Saturday, March 5, 2022

અલખના ઓટલે દાસબાપુ – ૭ : કર્મની લેણદેણ

 દાસ બાપુ – ૭ કર્મની લેણદેણ

=======================


“બાપુ જીવનથી થાકી ગયો છું. મને એવું લાગે છે કે જીવનનો કોઈ ધ્યેય નથી.”

“આપણું ઘર” આશ્રમમાં એક સાંજે દાસ બાપુની સામે એક આશરે ૪૦ વર્ષનો વ્યક્તિ બેઠો હતો. દેખાવ અને પહેરવેશ પરથી ખાધે પીધે સુખી ઘરનો હોય એવું જણાઈ આવતું હતું. આશ્રમમાં બે દિવસથી એ આવેલ હતો અને આજે સાંજે દાસ બાપુ પાસે એ એની જીવન કથની કહેવા બેઠો હતો.

“મારું નામ મનીષ. એક માધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ થયો અને કરકસર ભર્યા વાતાવરણમાં ઉછેર થયો. મારા પિતાએ મને એમની ક્ષમતા કરતા પણ વધુ ખર્ચ કરી મને ભણાવ્યો અને મેં પણ પોસ્ટ ગ્રેજયુએશન કરી એમના ખર્ચેલ નાણાને સાર્થક કરી બતાવ્યા. સમાજના આગેવાનોએ  બતાવ્યું એ ઘરે સંબંધ થયો અને લગ્ન પણ. લાગણી વગરનું લગ્નજીવન અને ક્ષમતા વગરની મહત્વકાંક્ષાનું પરિણામ એટલે મારું લગ્ન જીવન. મારી પત્નીનું નામ રમીલા. ગામડામાં ઉછેર એટલે શહેરી રીતભાતથી સાવ અજાણ. મને એનો વાંધો ન હતો. પણ મારા સાસુની મહત્વકાંક્ષા સીધી જ રમીલામાં આવેલ. મને એક ખાનગી કંપનીમાં નોકરી મળી હતી. પગાર સારો હતો પણ મારા સાસુ અને મારી પત્નીની મહત્વકાંક્ષાની સામે બહુ જ ઓછો હતો. ખાનગી કંપનીની નોકરીમાં નોકરી પર હાજર થવાનો સમય નક્કી હોય પણ છૂટવાનો સમય નક્કી નથી હોતો. સરેરાશ દિવસના ૧૦ કલાક નોકરીમાં અને ૨ કલાક નોકરી પર આવવા-જવાના થતા. ગામડે પિતાજીની વારસાની જમીન વેચાઈ એના રૂપિયા અને થોડી રકમની મેં લોન લઇને પોતાની માલિકીની એક મકાન કર્યું. જે માવતરે મને ભણાવ્યો-પાળ્યો એમને સાચવવા એ મારી ફરજ હતી. હું મારા માં-બાપ અને મારી પત્ની ચાર જણા. શરૂ શરૂમાં બહુ વાંધો ના આવ્યો પણ કરકસરની ટેવ પડી ગઈ હોય એ વડીલ અને આધુનિકતાને સમજ્યા વગર અપનાવવા માંગતી ગૃહિણી વચ્ચે ધીમે ધીમે ખટરાગ થવા લાગ્યો. મારા મમ્મીના સૂચનો રમીલાને કડવા લાગતા. અધૂરામાં પૂરું આ મોબાઈલ ફોન- સ્થળની મર્યાદા પળમાં દૂર કરે અને સમાચાર પહોંચાડે, રમીલા અને મારા સાસુ વચ્ચેની સામાન્ય વાતચીત ધીમે ધીમે કાનભંભેરણીમાં પરિવર્તિત થઇ અને એમાંથી રમીલાને મારી મા પ્રત્યે પૂર્વગ્રહ જન્મ્યો અને ઘરનું વાતાવરણ ધીમેધીમે બગાડવા લાગ્યું. પસાર થતા સમયની સાથે અમારા ગૃહસ્થ જીવનમાં એક દીકરી – ક્રીશીનું આગમન થયું. થોડો સમય બધું સરસ ચાલ્યું પણ પ્રાણ અને પ્રકૃતિ જોડે જાય એમ ક્રીશી એક વર્ષની થઇ અને ઘરનું વાતાવરણ પાછુ હતું એવું ને એવું થયું. સંસારમાં જો કોઈ સત્ય હોય તો એ મૃત્યુ છે એ નિયમ મુજબ મારા પિતાનું દેહાવસાન થયું અને આ આઘાત મારી મા જીરવી ના શકી પિતાના અવસાનના બરાબર તેરમાં દિવસે એને પણ દેહ મૂકી દીધો. પાછળ રહી ગયો હું, રમીલા અને પુત્રી ક્રીશી સાથે. એના થોડા મહિના બાદ મારા સસરાનું અવસાન થયું એના મારા સાસુ અમારા ઘરે અમારી જોડે રહેવા આવી ગયા. બસ એ પછી ધીરે ધીરે મારી હાલત ઘરમાં એક પેઈંગ ગેસ્ટ જેવી થવા લાગી જેની મુખ્ય જવાબદારી ઘરખર્ચ પૂરો પાડવાની હતી. સમય સાથે નોકરીમાં પગાર પણ વધ્યો હતો. પણ સામા પક્ષે રમીલા અને મારા સાસુની ઉચ્ચ જીવન ધોરણની મહત્વકાંક્ષા વધુ પ્રમાણમાં વધતી ગઈ. પરિણામ મારા અને રમીલા વચ્ચે અંતર વધતું ચાલ્યું અને બોલવાનું પણ લગભગ બંધ થઇ ગયું. સતત ઉપેક્ષાના કારણે,  હું રાત્રે મોડો ઘરે જતો, જે બનાવ્યું હોય – જે વધ્યું હોય એ જમી સુઈ જતો સવારે વહેલા ઉઠી ઓફીસ. ક્રીશી સાતમા ધોરણમાં આવી ગઈ. એની ટ્યુશન ફી અને સ્કુલ ફી અને એના ભવિષ્ય અને મારી માર્યાદિત આવકને લઇને ઘરમાં થતી માથાકૂટનું પ્રમાણ પણ વધવા લાગ્યું. બસ, એક સવારે ઓફીસ ટુર પર જવાનું જણાવી હું ઘરેથી નીકળી ગયો અને સીધો આપના આશ્રમમાં આવી ગયો.” લગભગ એક શ્વાસે પોતાની જીવનકથની પૂરી કરી એને વિરામ લીધો.

“ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે દ્રષ્ટા ભાવ જણાવેલ છે. ભાઈ, આ સંસારમાં આપણે પણ આવો જ દ્રષ્ટા ભાવ કેળવવાની જરૂર છે. કર્મોની લેણદેણ મુજબ જ આ સંસારમાં જીવાત્માનું આગમન થાય છે જેની સાથે લેણદેણ એ મુજબ માતા, પિતા, ભાઈ, બહેન, પતિ-પત્ની, પુત્ર, પુત્રીના સંબંધો સ્થપાય છે. સંસારની આ મોહ અને માયામાં આપણે ગીતાનું ઉચ્ચારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણના વચનને ભૂલી જઈએ છીએ, રણ મેદાનમાં શત્રુ પક્ષે પોતાના જ સગા સંબંધીઓને યુદ્ધ માટે ઉભેલા જોઈ નાસીપાસ થયેલ અર્જુનને ભગવાને માત્ર યુદ્ધ કરવાનું કહ્યું હતું પરિણામની ચિંતા કે વિચાર કરવાનું નહતું કીધું. તને પણ હું એમ જ કહીશ કે, જે રીતે તું જીવન જીવતો હતો એ જ રીતે જીવ. એ અપેક્ષા છોડી દે કે તારો પરિવાર કે આ સંસાર તારી હયાતીમાં તારી કદર કરશે. તું એક સારા પુત્ર તરીકે જીવ્યો એક સારા પતિ તરીકે પણ અને એક સારા જમાઈ તરીકે પણ અને એક સારા પિતા તરીકે પણ બસ તું થાકી એટલે માટે ગયો કે તે સામેના પાત્રો પાસેથી સારા વર્તનની અપેક્ષા રાખી. મારી તને સલાહ એ જ કે, પિતા તરીકેનું તારું કર્તવ્ય કર, કોઈ પણ પ્રકારના સારા વર્તાવ કે અન્ય કોઈ પણ અપેક્ષા વગર. ભગવાન તારો માર્ગ પ્રશસ્ત કરે અને તારા પર કૃપા કરે.” અભય મુદ્રામાં હાથ ઉઠાવી દાસ બાપુ એ સમાધાન આપ્યું અને સચોટ માર્ગદર્શન મળ્યાનો સંતોષ મનીષના ચહેરા પર દેખાઈ રહ્યો હતો અને ચહેરા પરની નિર્દોષતા સાથે એણે સવાલ પૂછ્યો, “બાપુ, હું ફરી આશ્રમમાં આવી શકું.” એવા જ હસતા ચહેરે દાસ બાપુએ જવાબ આપ્યો, “આ આશ્રમનું નામ આપણું ઘર છે. ગમે ત્યારે આવી શકે છે.”

દાસ બાપુ પોતાના આસન પરથી ઉભા થયા અને કુટીરમાં ગયા અને મનીષ, પરત પોતાના સંસારમાં જવાના નિર્ણય સાથે એને ફાળવવામાં આવેલ રૂમમાં જવા ઉભો થયો.


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons Licenseઅલખના ઓટલે દાસબાપુ – ૭ : કર્મની લેણદેણ    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment