Sunday, January 8, 2023

બીરજુ બીરવા ભાગ-24 (અંતિમ ભાગ)

 

 બીરજુ બીરવા ભાગ-24 (અંતિમ ભાગ)

આવો તેજુમલજી કેમ છો?” બીરવાએ તેજુમલ ઉર્ફે ડિટેક્ટીવ કમલને હસતા ચહેરે આવકાર આપ્યો.

બસ મજા છે. ભગવાનની દયાથી ચાલે રાખે છે. ડિટેક્ટીવ કમલે જવાબ આપ્યો.

આપની ઓફર મેં અમારા બીજા ટ્રસ્ટીઓને જણાવી અમારા ટ્રસ્ટીઓએ પણ હકારાત્મક અભિપ્રાય આપ્યો એટલે આપને આજે બોલાવ્યા.મારે, આપની પાસેથી કેટલીક માહિતી જાણવી હતી.

બોલોને શેઠિયા. પોતાની ચાલ સફળ થતી જોઈને ડિટેક્ટીવ કમલે ઉત્સાહપૂર્વક પૂછયું.

આપની ફર્મની રજીસ્ટ્રર્ડ ઓફિસનું સરનામું જોઈશે અને અમારી શરત એ છે કે આપે ઓછામાં ઓછા એક હજાર નંગની ખરીદી કરવી પડશે અને એ પણ અમારા એક્ષપોર્ટના ભાવથી. જેનું અડધું પેમેન્ટ ઓર્ડર વખતે અને બાકીનું તમને માલની ડિલીવરી મળે તે સમયે. બીરવાએ ઠંડા કલેજે પોતાની શરત મૂકી.

બીરવાની શરત સાંભળીને ડિટેક્ટીવ કમલ ઉર્ફે તેજુમલના કપાળે પરસેવો વળી ગયો. થોડીક વાર પછી એણે બાજી સંભાળતા કહ્યું, સારૂ તમે મને કેટલોગ આપો હું વિચારીને કહીશ.

બીરવાએ રઘુનંદનની સામે જોઈને કહ્યું, રઘુ, આમને જો આપણને એમનો પરિચય ન આપ્યો હોત તો આપણે થાપ ખાઈ જાત ને. તેજુમલજીનો ચહેરો અને કદ કાઠી આપણા કોલેજ ફ્રેન્ડ રામકિશન જેવી છે. નહિ.!? વિજ્ઞાન કહે છે કે એક સરખા ચહેરા વાળા સાત લોકો આ પૃથ્વી પર હોઈ શકે. આમને જોયા પછી એ વાત માનવી જ પડે. કહીને બીરવા હસી પડી અને રઘુનંદને એના હાસ્યમાં સૂર પૂરાવ્યો. તેજુમલે પણ વાતમાં ભાગ લેતા કહ્યું, હા સાચી વાત છે. એ પછી વાત ટુંકાવી વિદાય લીધી.

પોતાની હોટલ ઉપર જઈને એ નવ શીખ્યા ડિટેક્ટીવ કમલે અમરેલી ફોન કર્યો સામે છેડે સુમંત પારેખે ફોન રીસીવ કર્યો, સર તમને જે ભ્રમ થયો હતો તે ખોટો છે. મેં જાતે ઉદય ટ્રસ્ટના વ્યક્તિઓની તપાસ કરી. આ લોકો વેપારી માણસો છે.

સામા છેડેથી આપવામાં આવતી સૂચના અને કહેવામાં આવતી વાતો સાંભળી રહ્યા બાદ ડિટેક્ટવ કમલે કહ્યું

હા સાહેબ બરાબર તપાસ કરી છે. એ પછી જ આપને રીપોર્ટ આપ્યો. આપ મારી ફી મારા ખાતામાં જમા કરાવી દેશો. મારૂં કામ અંહિયા પૂરૂ થયું. કહીને ડિટેક્ટીવ કમલે ફોન કટ કર્યો અને પોતાનો સામાન પેક કરવાનું શરૂ કર્યું.

બીજા દિવસે ડિટેક્ટીવ કમલે હોટલમાંથી ચેક આઉટ કર્યું.

--------------

એક સાંજે જગો અને મંગો ઉર્ફે જગજીવન અને મંગળદાસ બંને શાંતિથી વાતો કરતા બેઠા હતા. ઉદય ટ્રસ્ટની ઓફિસથી બીરવા અને રઘુનંદન આવ્યા એટલે જગાએ બંનેને બોલાવ્યા. આજે જગો ઉર્ફે જગજીવન ખૂબ જ ખુશ હતો.

આવો બંને આજે એક વાત કહેવી છે. આમ તો તમારો આભાર માનવો છે. તમે જો આ નવો ચીલો ચાતર્યો ન હોત તો આજે આપણી આ સારી છબી સમાજમાં ન હોત.

બાપુ, એ માટે પણ આપનો જ આભાર અમારે માનવો પડે. આપે મને અને બીજા બધાને ભણાવ્યા અને આપણી વંશ પરંપરાગત કળા પણ. સાથે સાથે અમને અમારી રીતે કામ કરવા દીધા અને  એ બધા જ કામમાં યોગ્ય સાથ સહકાર પણ આપ્યો.

હા, પણ તમે આ જે ટ્રસ્ટ શરૂ કર્યું તેના કારણે જ આજે શાંતિથી રોટલો ખાઈ શકીએ છીએ.

એ બધી વાતો છોડો અત્યારે.. એ કહો કે જમ્યા કે નહિ.?”

હા, બસ જો વાળુ કરી લીધું તમે પણ પરવારી જાવ.”

એ રાત્રે જગજીવન ઉર્ફે જગો ખૂબ જ ખુશ હતો અને લગભગ વહેલી પરોઢ સુધી એણે મંગા જોડે વાતો કરી ભૂતકાળ વાગોળ્યો.

બીજા દિવસે, સવારે મોડા સુધી જગો ઉઠ્યો નહિ એટલે રઘુનંદન એને ઉઠાડવા ગયો. ત્યારે જગો ઉઠ્યો જ નહિ. જગો- જગજીવન બધાને છોડીને અનંતની વાટે ચાલી નીકળ્યો હતો.

આગલી સાંજે જે હસી ખુશીનો માહોલ હતો તે બીજા દિવસની સવારે ગમગીનીમાં તબદીલ થઈ ગયો. સહુથી વઘુ આધાત મંગા ઉર્ફે મંગળદાસને વધુ લાગ્યો. મંગાનો બાળપણનો સાથી ઓચિંતો જતો રહ્યો.. મંગા ઉર્ફે મંગળદાસને આઘાત પચાવવો અઘરો પડ્યો. પણ દુઃખનું ઓસડ દહાડા એ મુજબ સમય પસાર થતો ગયો. ધીમે ધીમે મંગાને જગાના વિયોગના આઘાતની કળ વળતી ગઈ. જગાના ગયા બાદ, મંગાનું જીવન જાણે સાવ બદલાઈ જ ગયું. એનો દિવસનો મોટા ભાગનો સમય માળા કરવામાં પસાર થતો.

એક સાંજે મંગા ઉર્ફે મંગળદાસને એની પત્નીએ એક સમાચાર આપ્યા, કહુ છું, થારી બેટી રો સારા દિવસો છે. તુસ્સી નાના બનવાના હો.

હવે તો તું સુધર, આટલા વર્ષો પછી પણ તને એ જ કહેવાનું કે બધા જ પ્રાંતની ભાષા ભેગી કરીને નહિ બોલ. કહીને મંગો હસ્યો અને ઉભો થઈને બીરવાના રૂમ તરફ ગયો.

બીરજુ, બેટા આવું કે અંદર?” કહીને મંગો દરવાજે ઉભો રહ્યો.

બાપુ આવોને. કહીને બીરવા ઉર્ફે બીરજુએ આવકાર આપ્યો.

બોલો બાપુ શું કામ પડ્યું?”

કંઈ નહિ, બસ તમારી તબિયત સારીને. આરામ કરો કહીને મંગો પાછો એના રૂમમાં જતો રહ્યો.

એક બાપની મર્યાદા સાચવીને મૂક આશિષ આપીને.

સમય પસાર થતો ગયો અને બીરવાએ પૂરા મહિને એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. પહેલી વખત આ સમાજના કોઈ બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હતો. બાળકના નામકરણની તારીખે બીરવાના આગ્રહથી સી.પી. રાજકોટ અજય શેલત તેમના પરિવાર સાથે ઊપસ્થિત રહ્યા. રઘુનંદનની કોઈ સગી બહેન તો હતી નહિ એટલે નામકરણની જવાબદારી વંદનાના ભાગે આવી. વૃષભ રાશિ પરથી સહુએ મળીને બાળકનું નામકરણ કર્યું. ઊદય, ઊદય રઘુનંદન પરિહાર.

ઊદયના જન્મની પ્રથમ વર્ષગાંઠ ઉજવવાનું નક્કી થયું. બહુ અંગત માણસોની હાજરીમાં પ્રસંગ ઉજવવાનો હતો. ગણતરીના વ્યક્તિઓ વચ્ચે પણ સી.પી. રાજકોટ અજય શેલતની હાજરી નોંધનીય હતી. આનંદ પૂર્વક જન્મદિવસની ઉજવણી પૂર્ણ થઈ.

રાત્રે મંગા ઉર્ફે મંગળદાસે રઘુનંદનને પૂછ્યું કે આ સી.પી. રાજકોટ સાથેના તમારા સંબંધો આટલા નજીકના કેવી રીતે છે. રઘુનંદને કોઈ જ જવાબ ના આપ્યો અને શુભરાત્રી બાપુ કહીને ઉભો થઈ ગયો.

રાત્રે પોતાના રૂમમાં બીરવા ઉર્ફે બીરજુ અને રઘુ ઉર્ફે રઘુનંદન વાતો કરી રહ્યા હતા.

કોલેજમાં આપણો મિત્ર અજ્જુ, જેના માતા-પિતાનું અકસ્માતમાં અવસાન થયું અને આપણે એની ફી ભરી એને શક્ય તેટલી મદદ કરી. બદલામાં એણે આપણને આપણા દરેક મિશનમાં કોઈ લુપ હોલ્સ ન રહી જાય અને જો કદાચ રહી પણ જાય તો શું કરવું એની સમયસર માહિતી આપતો ગયો. કોલેજ કાળની જુની વાતો યાદ કરતા કરતા બંને મોડા સુધી જાગ્યા.  બીજા દિવસથી ફરી ઉત્સાહ પૂર્વકનના ઉદય ટ્રસ્ટના એ જ રૂટિન કાર્ય....

એ પછીના સમયગાળામાં ઉદય ટ્રસ્ટની પ્રવૃત્તિ અને પ્રતિષ્ઠા વધતી ગઈ અને સાથે સાથે જ જુની વાતો ભૂલાતી ગઈ અને ભુંસાતી ગઈ.

 

----સમાપ્ત—

વાચક મિત્રો, આ સમગ્ર વાર્તા કાલ્પનિક છે આ વાર્તાના પાત્રો, ઘટનાઓ, સ્થળ એ તમામ કાલ્પનિક છે. વાસ્તવમાં આવી કોઈ જ ઘટના, પાત્રો કે આવો કોઈ સમાજ કે પરિવાર અસ્તિત્વમાં નથી. આમ છતાં, જો કોઈ વ્યક્તિનું નામ, સરનામું, સ્થળ, ઘટના, અટક કે અન્ય કોઈ પ્રસંગ સાથે સંકળાય તો તે એક માત્ર સંયોગ છે.

આભાર સહ....

આશિષ મહેતા...

 

No comments:

Post a Comment