Saturday, February 13, 2021

વ્યક્તિ વ્યક્તિએ જુદી પરિભાષા છે, પ્રેમની એ જ તો વિશેષતા છે...

"કેમ છે? મજામાં ને.!?"

"હા, અને તું કેમ છે?"

"સરસ, કંઈ કામકાજ હોય તો કહેજે."

"જરૂર"

ગુજરાતના એક વગદાર, પ્રતિભાશાળી અને સમૃદ્ધ સમાજના સ્નેહ સંમેલનમાં આશરે 40 ની વયે પહોંચેલ એક સ્ત્રી અને પુરૂષ વચ્ચે ઉપર મુજબનો સંવાદ થયો.

સંવાદની શરૂઆત કરનાર હતો શહેરનો એક પ્રતિષ્ઠિત જર્નાલિસ્ટ સુભાષ અને સામે પ્રત્યુત્તર આપનાર ખૂબસૂરત સ્ત્રી હતી ભાવિષા.

બંને એક જ સમાજના હતા અને આજે ઘણા વર્ષે સમાજના સ્નેહ સંમેલનમાં ભેગા થયા હતા. બંનેના પરિવારજનો વર્ષોથી એક-બીજાને ઓળખતા હતા એટલે આ સાહજિક સંવાદ ઉપસ્થિત સર્વે માટે સાહજિક હતો. બસ એક પ્રયાગ આ બંનેને દૂરથી જોઈ રહ્યો હતો કઈંક વિચારી રહ્યો હતો.

સ્નેહ સંમેલન પૂર્ણ થયું અને બીજા દિવસની સાંજે સુભાષ એની બ્લેક સ્કોર્પિઓમાં એસ.જી. હાઇવે પરથી એના ખાસ મિત્ર પ્રયાગ જોડે પસાર થઇ રહ્યો હતો. અમેરિકાથી હમણાં જ થોડા સમય પહેલા ભારત પરત આવેલ પ્રયાગ અને સુભાષ બંને એક જ સમાજના અને બાળપણના મિત્રો.

સુભાષે એની આદત મુજબ કારની મ્યુઝિક સિસ્ટમમાં ગઝલ પ્લે કરી. પ્રયાગે સીધું જ પૂછ્યું, "યાર, આમ તો સમાજના સંમેલનમાં તું કોઈની જોડે બહુ વાત નથી કરતો. કાલે કેમ ભાવિષા જોડે વાતે વળગ્યો હતો?"

સુભાષે સહેજ હસીને કહ્યું, "સિગરેટ સળગાય, પછી વાત કરીએ. મને હતું જ કે તું આવું કઈંક પૂછીશ જ."

પ્રયાગે બે ગોલ્ડફ્લેક સળગાવી અને એક સુભાષને આપી. કારના વિન્ડો ગ્લાસ સહેજ નીચે કરી સુભાષે એક ઊંડો કશ લીધો અને પોતાની વાત શરૂ કરી.

"આપણે કોલેજ પુરી કરી અને તું અમેરિકા જતો રહ્યો એ પછીની આ વાત છે. તને યાદ છે મેં તને કીધું હતું કે મને એક છોકરી ગમી ગઈ છે, એની સાથે મારે લગ્ન કરવા છે. એ જ આ ભાવિષા. અમે એક-બીજાના સારા મિત્રો બન્યા અને અમારી વચ્ચેની અન્ડસ્ટૅન્ડિંગ પણ સારી હતી. અમે એક-બીજા સાથે બહુ ટાઈમ પસાર કર્યો અને એક સાંજે મેં એને આશ્રમરોડની સી.સી.ડી.માં પ્રપોઝ કરવાના હેતુથી જ કોફી માટે બોલાવી. મેં એને ફોન કર્યો અને એણે સીધું જ કીધું કે, "મારે તને આજે સાંજે મળવું જ છે, ખાસ કામ છે." એ સાંજે અમે આશ્રમરોડ સી.સી.ડી.માં મળ્યા. ભાવિષા ખૂબ અપસેટ હતી. એનો ચહેરો જોઈને મને પ્રપોઝ કરવાની ઈચ્છા ના થઇ. એ થોડી સ્વસ્થ થઇ એટલે એને મેં પૂછ્યું, "શું થયું?"

ભાવિષાએ કહ્યું, "યાર, પપ્પાને બિઝનેસમાં મોટો લોસ થયો છે. ઘર, ઓફિસ, કાર બધું જ વેચવું પડે એમ છે. એમના એક મિત્ર છે આપણા જ સમાજના. એ ફાઇનાન્સ કરવા તૈયાર છે પણ એક શરત છે કે એમના દીકરા સાથે મારે લગ્ન કરવા. શું કરું એ કંઈ સમજાતું નથી. ઘરમાં સૌથી મોટી હું છું. હજી એક બહેન અને એક ભાઈ છે. બંને હજુ ભણે છે. પપ્પાએ મારી મરજી પૂછી છે, પણ મને પરિસ્થિતીની ખબર છે. મારે મારા પપ્પાની મદદ કરવી છે. તું કહે હું શું કરૂં?"

અને મેં ભાવિષાને કીધું, "છોકરો કેવો છે?"

"સારો દેખાય છે. કોઈ વ્યસન નથી. બીજી કોઈ મને ખાસ ખબર નથી."

"બસ તો એની સાથે લગ્ન કરી નાખ. તારા પપ્પા અને પરિવારને મદદ પણ મળી જશે."

પછી અમે કોફી પી ને છૂટા પડ્યા હતા.

એ પછી બસ આજ રીતે અમે સમાજના પ્રસંગે ભેગા થઇ જઈએ છીએ. એ ખુશ છે.

પ્રયાગને એના ઘરે ઉતારી સુભાષે કાર પાછી વળી.

સુભાષે જર્નાલિસ્ટ તરીકે એક સરસ વાર્તા બનાવીને પ્રયાગને કહી દીધી. બીજી એક સિગરેટ સળગાવી એનો એક કશ લઈને સુભાષ એ જ ઘટનામાં નહિ જણાવેલ સત્ય વાગોળી રહ્યો હતો.

હકીકતમાં સુભાષ અને ભાવિષાએ કોર્ટ મેરેજ કરી જ લીધા હતા. હા, હજુ લગ્નજીવન માણ્યું ન હતું. બસ સુભાષને જોબ મળે એ સમયે એ બંને જણ તેમના લગ્ન જાહેર કરવાના હતા. એ દિવસે સી.સી.ડી.માં સુભાષ પાસે જોબનો ઓફર લેટર હતો અને એ બતાવવા જ તેણે ભાવિષાને સી.સી.ડી.માં બોલાવી હતી. ભાવિષાએ એ જ દિવસે એના ઘરે બનેલી ઘટના સુભાષને કીધી અને એનો નિર્ણય એના પપ્પાને મદદ કરવાનો હતો. એ ડરતી હતી એ વાતથી કે સુભાષ સાથેના લગ્નને લઈને સુભાષ એને હેરાન કરશે તો? પણ સુભાષે પોતાનો ભાવિષા પ્રત્યેનો પ્રેમ ઉજળો કરી બતાવ્યો. એ સાંજે જે શબ્દો સુભાષે ભાવીષાને કહ્યા હતા, અનાયાસે એ જ આજે અત્યારે એના મોઢે ફરી આવી ગયા, "મેં તને પ્રેમ કર્યો છે ગાંડી, તારી ખુશીમાં જ મારી ખુશી. આપણે લગ્ન કરી લીધા છે એ વાત આપણે બે જ જાણીએ છીએ, તો હવે કોઈને જણાવવાની જરૂર નથી. આપણે સારા મિત્રો હતા, છીએ અને રહીશું. પિતાને મદદ કરવાનું સૌભાગ્ય દરેકને નથી મળતું. ચાલ, હવે સ્માઈલ કર અને હસીને ઘરે જા."

આજના સમયમાં જ્યાં પ્રેમના નામે શરીરની ભૂખ અને સ્વાર્થ સાધનારને જોઈએ છીએ ત્યારે સુભાષ જેવા પ્રેમીને એક સલામ કરવાની ઈચ્છા થઇ જાય એ સ્વાભાવિક છે.

(સત્ય ઘટના પર આધારિત)


આશિષ એ. મહેતાCreative Commons Licenseવ્યક્તિ વ્યક્તિએ જુદી પરિભાષા છે, પ્રેમની એ જ તો વિશેષતા છે... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
 


No comments:

Post a Comment