Saturday, February 20, 2021

મારી કેસ ડાયરી : ટાઇગરભાઈ

પ્રિય વાંચકમિત્રો,


શુક્રવારની નમતી બપોરે આશરે ૪.૦૦ વાગ્યાની આસપાસ ચિંતન એડવોકેટ અજયભાઈની ઓફિસમાં દાખલ થયો. ઓફિસનો આજનો માહોલ કંઈક અલગ જ હતો. ઓફિસની બહાર બે અજાણ્યા વ્યક્તિઓ ઉભા હતા, બે જણા વેઈટીંગ એરિયામાં, અજયભાઈ અને અભિજાત એમની ચેમ્બરમાં ન હતા. કોન્ફરસ રૂમમાં અભિજાત અને અજયભાઈની સાથે બીજા બે થી ત્રણ વ્યક્તિઓ હોય એવું લાગી રહ્યું હતું. રીશેપ્શન પર પંક્તિનો ચહેરો પણ આજે ગંભીર જણાતો હતો. રામજી કોન્ફરન્સ રૂમની બહાર થોડો ગુસ્સામાં દેખાતો હતો. પંક્તિએ ચિંતનને બહાર વેઈટીંગમાં બેસવાનો ઈશારો કર્યો.

લગભગ પંદરેક મિનીટ પછી કોન્ફરસન રૂમનો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ સફેદ પેન્ટ અને સફેદ શર્ટમાં બહાર આવ્યો. એની પાછળ એના બોડીગાર્ડ જેવો લાગતો બીજો એક વ્યક્તિ બહાર આવ્યો અને એમની પાછળ અજયભાઈ અને અભિજાત. સફેદ પેન્ટ અને શર્ટમાં રહેલ વ્યક્તિએ અજયભાઈને કહ્યું, “આપની સાથેની મીટીગ યાદ રહેશે, કોફી બદલ આભાર.” અને ઓફિસની બહાર નીકળી ગયા. એમની પાછળ જ વેઈટીંગમાં રહેલ બે વ્યક્તિઓ અને ઓફિસની બહાર ઉભા રહેલ બે વ્યક્તિઓ પણ એમની પાછળ પાછળ નીકળી ગયા.

અજયભાઈએ ચિંતનને ચેમ્બરમાં બોલાવ્યો અને ત્યાંથી જ રામજીને કોફીની સુચના આપી. ચેમ્બરમાં કોફી આવી એટલે અજયભાઈએ પંક્તિ અને રામજીને પણ અંદર જ બોલાવી લીધા. બધા જ આવી જતાં અજયભાઈએ એક સ્માઈલ સાથે બધાને પૂછ્યું, “કેમ આટલા ગંભીર છો? ચાલો કોફી પીવો અને ફ્રેશ થાવ. મૂડમાં આવો.”

કોફી પૂરી કરી પંક્તિ અને રામજી બહાર ગયા. પછી ચિંતને પૂછ્યું, “ શું થયું સાહેબ?”

“હું તારા સવાલની જ રાહ જોતો હતો.” અજયભાઈએ કીધું .

“તેં ટાઇગરભાઈ નામ સાંભળ્યું હશે. છાપામાં અવાર-નવાર ચમકતું અન્ડરવર્લ્ડનું એક મોટું નામ. એ મને એક કેસમાંથી ખસી જવા અગર તો હારી જવા સમજાવવા આવ્યા હતા. પણ થયું એવું કે એ આપણો દ્રષ્ટિકોણ જોઈ પોતે સમજીને ગયા. વૈષ્ણવદેવી સર્કલ પાસેની એક જમીનનો કેસ જે ગાંધીનગર કોર્ટમાં ચાલે છે, એમાં આપણે વકીલ તરીકે હાજર થયા હતા. જમીન માલિક સાથે ફ્રોડ કરીને બોગસ બાનાખત તૈયાર કરવામાં આવેલ અને એના આધારે કોર્ટમાં દસ્તાવેજ કરાવી લેવાનો દાવો દાખલ કરેલ. જેમાં આપણે મૂળ માલિક-ખેડૂત તરફથી હાજર થયા હતા અને એક લાંબા સમય પછી દાવો નિર્ણાયક તબક્કામાં આવેલ. બાનાખત ખોટું સાબિત થઇ ગયું અને અનો ચુકાદો જ બાકી છે. એ સમયે જેમણે ખોટું બાનાખત કરાવી લીધેલ એ એક બહુ મોટા રાજકીય વ્યક્તિ છે. આ ટાઇગરભાઈ મારફતે મને એક મોટી રકમની ઓફર આપી અને કેસ હારવાનું કીધું. મેં એમની બધી જ વાત શાંતિથી સાંભળી. એમને એવી અપેક્ષા ન હતી કે હું આટલી શાંતિથી અને ગભરાયા વગર એમને સંભાળીશ. એ બોલી રહ્યા પછી મેં એમને એક સવાલ પૂછ્યો, "આપ કોઈ કામ હાથમાં લો અને આપને કોઈ એ કામ મૂકી દેવાનું અગર અડધેથી છોડી દેવાનું કહે તો આપ શું કરો?" એણે કહ્યું એવું ના થાય, માર્કેટમાં ઈજ્જત ખરાબ થઇ જાય, નામ ખરાબ થાય. મેં એમને એટલું જ કીધું બસ જે આપનો જવાબ છે એ જ મારો જવાબ છે. હા, ખેડૂતને નુકશાન ન થાય એ રીતે સમાધાન કરવું હોય તો વાત કરીએ.

મારો જવાબ એને ગમી ગયો અને એની અક્કડ નીકળી ગઈ. જતાં જતાં જેના વતી એ અહીં મળવા આવ્યો હતો એને ફોન કર્યો અને મીટીંગ ગોઠવી દીધી.

બસ પ્રભુ કૃપાથી આપણું પણ કામ થઇ ગયું અને આપણા ક્લાયન્ટનું પણ. એક સાથે બે નવી ઓળખાણ થઇ અને જેની સાથે રૂબરૂ પરિચય થયો એ પણ આપણાથી પ્રભાવિત થઇને ગયો એ મહત્વનું. આ જ પ્રભુ કૃપા કહેવાય. વાત પૂરી કરી અને ઘડિયાળમાં જોયું સમય ૬.૩૦ થયો હતો. ચિંતને જવાની રજા માંગી.


આશિષ એ. મહેતા********************************************************************************************
********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : ટાઇગરભાઈ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/


No comments:

Post a Comment