Saturday, July 31, 2021

મારી કેસ ડાયરી : રમણકાકા-મધુકાકી

પ્રિય વાંચકમિત્રો,


“ઘરને તારે પણ સ્ત્રી અને ઘરને ડુબાડે પણ સ્ત્રી.” એક સાંજે બોઝિલ ઓફીસ મીટીંગો પૂરી કરીને એડવોકેટ અજયભાઈ એમની ચેમ્બરમાં એમના મિત્રો અભિજાત અને ચિંતન સાથે બેઠા હતા. રામજી હમણાં જ ગરમાગરમ કોફી સર્વ કરી ગયો હતો. એની એરોમા ચેમ્બરમાં ફેલાઈ રહી હતી. એવા સમયે અજયભાઈએ એમના અનુભવની ખાણમાંથી એક અનુભવ શેર કરવાનું શરૂ કર્યું.

“આજે કંઈક નવું જાણવા મળશે.” ઉત્સાહિત ચિંતને એના સ્વભાવ મુજબ કહ્યું અને અભિજાત એના સ્વભાવ મુજબ મુક થઇ જાણવા બેસી રહ્યો હતો.

કોફીનો એક સીપ ભરી સામેની દિવાલ ઘડિયાળ તરફ નજર કરી જાણે અતીતના ઊંડાણમાં ડૂબકી લગાવી કોઈ દ્રશ્ય જોતા હોય એ રીતે અજયભાઈ થોડી વાર જોઈ રહ્યા અને બોલ્યા, “લગભગ દશેક વર્ષ પહેલાની વાત હશે. એ સમયે નાની ઓફીસથી અમારી કારકિર્દીની શરૂઆત હતી. એ સમયે એક વખત હું મારા વતન ગયો હતો. ત્યાં મારા પિતાના વડીલ મિત્ર જે ઉમરમાં મારા પિતા કરતા પણ મોટા એ રમણકાકા મળેલ. ગામમાં એમની ઓળખાણ રમણ મગન માસ્તર તરીકેની. એ સમયે રમણકાકા પ્રોફેસર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા હતા. એમણે જાણ્યું કે હું વકીલાત કરું છું એટલે એમણે એક બપોરે મને એમની વાડીએ આવવા કહ્યું. એ સમયે મને અંદાજ નહીં કે એમને મારૂં શું કામ હશે અને મને પણ થોડી આળસ કે બપોરની ઊંઘ આ કાકા બગડશે, પણ મારા પપ્પાના વડીલ મિત્ર એટલે ના પાડી ના શક્યો અને એમની વાડીએ ગયો. વાડી પર રમણકાકા અને હું અમે બંને સામસામે ખાટલા પર બેઠા હતા. થોડી આડી અવળી વાતો કરી પછી એમને નજીકમાં કામ કરતા ભાગીયાને કંઈક કામ સોંપી દૂર મોક્લ્યો અને વાતની શરૂઆત કરતા કહ્યું, “જો ભાઈ, તું ઉંમરમાં નાનો, પણ વૈધ અને વકીલથી કોઈ વાત છુપાવાય નહીં અને મારે તારું અંગત કામ છે. તારે જે ફી થતી હોય એ લઇ લેવાની અને મારું કામ કરી આપવાનું. વાત એવી છે કે, હું હવે પાકટ ઉંમરનો થયો. મારે મારું વિલ બનાવવું છે. મારી વાત ધ્યાનથી સાંભળ. મને ખ્યાલ છે ત્યાં સુધી વડીલોપાર્જીત મિલકતનું હું વિલ ના કરી શકું. બરાબર? મેં હા પાડી એટલે એમણે વાત આગળ ચલાવી, મારા પિતા તરફથી મને વરસામાં સાત વીઘા જમીન અને ગામનું મકાન મળ્યું છે. એ સિવાય આ ચિઠ્ઠીમાં લખી એ બધી જ જમીન, એફ.ડી., કિસન વિકાસ પત્ર, નાની બચત એ બધું જ મારી સ્વપાર્જીત મિલકત છે. તારે વિલ એવું બનાવવાનું છે કે, મારી સ્વપાર્જીત મિલકત મારા બંને દીકરા અને એક દીકરીને સરખે હિસ્સે મળે અને મારી એફ.ડી.નું દર મહીને જે વ્યાજ આવે એ જ મારી પત્નીને મળે. મારી પત્નીને મારી કોઈ જ સ્થાવર જંગમ મિલકતમાં ભાગ ના મળે.” એમનું આ વાક્ય સાંભળી મને નવાઈ લાગી એટલે એમને સામેથી જ સ્પષ્ટતા કરી કે, જયારે મારા અને તારા કાકીના લગ્ન થયા, એ સમયે મારી આર્થિક સ્થિતિ આજના જેટલી સારી નહિ અને એ સમયે હું પરિવારમાં સહુથી મોટો એટલે આખા ઘરની નહિ પરિવારની જવાબદારી મારા માથે. એ સમયે તારા કાકીએ એક દિવસ બાકી નથી રાખ્યો મને મેણા મારવામાં. એ સમયમાં બહુ સહન કર્યું રોજે રોજ એના દ્વારા થતું અપમાન પણ. એના પિયરના સગાની સામે તો ઠીક મારા બાળકોની સામે પણ એ મને ઉતારી પાડે. એણે મારા મા-બાપની પણ કોઈ જ કાળજી નહતી કરી. હું નોકરી લાગ્યો અને મારા પગારમાંથી શેર બજારમાં રોકાણ કર્યું. નોકરી અને ખેતીવાડી જોડે જોડે સાચવી અને આ મિલકતો ઉભી કરી. હમણાં થોડા દિવસ પહેલા, તું ગામમાં આવ્યો એના સમજને કે ત્રણ-ચાર દિવસ પહેલા જ એણે એનો ઈરાદો કહ્યો કે, આ બધી મિલકતો હું એના નામે કરી દઉં. એ મને ભોટ સમજે છે. ભાઈ, એ સમયે જો મેં એની જોડે છુટું લીધું હોત તો મારા બીજા ભાઈ-ભાંડું થાળે ના પડત. એટલે જ્યાં ત્યાં જીવન ગબડાવી લીધું પણ એ મારી મહેનતનું એના નામે કરવા માંગે એ કેમ ચાલે? એનાથી મને કોઈ વેરો આંતરો નથી પણ એના નામે મારે મિલકત કરવી નથી. તું મારું આટલું કામ કરી આપ.”

મેં રમણકાકાની અનુકુળતા મુજબનું વિલ બનાવી આપ્યું અને જાણે એ વિલની જ રાહ જોતા હોય એમાં વિલ બનાવ્યાના એક મહિના બાદ રમણકાકા અવસાન પામ્યા. એમની ઉત્તરક્રિયા બાદ એમના પરિવાર વચ્ચે મેં વિલ જાહેર કર્યું એ સમયે રમણકાકાના પત્ની મધુકાકીએ કાળો કકળાટ કર્યો હતો. મને પણ ઘણી ગાળો આપી હતી. એમના બંને દીકરા અને એક દીકરી ત્રણે સંતાનો એમને સમજાવતા રહ્યા પણ માને એ મધુકાકી નહિ. રમણકાકાના વિલ મુજબની વ્યવસ્થા કરી હું નીકળી ગયો હતો.

થોડા વર્ષો બાદ જાણવા મળ્યું કે, મધુકાકીને એમના સ્વભાવના કારણે કોઈ જોડે રાખવા તૈયાર નથી. આથી એ વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા પણ, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એટલે એમના સ્વભાવના કારણે એ વૃદ્ધાશ્રમમાંથી પણ પાછા આવ્યા. હમણાં ગયા અઠવાડિયે એમનું અવસાન થયું અને હું ગઈ કાલે વતન ગયો હતો ત્યાં ભેગા ભેગા એમના દીકરાને મોઢે થતો આવ્યો. એમના દીકરાએ જાતે જ કીધું કે, “ભાઈ, અમે છૂટ્યા આ ત્રાસમાંથી.”

કોફીનો ખાલી કપ ટીપોઈ પર મુકતાં અજયભાઈએ પોતાની વાત પૂરી કરી. ચેમ્બરમાં પીન ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું હતું. અભિજાત અને ચિંતન બંને સ્ત્રીના એક નવા જ સ્વરૂપ અંગે વિચાર કરી રહ્યા હતા.


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : રમણકાકા-મધુકાકી   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment