રહેતી હતી એટલે વારંવાર ઉપાડ માંગવો પડતો. એમાં એક વખત મેનેજર મને ખખડાવતા હતા અને એ શેઠ સાંભળી ગયા. મને ઓફિસમાં બોલાવી. મારી વાત સાંભળી અને પરિસ્થિતિ જાણી મને તરત ઉપાડ આપ્યો અને મારા ભાઈ-બહેનનો અભ્યાસનો તમામ ખર્ચ તેમણે ઉપાડ્યો. મેનેજર અને ઓફિસ સ્ટાફમાં બીજા કેટલાકને આ ના ગમ્યું. એવામાં એમના પત્નીનું અવસાન થયું. એ પછી હું રોજ મારા ઘરેથી એમનું અને મારુ ટિફિન બનાવીને લાવતી. ગામ હોય ત્યાં ઉકરડો હોય એ મુજબ મારા અને શેઠના આડા સંબંધો વિષે વાતો ઉડવા માંડી. એક સમયે થયું કે, નોકરી છોડી દઉં પણ વિચાર્યું મારા ભાઈ અને બહેનનું શું? થોડા સમય પછી મેં જ શેઠને સામેથી વાત કરી અને એમને મારી સાથે લગ્ન કરવા મનાવ્યા. સર, સગા કાકા-કાકીએ તરછોડ્યા પણ શેઠે એમનું વચન પાળ્યું. આજે મારો ભાઈ યુ.એસ.માં છે અને બહેન ઓસ્ટ્રેલિયામાં છે. બંને એન્જીનીયર છે. બંનેનો અભ્યાસનો, લગ્નનો અને ફોરેન જવાનો બધો જ ખર્ચો શેઠે ઉઠાવ્યો. શેઠનો બધો જ વેપાર હાલ એમનો મોટો દીકરો સાચવે છે. હા મને દર મહિને મારો નક્કી કરેલો પગાર મળી જાય છે. શેઠ ફેમિલીના દરેક સભ્યો મને પુરી રિસ્પેક્ટથી બોલાવે છે અને શેઠે મારા નામ પર એક ફ્લેટ લઇ રાખ્યો છે અને જો કદાચ એમને કંઈક હા-ના થાય તો મારો જીવન નીભાવ થાય એટલી વ્યવસ્થા પણ કરી રાખી છે. સર, આપ સાચું જ કહેતા હતા. પોતાના જયારે પારકા થઇ જાય છે ત્યારે ભગવાન કોઈક પારકાને પોતાના તરીકે જિંદગીમાં મોકલી આપે છે. મારા માટે તો એ વાત સાચી સાબિત થઇ."

થોડી આડી અવળી વાતો કરીને મહેતા દંપતીએ છાયાની વિદાય લીધી અને નીચે આવી રિક્ષામાં એમના ઘર તરફ આગળ વધ્યા. રિક્ષાના રેડિયોમાં ગીત વાગી રહ્યું હતું, "દુનિયામેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ......" જાણે પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યું હોય.

(સત્ય ઘટના પર આધારિત)


આશિષ એ. મહેતા



Creative Commons License



દુનિયામેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment