Saturday, July 17, 2021

મારી કેસ ડાયરી : હરપાલસિંહ બાપુ

પ્રિય વાંચકમિત્રો,


“સર, હરપાલસિંહ કરીને કોઈ આવ્યા છે. એમની એપોઇન્ટમેન્ટ લીસ્ટેડ નથી.” પંક્તિએ ઇન્ટરકોમ પર એડવોકેટ અજયભાઈને સમાચાર આપ્યા. વર્કિંગ દિવસની એક સાંજ હતી. અજયભાઈ એમની શીડ્યુલ મીટીંગ પૂરી કરીને બેઠા હતા અને એમની જ ચેમ્બરમાં સામે સોફામાં બેસીને ચિંતન એનું કામ કરી રહ્યો હતો. અભિજાત આવતીકાલની કોર્ટ ફાઈલ પર એક છેલ્લી છેલ્લી નજર નાખી રહ્યો હતો.

ઓફીસના સી.સી.ટી.વી.માં વેઈટીંગ એરિયામાં બેઠેલા એક આશરે સાઈઠની આસપાસના એક વૃદ્ધ બેઠા હતા. એમને જોઇને અજયભાઈ જાતે ઉભા થઇ બહાર વેઈટીંગ એરિયામાં આવ્યા અને આગંતુકને પ્રેમ પૂર્વક અંદર લઇ આવ્યા. અભિજાતે પણ એની ખુરશી પરથી ઉભા થઇને આવનારનું સન્માન કર્યું અને રામજીભાઈને કોફી અને પાણી લાવવાની સુચના આપી દીધી.

આવનાર હરપાલસિંહને સોફામાં આદરપૂર્વક બેસાડી અજયભાઈ અને અભિજાત પણ બીજા સોફામાં ગોઠવાયા અને આ આખી ઘટના જોઈ ચિંતન એટલું તો સમજી જ ગયો કે આ આવનાર હરપાલસિંહ કોઈ સામાન્ય વ્યક્તિ નથી જેને અજયભાઈ આટલો આદર આપે છે.

હરપાલસિંહે એમની સાથેના બેગમાંથી બે નાના બોક્ષ કાઢી એક અજયભાઈ અને એક અભિજાતને આપ્યા. પૂરા પરિવારની ખબર પુછી સામે અજયભાઈએ પણ હરપાલસિંહના પરિવારની ખબર પુછી. કોફી આવી ગઈ અને અલ્પ સમયમાં ઘણી વાતો પણ થઇ ગઈ. કોફી પીવાઈ ગયા પછી હરપાલસિંહે જવાની રજા માંગી. અજયભાઈએ કહ્યું, “બાપુ, ડ્રાઈવરને કહી દઉં, આપને ઘરે મૂકી જશે.” “ના સાહેબ, હું રીક્ષા કરી લઈશ.” હરપાલસિંહે જણાવ્યું. સામે અજયભાઈએ કહ્યું, “ઉભા રહો બાપુ હું કેબ બૂક કરી આપું.” કહી કેબ બૂક કરી અને રામજીને સુચના આપતા કહ્યું, “નીચે, --- નંબરની સફેદ ઇકો ગાડી આવશે અને આ કોડ આપશો. બાપુને આદર સહીત ગાડીમાં બેસાડી આવો.” અજયભાઈ ઓફીસના મુખ્ય દરવાજા સુધી હરપાલસિંહને વળાવી ચેમ્બરમાં પરત આવ્યા.

“સાહેબ, કંઈ ખબર ના પડી.” ચિંતને એના સ્વભાવ મુજબ ઉત્સાહિત સ્વરે પૂછ્યું.

“મને હતું જ કે તને જાણવાની ઉતાવળ હશે જ. સાંભળ, આ હતા હરપાલસિંહ ઝાલા. મૂળ કાઠીયાવાડના સૂર્યવંશી રાજપૂત. આઝાદી પહેલા એમના પૂર્વજો રાજપાઠ ધરાવતા હતા. કહેવાય છે ને કે, દરબારનો દીકરો કાં તો ધરતીની રક્ષા કાજે કાં તો ગાય કાં તો સ્ત્રીની રક્ષા કાજે મારવા જ જન્મ લે છે. આ બાપુ માટે એ વાત સો ટકા સાચી સાબિત થાય છે. આપણે આપણા પરિવારનો એક દીકરો પણ જો ફોજમાં જવા માંગે તો બીજા કેટલાય નોકરી ધંધા અને કમાવવાના રસ્તા બતાવીએ, જયારે આ બાપુએ પોતે એમની જિંદગી દેશ સેવા કાજે ફોજમાં આપી દીધી, કારગીલ વોરમાં બાપુને ત્રણ ગોળી વાગી હતી. બે ખભામાં અને એક પગમાં, પણ બાપુએ પોસ્ટ નથી છોડી. એનાથી પણ આગળ એમના ત્રણે દીકરા આજે પણ ફોજમાં દેશની સેવા કરી રહ્યા છે. મેં અને અભિજીતે જયારે જોડે જોડે કામ કરવાનું શરુ કર્યું એ સમયે બાપુ નોકરીમાંથી સેવા નિવૃત્ત થયા હતા અને એમના બે દીકરા ફોજમાં લાગી ગયા હતા. બંને દીકરાઓ વતી કામ કરવા સારું શું કરવું એના વિચારમાં હતા. એ સમયે અમારો અને બાપુનો પરિચય થયો. એમના બંને દીકરાઓ વતી તમામ કામ કરવા અંગેની પાવર ઓફ એટર્ની તૈયાર કરી આપી. એમણે ફીનું પૂછ્યું. એક વાત કહું, જયારે મેં અને અભિજાતે જયારે કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે અમે નક્કી કરેલ કે આર્મી કે પેરા મિલેટ્રી ફોર્સના કોઈ પણ વ્યક્તિનું ગમે તેવું કામ હોય ફી નહીં લેવાની. બસ એ નિયમ મુજબ અમે કોઈ ફી નતી લીધી. બસ, એમાંથી આ સંબંધ બંધાઈ ગયો. વર્ષે છ મહીને બાપુ એમની મરજી પડે ત્યારે ઓફીસ મળવા આવી જાય અને કંઈક અને કંઈક લેતા આવે. એમના દીકરા પૈકી કોઈ પણ જયારે રજાના સમયમાં ઘરે આવે એટલે ફોન પર ખબર પૂછી લે. સામે આપણે પણ દિવાળીનું બોક્ષ એમના ઘરે મોકલાવી દઈએ છીએ. વ્યાવસયિક સંબંધોમાં પણ આત્મીયતા થઇ શકે એનું ઉદાહરણ છે આ હરપાલસિંહ બાપુ.”

“સાહેબ, આને સંબધોનું વાવેતર કર્યું કહેવાય, નહિ?” ચિંતને કહ્યું.

“ હા, સાચું પણ જે સમજે એના માટે જ.” અભિજાતે કહ્યું એ સમયે જ ચિંતનનો ફોન રણક્યો અને એ ફોન રીસીવ કરવા બહાર નીકળ્યો અને અજયભાઈએ રામજીને ઓફીસ વસ્તી કરવા સુચના આપી.


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : હરપાલસિંહ બાપુ   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment