Saturday, July 3, 2021

મારી કેસ ડાયરી : કેયુર પટેલ

પ્રિય વાંચકમિત્રો,

“હાય પંક્તિ, હાવ આર યુ?” હંમેશની જેમ ઉત્સાહપૂર્વક ચિંતને અજયભાઈની ઓફીસમાં પ્રવેશ કરતા પંક્તિને પૂછ્યું અને સામે પંક્તિએ પણ સસ્મિત જવાબ આપ્યો.

“આઈ એમ ફાઈન. સાહેબે કહ્યું છે આજે તમે કોન્ફરન્સ હોલમાં બેસો. સાહેબ થોડા કામમાં છે.”

પોતાની જ ઓફિસમાં હોય એ રીતે અધિકારપૂર્વક અજયભાઈની ઓફિસમાં પ્રવેશતા ચિંતન માટે આ નવાઈની વાત હતી.

“ઓકે, એસ યુ સે..” કહી ચિંતને કોન્ફરન્સ રૂમમાં બેઠક લીધી અને એનું કામ ચાલુ કર્યું.

થોડીવારમાં રામજી કોફી આપી ગયો.

લગભગ અડધો કલાક થયો હશે અને અજયભાઈ અને અભિજાત બંનેએ કોન્ફરન્સ રૂમમાં પ્રવેશ કર્યો.

“શું ચિંતન, શું નવા-જુની?” અજયભાઈએ સ્વાભાવિક રીતે પૂછ્યું.

“અમારે તો સાહેબો શું નવા-જુની હોય, એ જ માર્કેટિંગ લાઈફ. પણ તમે સાહેબો કંઈક નવા-જુની કરવાના લાગો છો.” ચિંતને જવાબ આપ્યો.

“હા કંઈક એવું જ છે.” અભિજાતે હસીને કહ્યું.

“શું છે? મને પણ જણાવો.” ચિંતને કહ્યું.

“અરે ખાસ કઈ નહીં. બસ બાજુની ઓફીસનો સોદો કર્યો. કેયુર માટે.” અજયભાઈએ કહ્યું.

“શું વાત છે! અભિનંદન પણ આ કેયુર કોણ? કોઈ ક્લાયન્ટ છે?” ચિંતને અભિનંદન આપવાની સાથે માહિતી પણ માંગી લીધી.

“મને હતું જ કે હું નામ સાથે વાત કરીશ એટલે તારી અંદરનો શ્રોતા આખી વાત જાણવા માટે ઉત્સાહિત થઇ બહાર આવી જ જશે. ચલ આજે તને એની જ કહાની કહી દઈએ. આમ પણ થોડા સમય પછી તમે બંને એક બીજાને અહિયાં મળવાના જ છો.” ચહેરા પર એક સ્મિત સાથે અજયભાઈએ જવાબ આપ્યો અને વાત આગળ વધારી.

“કેયુર પટેલ, મારા ફોઈનો છોકરો, મારો કઝીન છે. અહીં હતો ત્યાં સુધી ભણવામાં કઈ ખાસ ન હતો. લગભગ ૧૯૯૪ની સાલમાં પી.સી. ભારતમાં હોમ યુઝ માટે આવ્યા હતા. આર્થિક રીતે પહેલેથી સુખી એટલે એના માટે પણ ઘરમાં કોમ્પુટર આવી ગયું. એક સ્ટેટસ સિમ્બોલ અને એ સ્ટેટસ સિમ્બોલે જ કેયુરના જીવનની દિશા બદલી. પુસ્તક વાંચવાનો આળસુ કોમ્પુટરનો કીડો બનતો ગયો. એના રસને ધ્યાનમાં લઇ ફોઈ-ફૂવાએ એને કોમ્પ્યુટરના ક્લાસ કરાવ્યા. કોઈ પણ બાળકને એના શોખનું શીખવા મળે તો એને ક્યારેય કંટાળો નથી આવતો. બસ એવું જ થયું આ કેયુરની બાબતમાં. શાળાકીય અભ્યાસ કર્યા પછી એને કોમ્પ્યુટરમાં આઈ.ટી. એન્જીનિયર તરીકેની ડિગ્રી મેળવી અને ફોરેનની કોઈ કંપનીની એક્ઝામ એણે પ્રથમ પ્રયત્ને પાસ કરી અને એ કંપનીએ એને અમેરિકા હાયર એજ્યુકેશન માટે સ્પોન્સર કર્યો અને કેયુરની તકદીર બદલાઈ ગઈ. કેયુર ઉપડી ગયો અમેરિકા અને ત્યાંની શિક્ષણ પદ્ધતિ એને માફક આવી ગઈ. ત્યાં જ કોમ્પ્યુટરના વિવિધ કોર્સ પુરા કર્યા અને ત્યાં જ નોકરી લાગી ગયો અને સીટીઝન પણ થઇ ગયો. ઊંચા અને સારા પગારની નોકરી કરી, પૈસા ભેગા કર્યા એના કરતા વધુ સારું એવું કહી શકાય કે પૈસા બનાવ્યા, અહિયાં પણ ખુબ સારા કહી શકાય એટલા પૈસા મોકલાવ્યા. ત્યાંની ભૌતિકતા માણ્યા પછી પણ ભારતીયપણું એમનામાંથી સંપૂર્ણ પણે ગયું નહીં. બસ, એણે અહિયાં આવીને પોતાની આઈ.ટી. કંપની શરૂ કરવાનું નક્કી કર્યું અને મને જ જવાબદારી સોંપી એના માટે સારા વિસ્તારમાં સરસ ઓફીસ લેવાની. આપણી બાજુની ઓફીસ વેચવાની છે એવું મને ગયા અઠવાડિયે જ જાણવા મળેલ. બસ, એના જ સોદા માટે બેઠા હતા. સોદો નક્કી થઇ ગયો અને ટોકન પણ આપી દીધું. કેયુરની ગણતરી આવનાર એકાદ મહિનામાં જ ઓફીસ શરૂ કરવાની છે. હવે, તારે પણ એક કામ કરવાનું છે. એની ઓફીસના ફર્નીચર અને ઇન્ટીરીયર માટે સારા બે ત્રણ આર્કિટેક્ચર સાથે મીટીંગ કરાવી આપવાની છે.”

“સો ટકા સાહેબ, બસ આવતા અઠવાડિયામાં જ ગોઠવી આપું અને સ્ટાફ માટે પણ કેટલાક વ્યક્તિઓને ઈન્ટરવ્યુ માટે બોલાવી લઈએ.” ચિંતને જણાવ્યું.

“ઈન્ટરવ્યુની વાત પછી, હાલ તો શું નાસ્તો કરવો છે એ બોલ એટલે રામજી જોડે મંગાવી લઈએ.”

“આઇસક્રીમ પાર્ટી કરવી પડે આજે તો, બાકી નાસ્તો તમે જે મંગાવો તે.” ચિંતને જવાબ આપ્યો.

ઇન્ટરકોમ રણક્યો અને પંક્તિએ જણાવ્યું, “સાહેબ, એક વ્યક્તિ મળવા આવ્યા છે.”

“ઓકે, એમને પાંચ મિનીટ પછી ચેમ્બરમાં મોકલ અને રામજીને સ્ટાફના બધા માટે આઈસક્રીમ અને ગરમ નાસ્તો લાવવાનું કહી દે.” ફોન ઉપર સુચના આપી અજયભાઈ અને અભિજાત એમની ચેમ્બરમાં જવા ઉભા થયા અને ચિંતને એના મોબાઈલમાં આર્કિટેક્ચરના નંબર સર્ચ કરવાનું શરૂ કર્યું.


આશિષ એ. મહેતા
********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : કેયુર પટેલ   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment