Sunday, July 10, 2022

આનંદ પ્રિયા ભાગ -11

ટૂરથી થાકેલો હું રાત્રે ઓફિસ આવ્યો અને ચાવી લઈને મારા ઘરે ગયો. ઘર ખોલ્યો મારું ઘર જોઈને હું દંગ રહી ગયો.

આખા ઘરની સાફ સફાઈ થઈ ગઈ હતી. મારા અસ્ત વ્યસ્ત કપડાં ધોવાઈને ઈસ્ત્રી થઈ ગયા હતા, રસોડામાં વાસણો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા હતા. ફર્શ ઘસીને સાફ કરી હોય તેવી હતી. બેડશીટ જે ખરેખર બેડલી સ્મેલ કરતી હતી તે પણ ધોવાઈ અને સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી. પહેલી વખત મને મારૂ ઘર એ ઘર જેવું લાગ્યું... એ દિવસે વ્યવસ્થિત ગોઠવાયેલું અને સ્વચ્છ થયેલું ઘર જોઈને મને આનંદ થયો, જાણે મારી ટૂરનો થાક ઉતરી ગયો પણ હું સમજી ન શક્યો કે, આવું કર્યું કોને?”

સાલું આખી રાત ઉંધ ન આવી...

બીજા દિવસે સવારે, વહેલો તૈયાર થઈને ઓફિસ જતો રહ્યો. ચાવી તો મારા ઓફિસના ડ્રોઅરમાં હતી જ. ચાવી લઈને મારા ઘરની આ સાફસફાઈ કોણે કરી હશે એ વિચારતો હતો અને ફોરમ આવી, કેમ છો  ઘરે બધું વ્યવસ્થિત છે ને.?” એક સ્મિત સાથે એણે પૂછયું અને હું સમજી ગયો કે મારા ઘરને ઘર જેવું બનાવનાર એ બીજું કોઈ નહિ ફોરમ જ છે.

પ્રણય સંબંધોમાં, પ્રણય સંબંધની કબૂલાત શબ્દો દ્વારા જ થાય તે જરૂરી નથી હોતું. સામેના વ્યક્તિના વર્તન ઉપરથી પણ સમજી જવાનું હોય. ફોરમની કાળજી મેં કરી, આમતો મેં કરી એ શબ્દ જ ખોટો છે, હું ઈશ્વરકૃપાથી નિમિત્ત બન્યો તે કહેવું યોગ્ય રહેશે અને ફોરમે મારા ઘરને ઘર બનાવ્યું, એક અવ્યવસ્થાના ઉદાહરણ સમાન મકાનને રહેવા લાયક ઘર....

ફોરમનો એ દિવસે મેં આભાર માન્યો. પછી તો જાણે એણે નિયમ જ લઈ લીધો હોય તેમ દર રવિવારે મારા ઘરની અસ્તવ્યસ્ત ચીજ વસ્તુઓની ગોઠવણી એણે માથે ઉપાડી લીધી. રવિવાર હોય એટલે હું સવારથી જ વી. એસ. ની જોડે કોઈને કોઈ કાર્યક્રમમાં બહાર હોઉં અને મારી ગેરહાજરીમાં ફોરમ મારા ઘરને ગોઠવીને જતી રહે.  કોઈ અપેક્ષા નહિ, કોઈ માંગણી નહિ.

આજે જ્યારે મારા જીવનની સંધ્યા ઢળી રહી છે ત્યારે હું ચોક્કસ પણે કહીશ કે, જો મેં બીજા લગ્નની તૈયારી બતાવી હોત અને ફોરમને તે અંગે વાત કરી હોત તો ફોરમની હા જ હોત..

ફોરમ એ મારા જીવનપથની છેલ્લી આનંદપ્રિયા...

તમે, મારા ઘરે ગયા અને જે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ ઘર જોયું તે માત્ર અને માત્ર ફોરમને આભારી છે. મારી બીમારી અંગે મેં એને પણ જણાવેલ નથી. હું એને દુઃખી કરવા માંગતો ન હતો.

મિત્રો, આ ડાયરી તમે બંનેએ ધ્યાનથી વાંચી અને મેં તમને ઘણી જવાબદારી સોંપી દીધી બીજી એક જવાબદારી પણ આપું છું. મારૂં ઘરતો વી.એસ.ને વીથ ફર્નિચર વેચાણ આપી દીધું છે. પણ, ફોરમ પ્રત્યે જ્યારે મને પોતાનાપણાની લાગણી ઉદ્ભવી તે વખતથી એને સંબોધીને મેં પત્રો લખેલ છે તે અને એના માટે મેં જે કોઈ ગીફ્ટ લીધી છે, બચત કરી છે તે બધી જ મારા બેડરૂમના કબાટના રાઈટ સાઈડના ખાનામાં મૂકેલી છે,  એ એને આપી દેશો.

મારા કપડાં, ઘરના વાસણો અને બીજી પરચૂરણ ચીજ વસ્તુઓ જરૂરીયાત વાળા વ્યક્તિઓને વી. એસ. એમની રીતે દાન આપી દેશે.

તમે બંને મને અવાર-નવાર પૂછતા હતા કે મારા જીવનમાં કોણ છે જેને હું પ્રેમ કરુ છું. અને હું તમને કાયમ કહેતો કે કેટલા નામ આપું.?”

મિત્રો, સ્ત્રીના દરેક સ્વરૂપ અને સ્ત્રી સાથેના દરેક સંબંધ પૂજનીય છે. યાર, જન્મ આપનાર માતા, શાળાના પ્રાથમિક વર્ગોમાં ક.. ખ...ગ....શીખવાડનાર ટીચર, મમ્મી, ભઈલો મને હેરાન કરે છે ની ફરીયાદ કરનાર બહેન, યાર તું કેવા સાવ આવા ચંબુ જેવા કપડા પહેરે છે આવું કહેનાર મિત્ર, પોતાના પિતાનું ઘર ત્યજીને, પતિ સાથે ખભે ખભો મિલાવીને ગૃહસ્થ ધર્મ નિભાવતી પત્ની, દિયરને માતા, મોટા બહેન અને સખી ત્રણેનો સમાન સ્નેહ કરતી ભાભી, પપ્પા તમે રહેવા દો તમને ન આવડેની ફરીયાદ કરતી દિકરી, અને પપ્પા, તમારી થાળી પીરસી દીધી છે. ગરમ ગરમ જમી લો નો આગ્રહ કરતી  પુત્રવધુ.. સ્ત્રી આ દરેક સ્વરૂપમાં પ્રેમ વર્ષાવે છે, સ્નેહ વર્ષાવે છે. પણ અફસોસ કે જ્યારે પ્રેમની વાત આવે ત્યારે રાધા-કૃષ્ણનો પ્રેમ, સીતા માટે સમુદ્ર ઉપર સેતુ બનાવી નાખનાર રામનો પ્રેમ, માટી ખાવા ઉપર કૃષ્ણને ઠપકો આપનાર યશોદાનો પ્રેમ, શીશુપાલ વધ સમયે કૃષ્ણની આંગળી છેદાઈ જતા પોતાના પાલવમાંથી છેડો ફાડીને પાટો બાંધનાર દ્રોપદીનો પ્રેમ, મીરાનો પ્રેમ કે નરસિંહ મહેતાના પ્રેમના ઉદાહરણ લેવાના બદલે લોકો લેલા-મજનુ અને શીરી – ફરહાદના જેવા ક્ષુલ્લક પ્રેમના ઉદાહરણો લે છે.

ડાયરીનું પાનું પૂર્ણ થયું

કર્મણે ડાયરીમાં બુકમાર્ક મૂકીને ડાયરી બંધ કરી.

આને સાલાને આપણે ગાળો દેતા અને આ મજાકમાં હસી નાખતો, આપણે આની મજાક ઉડાવતા રહ્યા પણ યાર આની ડાયરી જેમ વાંચતા જઈએ છીએ તેમ એના વિચારોની સામે મને હું વામણો લાગી રહ્યો છું.ડોક્ટર સમીરે કીધું

હા, સાચી વાત છે. આનંદ આટલો ફિલોસોફીકલ વિચારો વાળો હશે આવું તો મેં પણ નહતું ધાર્યું. કર્મણે કહ્યું અને આનંદની ડાયરી બાજુમાં મૂકી.

હવે બહુ પાના બાકી નથી આવતીકાલે આ ડાયરી પૂરી વંચાઈ જશે. પછી શિલ્પા અને કાજલને ડાયરી વાંચવા આપવી છે તારૂ શું કહેવું છે. ડોક્ટર સમીરે ડાયરી હાથમાં લઈ તેના બુકમાર્ક ઉપર અને અંતિમ પાનાને અંગુઠા અને પહેલી આંગળીની વચ્ચ દબાવી કર્મણને પૂછયું.

મારો વિચાર, આ ડાયરી એ બંનેને પણ વાંચવા આપવાનો છે બાકી પછી તું કહે તેમ.” કર્મણે કહ્યું.

અંદાજ નથી આવતો કે હવે પછીના પાનામાં આનંદે શું લખ્યુ હશે. હજી આશરે  દશ થી પંદર પાના બાકી છે. ડોક્ટર સમીરે કીધું.

એ તો કાલે ખબર પડી જશે. કર્મણે પ્રત્યુત્તર આપ્યો અને કીધું ચાલ ગુડનાઈટ કાલે વાંચી લઈશું.

ઓકે ગુડનાઈટ. ડોક્ટર સમીરે પણ વીશ કર્યું

કર્મણ ડોક્ટર સમીરના રૂમમાંથી ઉઠીને સામેના રૂમમાં ગયો એટલે શિલ્પા, કાજલ પાસેથી ઉઠીને ડોક્ટર સમીરના રૂમમાં આવી..

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons License



આનંદપ્રિયા : ભાગ-11   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment