Sunday, July 3, 2022

આનંદ પ્રિયા ભાગ- 10

ફોરમની જીવન કથની જાણીને મન વ્યથિત થઈ ગયું હતું. બીજા દિવસે સવારે હું વી. એસ.ને મળ્યો. એક વિચાર મગજમાં આવ્યો અને મેં અને વી. એસ. બંનેએ ભેગા થઈને એક ટ્રસ્ટ બનાવ્યું કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટ, પિતા કૌશલ અને માતા શૈલ્યાના નામ ઉપર.

રાજકીય ઓળખાણોના કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો સારો ચાલતો હતો. મકાન અને ઓફિસ પોતાની હતી જ. દુનિયાની નજરે હું સુખી હતો. પણ એકલા રહેવાની સમસ્યાઓથી સારી રીતે પરિચિત પણ હતો.  ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત ઘણી કામગીરી શરૂ કરી, મેરેજ બ્યુરો, શૈક્ષણિક સહાય, ગૃહ ઉદ્યોગ વગેરે.. વી.એસ. પોતાની વગ વાપરીને સરકાર તરફથી જે કોઈ મળવાપાત્ર સહાય હોય તે લાવી આપે અને ધીમે ધીમે પ્રવૃત્તિના કારણે સહાય પણ મળવા લાગી.

ફોરમને સમજાવીને ટ્રસ્ટી તરીકે અમારી સાથે લીધી અને ટ્રસ્ટની પ્રવૃત્તિની જવાબદારી અને દેખરેખ એના શીરે નાખતા ગયા.

કર્મણ તે મને પૂછ્યું હતું ને કે આ ટ્રસ્ટ કેમ ખોલ્યું ત્યારે મેં કહ્યું હતું યાદ છે કે, તું જ્યારે ટ્રસ્ટી બનીશ ત્યારે તને સમજાઈ જશે. બસ મારા પછી તારે અને સંકેતે ટ્રસ્ટી બનવાનું છે. બસ તો તમારે બંનેએ આ કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટના જ ટ્રસ્ટી બનવાનું છે.

તમે જયારે વી.એસ. ને મકાનનું પઝેશન સોંપશો ત્યારે વી.એસ. બાકીની ફોર્માલીટી પૂરી કરશે.

હવે પાછા મૂળ વાત ઉપર આવું.

ફોરમ.. પતિ દ્વારા પીડીત અને સગા ભાઈ દ્વારા તરછોડાયેલી સ્ત્રી જેને પતિ અને ભાઈના સંબંધો ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. એણે કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટની જવાબદારી સ્વીકારી. અમારી વચ્ચે વાતચીતના સંબંધ વધ્યા અને અમે બંને એક બીજા તરફ લાગણી ધરાવતા થઈ ગયા. હું ટુર ઉપર ન હોવું તે સમયે મારા માટે ટીફીન ફોરમ એના ઘરેથી બનાવીને લાવતી. વી. એસ.એ મને કીધું પણ કે તારૂ મન માની ગયું હોય તો લગ્ન કરી લે. પણ હું જાણતો હતો કે, હું ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છું. પ્રેમ તો મને પણ હતો ફોરમ સાથે અને એને દુઃખી જોવા કે કરવા ન તો માંગતો એટલે જ એની સાથે લગ્ન ન કર્યા.

સમય  સરકતો ગયો. તમે બંને પતિમાંથી પિતા બન્યા અને હું કાકો..

યશ અને રાજના જન્મ સમયે હું ખૂબ જ ખુશ હતો..

એક વાત ચોક્કસ કહીશ. યશ અને રાજના જન્મના લગભગ ત્રણેક વર્ષ બાદ આપણે ફરીથી દર શનિવારે સંકેતના ક્લીનીક ઉપર મળવાનું નક્કી કર્યું.

આપણી મુલાકાતો દરમ્યાન ઘણી વખત મેં કાજલ અને શિલ્પા વિશેની તમારી ફરીયાદો સાંભળી છે અને એ ફરીયાદો સાંભળીને હસી પણ નાખી છે. ત્યારે કહ્યું હોત તો કદાચ તમે બંને મારી વાતનો વિરોધ જ કર્યો હોત.

પણ દોસ્તો પત્ની મળવી અને સમજદાર પત્ની હોવી બંનેમાં બહુ મોટો ફેર છે. તમે બંને વિચારો, સંકેત તું ડોક્ટર છે ઈમરજન્સી ડ્યુટી તે ઘણી વખત કરી હશે, ઘણી વખત તને શિલ્પાએ જ ઉંઘમાંથી ઉઠાડ્યો હશે ઈમરજન્સી કોલ માટે, ઘણી વખત બહાર જવાનો, ડિનરનો કાર્યક્રમ રદ કરીને પણ તું મેડીકલ ઈમરજન્સી માટે ગયો હોઈશ. તેવી જ રીતે કર્મણ તું પણ હવે તો દેશ વિદેશમાં બિઝનસ મીટીંગમાં જાય છે. તમે શિલ્પા અને કાજલની ઈચ્છાઓ, એમની લાગણીઓ એને ધ્યાને લીધી છે ખરી.? વિચારજો. માત્ર પૈસા આપી દેવાથી જવાબદારી પૂર્ણ નથી થતી. તમે ક્યારેય એમને ઘરના કોઈ કામમાં મદદ કરી છે? જો કરી હોય તો તે દિવસે એમના ચહેરા ઉપરનો આનંદ અનુભવ્યો છે.?

મિત્રો, પુરૂષ એકલો રહેતો હોયને તો એ ઘર, ઘર નથી ગણાતું. અસ્તવ્યસ્ત ચીજ વસ્તુઓના સંગ્રહસ્થાન જેવુ હોય છે. મારૂ ઘર પણ એવું જ એક સંગ્રહસ્થાન હતું.

મને મારી બીમારીની જાણ થઈ ગઈ હતી. જીવનના 46 માં વર્ષમાં પ્રવેશનો પ્રથમ દિવસ  હતો, સવાર સવારમાં વી. એસ., ફોરમ અને બીજા કેટલાક રાજકીય કાર્યકર્તાઓ મને બર્થ ડે વીશ કરવા ઘરે આવ્યા, બર્થ ડે કેક સાથે...

ઘરની પરિસ્થીતી જોઈને આવનાર તમામ શુભેચ્છકો, બર્થ ડે વીશ કરીને તરત જ પાછા વળી ગયા હતા. તમે વિચારી લો કે મારા ઘરની હાલત કેવી હશે.

એ પછી એક વખત હું હરિદ્વારની ટુર ઉપર ગયો હતો. હું ટૂર ઉપર જાવું ત્યારે મારા ઘરની ચાવી મારા ઓફિસના ડ્રોઅરમાં મૂકીને જતો હતો.

ટૂર પૂરી કરીને હું પરત આવ્યો, ઓફિસના ડ્રોઅરમાંથી ચાવી લઈને ઘર ખોલ્યું અને...

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-10   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment