Saturday, March 19, 2022

મારી કેસ ડાયરી : મકવાણાસાહેબ

પ્રિય વાંચકમિત્રો,

“સાહેબ, એક ટ્રસ્ટ બનાવી મારી બધી મિલકત એ ટ્રસ્ટના નામ પર કરી દેવી છે અને ટ્રસ્ટનું મુખ્ય કામ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓની મદદ કરવાનું હોય.”

વર્કિંગ દિવસની એક નમતી બપોરે અજયભાઈ પટેલની ઓફિસમાં આશરે ૬૮-૭૦ વર્ષની એક પ્રૌઢ વ્યક્તિએ પ્રવેશ કર્યો. કોઈ પ્રિફિક્સ એપોઇન્ટમેન્ટ ન હતી એટલે થોડી વાર રાહ જોવી પડી અને પંક્તિને પોતાનો પરિચય નિવૃત ડી.વાય.એસ.પી. મકવાણાસાહેબ તરીકે આપ્યો. પંક્તિએ એની ફરજના ભાગ રૂપ ઓફીસના ઇન્ટરકોમ પર અજયભાઈને આવેલ મુલાકાતીનો પરિચય જણાવ્યો. ઓફીસની પ્રથા મુજબ રામજીએ પાણી આપી અને પછી કોફી સર્વ કરી. લગભગ પંદરેક મિનીટ પછી રીસેપ્શન પરનો ઇન્ટરકોમ રણકી ઉઠ્યો. પંક્તિએ કોલ રીસીવ કર્યો અને મકવાણાસાહેબને ચેમ્બરમાં જવા જણાવ્યું.

“મે આઈ કમ-ઇન, સર?” ચેમ્બરનો દરવાજો અડધો ખોલીને મકવાણાસાહેબે પૂછ્યું.

“યસ પ્લીઝ” આવનારના હોદ્દાનું માન જાળવતા અજયભાઈએ એમની ચેર પરથી ઉભા થઇ સ્વાગત કર્યું અને નિરીક્ષણ પણ.

સફેદ પેન્ટ અને સફેદ ઓપન શર્ટ, ઉમરના હિસાબે થોડું વધી ગયેલું પેટ અને ચહેરા પરની કરચલીઓ બાદ કરવામાં આવે તો એકંદરે મજબૂત બાંધો. ટૂંકા વાળ અને ક્લીન શેવ સાથે પ્રમાણસર ટ્રીમ કરેલી મૂછ. પાણીદાર આંખો પણ કઇક ઉદાસી ભરેલી. હાથમાં બ્રીફકેસ. આવનારે અજયભાઈની સામેની ચેર પર બેઠક લીધી અને અજયભાઈએ પણ.

કોઈ પણ પ્રકારની આડી અવળી વાત કર્યા વગર, મકવાણાસાહેબે એમની બ્રીફકેસ ખોલી અને એક ફાઈલ અજયભાઇના ટેબલ પર મૂકી અને કહ્યું, “સાહેબ, આમાં મારી બધી જ મિલકતોની વિગત અને પુરાવા છે. મારી જીવનભરની કમાણી. આ બધી જ પ્રોપર્ટી ટ્રસ્ટમાં લઇ જવાની છે અને આપ સાહેબે પણ એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યભાર સંભાળવાનો છે.”

“માફ કરશો સાહેબ, પણ મને યાદ નથી આવતું કે આપણે પહેલા ક્યારેય મળ્યા હોય?” અજયભાઈએ કીધુ.

“સાહેબ, આપની વાત સાચી છે. આપણે પહેલા ક્યારેય મળ્યા નથી. પણ મેં આપના વિષે પૂરી માહિતી મેળવી લીધી છે અને આપના હવે પછીના સવાલનો જવાબ પણ આપી દઉં.”

એક નાના ગામમાંથી શહેરમાં ભણવા આવ્યો આખું નામ (આખું નામ આપ્યું પણ અહીં હું જણાવતો નથી આપણે મકવાણાસાહેબ થી જ ઓળખીશું) અને કોલેજ પૂરી કરી. એ સમયે સરકારી પરીક્ષા પાસ કરી અને અનામતનો લાભ મળી ગયો. પોલીસખાતામાં સબ-ઇન્સ્પેકટર તરીકે નોકરી લાગ્યો. સમાજમાં લગ્ન થયા, સાવિત્રી સાથે, અને ધીમે ધીમે નિયમ મુજબ મારું પ્રમોશન અને ટ્રાન્સફર. ખાખીનો ઉપયોગ કર્યો અને ખુબ પૈસા બનાવ્યા. પરિવારમાં એક દિકરાનું આગમન થયું અને સાથે સાથે મારી લાલચમાં વધારો પણ. મારા સ્વભાવમાં સ્વાર્થીપણામાં વધારો થતો ગયો. ધીમે ધીમે મારા કુટુંબ અને સમાજથી મેં અંતર બનાવવાનું શરુ કર્યું. ચિરાગ, મારા પુત્રને સારી સ્કુલમાં ભણવા મુક્યો. સમય પસાર થતો ગયો. હું પૈસા બનાવતો ગયો. સમાજ અને પરિવારથી દૂર થતો ગયો. ચિરાગ મોટો થતો ગયો અને મિત્રો સાથે બગડતો પણ ગયો. એની કોલેજ પૂરી થઇ અને મેં મારી વગ વાપરીને એને બે–ત્રણ બિલ્ડરના ત્યાં ભાગીદાર બનાવી દીધો. રૂપિયાનું રોકાણ કરવાનું હતું નહિ, બસ મારે મારા હોદ્દાનો ઉપયોગ એમની સ્કીમ માટે કરવાનો હતો. સારું ઘર જોઈ ચિરાગને પણ પરણાવ્યો. મારી નોકરીના છેલ્લા સમયગાળામાં એક દિવસે મને એક સાથે ખુશીના બે સમાચાર મળ્યા એક મારું પ્રમોશન થયું અને હું ડી.વાય.એસ.પી. બન્યો અને એ જ દિવસે મારી પુત્રવધુ નીરાએ ટ્વીન્સ બાળકો, એક પુત્ર અને એક પુત્રી, રેહાન અને રેહાનીને જન્મ આપ્યો. એ દિવસે હું બહુ જ ખુશ હતો. મારી જિંદગીનો એ સહુથી મોટો ખુશીનો દિવસ હતો.”

વાતને વચ્ચે અટકાવી મકવાણાસાહેબે પાણી પીધું અને અજયભાઈએ રામજીને ઇન્ટરકોમ પર કોફી લાવવાનું જણાવ્યું. રામજી કોફી સર્વ કરીને ગયો અને ચેમ્બરમાં કોફીની એરોમા (સુવાસ) ફેલાઈ ગઈ. મકવાણાસાહેબે કોફીનો કપ ઉપાડ્યો અને એક સીપ લીધો અને સામેની દિવાલ પર જોઈ રહ્યા. જાણે ભૂતકાળમાં જોઈ રહ્યા હોય.

“સાહેબ, તમે કર્મનો સિધ્ધાંત પુસ્તક વાંચ્યું હશે.” કોફી પૂરી કર્યા બાદ મકવાણાસાહેબે વાત આગળ વધારી.

“હા, વાંચી લીધી છે.” અજયભાઈએ જણાવ્યું.

“હું આ વાત નહતો માનતો, પણ હવે માની રહ્યો છું. આ બધી જ મિલકત નીતિ અને ઈમાનદારીની કમાણીની તો નથી જ અને અન્ન એવા ઓડકાર એ કહેવત મુજબ ચિરાગ વધુને વધુ બગડતો ગયો અને દારૂની લતે ચડી ગયો અને પછી સટ્ટાબાજીના રવાડે. હું નિવૃત્ત થઇ ગયો અને ચિરાગને ભાગીદારીમાંથી છૂટો કરવામાં આવ્યો. લગભગ સાત મહિના પહેલા ચિરાગે સટ્ટાબાજીમાં એકાદ કરોડનું નુકશાન કર્યું. એ રાત્રે મેં એને સમજાવ્યો એના પર ગુસ્સે પણ થયો. બસ, એ રાત મારા જીવનનો ટર્નીંગ પોઇન્ટ બની ગઈ. મોડી રાત્રે મારા ઘરમાં ગોળીના અવાજ ગુંજી ઉઠ્યા. ચિરાગે એની પત્ની નીરા, બંને બાળકો રેહાના અને રેહાનીને ગોળી મારી દીધી અને પછી પોતે પણ પોતાના લમણે ગોળી મારી દીધી. ઘરમાં એક સાથે ચાર લાશ જોઈ મારી પત્ની સાવિત્રીનું હૃદય બંધ થઇ ગયું અને આ સંસારમાં હું એકલો રહી ગયો. મારા કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે. એ ઘટનાના બે મહિના સુધી હું પાંચ બેડરૂમના મારા મકાનમાં સાવ ભૂત જેવો એકલો ફરતો રહ્યો. મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું. માનસિક અશાંત થઇ ગયો હતો. ભગવાન કે પૂજા ભક્તિ સાથે ક્યારેય કોઈ સંબંધ ન હતા, પણ એક દિવસ સમય પસાર કરવા માટે ગીતાનો અધ્યાય કર્મ યોગ વાંચ્યો. એના વિષે વિચાર્યું. એ પછી ઘણા ધાર્મિક પુસ્તકો વાંચ્યા. મને મારા કર્મોનું ફળ મળવાનું શરૂ થઇ ગયું હતું. મારા શરીરમાં બીમારી ઘર કરવા લાગી. મને હાલમાં છેલ્લા સ્ટેજનું બોર્ન કેન્સર છે મારી પાસે હવે વધુ સમય નથી. તમારા વિષે પુરતી માહિતી એકત્રિત કરી અને જાણી લીધું કે આપ એક ઈમાનદાર અને નિષ્ઠાવાન વકીલ છો. બસ, મને મારા નિર્ણય માટે આપ સહુથી વધુ યોગ્ય લાગ્યા એટલે વગર એપોઇન્ટમેન્ટે સીધો અહીં આવી ગયો, મારી બધી જ મિલકતોની વિગતો લઇને. બસ હવે આપ એક ટ્રસ્ટ બનાવી આ બધી જ મિલકત એ ટ્રસ્ટમાં લઇ અને આ મિલકતનો વહીવટ એવી રીતે આપ કરો કે જેથી મધ્યમ વર્ગીય પરિવારના જરૂરિયાત વાળા બાળકોના અભ્યાસમાં મદદરૂપ થઇ શકું. કદાચ, મારી પાપની કમાઈનો સદઉપયોગ કરવાનો આનાથી વધુ સારો કોઈ રસ્તો નહિ હોય.”

“સાહેબ, આપની જીવનકથા સાંભળી બહુ દુઃખ થયું. આપનું કાર્ય થઇ જશે. ટ્રસ્ટ પણ બની જશે પણ એક મારી વિનંતી કે હું ટ્રસ્ટી તરીકે સેવા નહિ આપી શકું. હા પણ નિષ્ઠાવાન વ્યક્તિઓને ટ્રસ્ટમાં લેવાની અને ટ્રસ્ટની લીગલ મેટર સંભાળવાની કામગીરી હું કરીશ.”

“ઓકે, થેન્ક્સ ચાલશે. હું રજા લઈશ. આ મારા કાર્ડમાં મારૂં સરનામું અને મોબાઈલ નંબર છે જ અને આપને વાંધો ના હોય તો હું દર બે દિવસે આપને ફોન કરતો રહીશ. આ દુનિયામાં હવે મારું કોઈ રહ્યું નથી, બસ આપને આ આખરી કામ આપ્યું છે. ખબર નહીં, મારો કયો દિવસ આખરી દિવસ હશે.” વાત પૂરી કરી મકવાણાસાહેબ ઉભા થયા અને સાથે અજયભાઈ અને અભિજાત પણ. અજયભાઈએ હાથ લંબાવી શેક હેન્ડ કર્યું અને કહ્યું, “સાહેબ, નિરાશ ના થશો. ઓલ વિલ બી ફાઈન.” અને ઓફીસના મેઈન ગેટ સુધી અજયભાઇ મકવાણાસાહેબને વિદાય આપવા ગયા.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License


મારી કેસ ડાયરી : મકવાણાસાહેબ     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment