Saturday, July 23, 2022

આનંદ પ્રિયા ભાગ -13

ડોક્ટર સમીરના રૂમનું વાતાવરણ ગમગીન હતું. રાત ખાસ્સી વીતી ચૂકી હતી અને કર્મણ અને સમીર હજુ એમના જ રૂમમાં હતા. આખરે સામેના રૂમમાંથી શિલ્પાએ આવીને દરવાજો નોક કર્યો અને દરવાજો ખોલ્ય, કર્મણ અને સમીર રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને નહતા બેઠા એટલે દરવાજો ખુલી ગયો. અંદરનું દ્રશ્ય જોઈ શિલ્પાએ કાજલને બુમ પાડીને બોલાવી લીધી. પિસ્તાલીસી વટાવી ચૂકેલા બંને મિત્રોની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. ટેબલ ઉપર આનંદની ડાયરી પડી હતી. શિલ્પાએ સમરીના ખભે હાથ મૂક્યો અને કાજલે કર્મણનો ચહેરો પોતાના હાથમાં લીધો. બંનેએ પોત પોતાના પતિને સ્પર્શથી આશ્વસ્થ કરી રહી હતી.

થોડી વાર સુધી રૂમમાં  મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું. સ્વસ્થતા કેળવીને શિલ્પાએ કહ્યું, ચાલો રાત બહુ વીતી ચૂકી છે. સૂઈ જાવ સવારે વાત કરીશું.

નાના છોકરાની માફક સમીર અને કર્મણ ઉભા થયા કર્મણ કાજલ સાથે સામેના રૂમમાં ચાલ્યો ગયો અને સમીર ફ્રેશ થવા માટે બાથરૂમમાં શિલ્પાએ પાછળ ફરીને કાજલને ગુડનાઈટ વીશ કરી અને બરાબર તે જ સમયે કાજલે પણ પાછળ જોયું એટલે એણે પણ ગુડનાઈટ વીશ કર્યું.

 

બીજા દિવસે સવારે ડાઈનીંગ ટેબલ ઉપર શિલ્પા, સમીર, કાજલ અને કર્મણ ગોઠવાઈ ગયા હતા. મહારાજે ગરમા ગરમ કોફીની સાથે નાસ્તામાં બટાકા પૌંઆ બનાવ્યા હતા.

ઘેરાયેલા વાદળો વરસી ગયા બાદ જેમ વાતાવરણ સ્વચ્છ થઈ જાય છે, તેમ પાછલી રાતની ઘટના બાદ સમીર અને કર્મણ ઘણા અંશે સ્વસ્થતા કેળવી ચૂક્યા હતા.

વાતની શરૂઆત કરતા સમીરે કહ્યું આનંદની ડાયરી પૂરી વાંચી નાખી, આજે તમને બંનેને વાંચવા આપીશું. આનંદનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો આનંદે તમને સોંપવાનું નક્કી કર્યું હતું.

અમને ..!!?”  આશ્ચર્ય સહિત શિલ્પા અને કાજલ બંને લગભગ સાથે જ બોલી ઉઠ્યા.

હા કર્મણે જવાબ આપ્યો.

અને આગળ કહ્યું બીજી ઘણી વાતો એણે જણાવી છે તમે વાંચશો એટલે ખ્યાલ આવશે.

સમીરના ફોનની રીંગ વાગતા વાત અટકી પડી. ડોક્ટર સમીરે ફોનની સ્ક્રીન ઉપર નંબર જોયો અનનોન નંબર હતો પણ ટ્રુ કોલરના કારણે નામ ફ્લેશ થયું વી.એસ.

સમીરે ફોન રીસીવ કરી કહ્યું, હેલો

સામેથી અવાજ આવ્યો, નમસ્કાર ડોક્ટર સાહેબ, હું વી.એસ. બોલું આનંદનો મિત્ર..

બોલો સાહેબ, સમીરે કહ્યું.

આપને મળવું છે આજે ક્લીનીક ઉપર મળી શકાય?” સામેથી વી.એસ. એ કહ્યું.

એક મીનીટ પ્લીઝ સમીરે કહ્યું

સમીરે ફોન મ્યુટ કરી કર્મણને પૂછયુ, વી.એસ.નો ફોન છે મળવા માંગે છે.

એક કામ કર સાંજે મારી ઓફિસે મળીએ સાત વાગે. કર્મણે જવાબ આપ્યો.

ઓકે કહીને સમીરે ફોન અનમ્યુટ કર્યો

યસ સર સાંજે કર્મણની ઓફિસ મળીએ જો આપને વાંધો ન હોય તો સાંજે 7.00 વાગે.”

મને ફાવશે. સામે છેડેથી ઉત્તર આવ્યો.

ઓકે હું એડ્રેસ આપને વ્હોટ્સઅપ કરુ છું. સમીરે કહ્યું.

સમીરે ફોન કટ કર્યો અને કર્મણને કહ્યું સાંજે તારી ઓફિસ મળીએ હું 6.45 આસપાસ આવી જઈશ. આનંદના મિત્ર છે પણ રાજકીય વ્યક્તિ છે અને આપણી પહેલી મુલાકાત છે જોઈએ.

કહીને સમીરે હોસ્પિટલ જવા નીકળ્યો અને કર્મણ એની ઓફિસ જવા..

----------------------------

સાંજની ઓપીડી ડોક્ટર સમીરે કેન્સલ કરી અને 6.45 વાગે કર્મણની ઓફિસ પહોંચી ગયો. બંને મિત્રો કર્મણની ચેમ્બરમાં બેઠા હતા. કર્મણની નજર ઓફિસના સી.સી.ટી.વી. ફુટેજને મોનીટરેટ કરી રહી હતી. શાર્પ 7.00 વાગે 52-55 ની આસપાસની વયના એક પ્રભાવશાળી વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કર્યો. સફેદ પેન્ટ અને સફેદ શર્ટ ક્લીન શેવ આશરે સવા પાંચ ફૂટની હાઈટ ઓફિસમાં પ્રવેશી જાણે કે ઓફિસથી પરિચીત હોય તેમ રીસેપ્શન ટેબલ ઉપર પહોંચ્યા અને બીજી જ મીનીટે રીસેપ્શન પરથી કર્મણની ચેમ્બરમાં ફોન આવ્યો, સર વી.એસ. આવ્યા છે.

એમને અંદર લેતો આવની સૂચના કર્મણે આપી અને સમીરની સામે જોઈને કહ્યું, ટાઈમના પરફેક્ટ માણસ લાગે છે.

સમીર જવાબ આપે  તે પહેલા ચેમ્બરનો દરવાજો ખૂલ્યો વી.એસ. અંદર દાખલ થયા અને કહ્યુ, કેમ છો કર્મણભાઈ અને ડોક્ટર સાહેબ આવવામાં બહુ મોડું તો નથી થયું ને?”

ના ના જરાપણ નહિ. બોલો શું લેશો. કર્મણે જવાબ આપ્યો.

ભાઈ કોઈ ફોર્માલીટીની જરૂર નથી. આનંદે તમારા બંનેનો પરિચય મને આપ્યો છે અને ઈ તો તમે આ ઓફિસનું સરનામું ન આપ્યું હોત ન તો પણ હું આવી જાત મને તમારી ઓફિસનું સરનામું આનંદે આપ્યું હતું. ગામઠી બોલીમાં વી.એસ.એ જવાબ આપ્યો અને આગળ કહ્યું આનંદની તબિયતના સમાયાર ઈને મને કીધા હતા. મારા માટે ઈ મારા નાના ભાઈ જેવો હતો. ઈ આમ આનંદથી જ રહેતો પણ અંદરથી ઘણો હતાશ અને એકલો પડી જ્યો તો એણે લાંબુ નહતું જીવવું પણ મોજથી ઈની મસ્તીમાં જીવવું હતું. વી.એસ.એ કહ્યું

સમીર અને કર્મણ વી.એસ.ની સામે જોઈ જ રહ્યા હતા.

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons License



આનંદપ્રિયા : ભાગ-13   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment