Sunday, January 29, 2023

કાળચક્ર ભાગ -1

 

ભાગ- ૧

ચારે તરફ ઘોર અંધારું હતું. પોતાની જાતને એ નર્યા કાદવ-કીચડમાં ફસાયેલો અનુભવી રહ્યો હતો. એણે અનુભવ્યું કે, એના હોઠની નીચે સુધીનો ભાગ આ કાદવમાં ફસાયેલો છે. ધીમે ધીમે એણે એમાંથી બહાર આવવાનો, ઉપર ઉઠવાનો પ્રયત્ન કર્યો. અનેક કોશીષો બાદ એણે અનુભવ્યું કે એ થોડો ઉપર તરફ ઉઠી રહ્યો છે. પોતાની જાત ઉપર અને પરમાત્મા ઉપર વિશ્વાસ રાખીને એણે પ્રયત્નો ચાલુ રાખ્યા. ધીમે ધીમે એ છાતી સુધી આ કળણમાંથી બહાર આવ્યો. પ્રયત્ન પૂર્વક એણે પોતાના હાથ વડે મોઢા ઉપરની ગંદકી સાફ કરી થોડી આંખો ખુલી હોય એવું તેણે અનુભવ્યું. ચારે તરફ અંધકારના કારણે કશું જ સ્પષ્ટ જોઈ શકાતું ન હતું. એણે ફરી આંખો બંધ કરી ફરીથી પ્રયત્નો શરૂ કર્યા  આ ગંદકીમાંથી બહાર આવવાના. ખબર નહિ કેટલો સમય થયો હશે... પણ એણે અનુભવ્યું કે એ ઉપર તરફ જઈ રહ્યો છે. કદાચ બહાર આવી રહ્યો છે. પણ જેટલો એ ઉપર તરફ જતો પોતાની જાતને અનુભવતો એટલો જ એના શરીરના નીચેના અંગો જાણે કે, નીચે તરફ કોઈ ખેંચી રહ્યું હોય તેવું ખેંચાણ અનુભવતો. આખરે એના પ્રયત્નો  સફળ થયા. એ ધીરે ધીરે ઉપર તરફ ઉઠવા લાગ્યો અત્યંત ધીમી પણ મક્કમ ગતિથી. ઉપરની તરફથી એના ઉપર જાણે કે પાણીનો વરસાદ થઈ રહ્યો હોય તેવું તેને અનુભવ્યું ધીમે ધીમે એના શરીર ઉપરની ગંદકી દૂર થઈ રહી હોય તેવું લાગ્યું. ઠંડા પાણીનો સ્પર્શ એને આનંદ આપી રહ્યો હતો. જેમ જેમ ઉપર તરફ એ ગતિ કરી રહ્યો હતો તેમ તેમ એણે જાણે કે એનું શરીર વાયુનો ગોળો હોય તેવું હળવુ લાગી રહ્યું હતું.

આખરે એ આ ગંદકી, કળણ, કાદવ કીચડમાંથી પૂરેપૂરી રીતે બહાર આવી ગયો. ધીમે ધીમે એણે આંખો ખોલી સફેદ પ્રકાશના આછા આછા કિરણોમાં અણે નીચે જોયું. નીચે જોઈને એને ચીતરી ચડી એક ધ્રૃણા થઈ આવી. નીચે ગંદકી હતી, પારાવાર ગંદકી.કંઈ કેટલાય કીડા એમાં ખદબદી રહ્યા હતા. મળ-મૂત્ર, રૂધિર માંસના લોચા હતા. એક પળ માટે આ દ્રશ્ય જોઈ ન શકાતા એણે પોતાની આંખો બંધ કરી અને પછી પાછી ખોલી ફરીથી નીચે જોયું. આ વખતે ધ્યાન પૂર્વક જોતા એણે જોયું કે કેટલાય લોકો એની જેમ જ આ ગંદકીમાં ફસાયેલા હતા પણ જાણે કે, કોઈને આ ગંદકીમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ ન હોય તેમ પડી જ રહ્યા હતા. અસંખ્ય વિષધર સાપ આવા વ્યક્તિઓની આસપાસ ફરી રહ્યા હતા. ફરીથી અણે આંખો બંધ કરી દીધી અને ઉપર તરફ ગતિ કરવાનો પ્રયત્ન કર્યો. થોડીક ક્ષણો પછી એ અનુભવી રહ્યો હતો કે એ ફરીથી ઉપરની તરફ ગતિ કરી રહ્યો છે. થોડાક સમય બાદ ફરીથી એની ગતિ અટકતા એણે ફરીથી આંખો ખોલી. નીલા જાંબલી રંગનો આછો આછો પ્રકાશ એણે અનુભવ્યો. અગાઉના અનુભવ મુજબ એણે ફરીથી નીચે જોયું. આ વખતે એણે જે અગાઉ દ્રશ્ય જોયું હતું તેનાથી પણ વધુ ભયંકર દ્રશ્ય હતું. પેલા કાદવ-કળણ અને ગંદકીની ફરતે ઉંચા ઉંચા પહાડો હતા જેના ઉપરથી ધગધગતો લાવારસ નીચે કાદવમાં ભળતો હતો. કેટલાય વ્યક્તિઓ આ લાવારસના કારણે સળગી રહ્યા હતા. વિકૃત અને ભયાનક ચહેરા વાળા વ્યક્તિઓ આ ગંદકીના કળણની ફરતે પહેરો ભરી રહ્યા હતા અને જે કોઈ આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેને પાછા આ કળણમાં નાંખતા હતા. વધુ ધ્યાન પૂર્વક જોતા એણે લાગ્યું કે આ ગંદકી યુક્ત કળણ જેવા અનેક ગંદકી યુક્ત કળણો નીચે તરફ હતા અને તેની નીચે પણ આવા કેટલાય ગંદકી યુક્ત સ્તરનો સમૂહ હતો જેમાંથી એ ઉપર તરફ ઉઠીને આવ્યો હતો.  નીચેનું દ્રશ્ય અસહ્ય બનતા ફરીથી એણે આંખો બંધ કરી અને ફરીથી એની ઉર્ધ્વ દિશા તરફની ગતિ શરૂ થઈ.

એણે ધ્યાન પૂર્વક કાન લગાવ્યા દૂર દૂર ક્યાંક આરતી થઈ રહી હોય તેવા તાલબધ્ધ ઘંટનાદ એણે સાંભળ્યા. એણે એનું પોતાનું શરીર એકદમ હલકું લાગી રહ્યું હતું. એ જાણે કે હવામાં તરી રહ્યો હોય તેવું અનુભવી રહ્યો હતો. ફરીથી ઉર્ધ્વ દિશા તરફની એની ગતિ આરંભ થઈ દૂરથી આવતા તાલબધ્ધ ઘંટનાદની સાથે પખાવજ અને શંખના ધ્વનિ પણ એને સંભળાવવા લાગ્યા. થોડીક વાર બાદ એની ગતિ અટકી. એણે આંખો ખોલી ચારે તરફ જાત જાતના રંગીન સુગંધિત ફૂલોના બગીચા હતા, ખળખળ વહેતા ઝરણા હતા, નયનરમ્ય વાતાવરણ હતું. ચારે તરફ શાંતિ અને આનંદની અનુભૂતિ હતી. આસપાસના વાતાવરણને જોઈ એ પ્રસન્ન થઈ ગયો. મનમાં એક અજબ પ્રકારની શાંતિનો એને અનુભવ થયો. ક્યાંક બરફાચ્છાદિત પહાડો હતા તો ક્યાંક લીલાછમ ઘાસના મેદાનો અને એ મેદાનોના ઘાસ ઉપર પડેલી ઝાકળની બુંદો અને એ બુંદોમાંથી પરાવર્તિત થતો સૂર્યપ્રકાશ નાના નાના અનેક મેઘધનુષ્યોની રચના કરતો હતો. એણે જોયું કે દુધ જેવા સફેદ હંસો મુક્ત પણે વિચરી રહ્યા હતા અને મેદાનોની વચ્ચેથી પસાર થઈ રહેલ ઝરણાના કાંઠેથી કંઈક ચરી રહ્યા હતા. સ્વભાવના કુતુહલને આધિન એ ધીમે ધીમે ઝરણાઓ તરફ આગળ વધ્યો. એને આગળ આવતો જોઈને હંસોએ એક નજર એની તરફ કરી પણ એ હંસોએ કોઈ શોર ન કર્યો કે પોતાની કામગીરી અટકાવવાનો કોઈ પ્રયત્ન પણ ન કર્યો. ધીમે ધીમે એ હંસોની નજીક એમની વચ્ચે જઈને બેસી ગયો. એના પગ ઉપર વહેતા ઝરણામાંથી ઉઠતા પાણીના ફોરા પડી રહ્યા હતા, ઠંડુ પાણી એને એક આનંદ આપી રહ્યું હતું. એણે ઝરણા તરફ નજર કરી કાચ જેવું સ્વચ્છ પાણી હતું. નિર્મળ અને શુધ્ધ પાણીની નીચેના પથ્થરોને પણ આસાનીથી જોઈ શકાતા હતા. એણે ફરીથી હંસો જે ચરી રહ્યા હતા તે તરફ નજર કરી. અસંખ્ય મોતી ત્યાં વેરાયેલા હતા. એણે પોતાનો હાથ આગળ લંબાવ્યો એ મોતીના ઢગલા તરફ. એ સાથે જ દૂરથી એક બુલંદ અવાજ આવ્યો, રોકાઈ જા સંયમનાથ... કોનો અવાજ છે અને શું કહેવા માંગે છે એ બધું એ સમજે એ પહેલા એણે લંબાવેલો હાથ મોતીના ઢગલા સુધી પહોંચી ગયો અને એક મુઠ્ઠીમાં મોતી એના હાથમાં હતા.

એ સાથે જ વાતાવરણ જાણે કે પલટાઈ ગયું અને એ તીવ્ર ગતિથી નીચે તરફ સરવા લાગ્યો. સુંદર દ્રશ્યો ઝડપથી અદ્રશ્ય થઈ ગયા, શંખનાદ, પખાવજના ધ્વનિ અને તાલબદ્ધ રીતે આવતો ઘંટનાદ સંભળાવવાના બંધ થઈ ગયા. નીચે તરફ એણે નજર કરી એ જ ભયાનક દ્રશ્યો એની નજર સામે દ્રશ્યમાન થયા. એણે ઉપર તરફ નજર કરી જાણે દયા માંગતો હોય તેમ. ફરીથી પેલો બુલંદ અવાજ એને સંભળાયો, ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ..

એલાર્મ ઘડિયાળ વાગી ઉઠયું અને એ જાગી ગયો કે એ જાગી ગયો એટલે એલાર્મ વાગ્યું એ કશું જ એ નક્કી કરી શક્યો ન હતો. એ.સી. ચાલુ હતું તો પણ એના ચહેરા ઉપર પરસેવાના ટીપાં દેખાઈ આવતા હતા. એનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. એલાર્મ બંધ કરી એણે સામેની ડીજીટલ ક્લોક તરફ જોયું. સમય સવારના ૫.૦૦ વાગ્યાનો હતો અને તારીખ હતી ૨૪/૦૫/૨૦૨૧, ગુરૂવાર. આજે એનો જન્મ દિવસ હતો જીવનના ૫૭ વર્ષ પૂરા થયા હતા અને આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ હતો. તારીખ: ૨૪/૦૫/૧૯૬૪, સૌરાષ્ટ્રના એક નાના ગામમાં એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં એક બાળકનો જન્મ થયો હતો. જેના જન્મના છઠ્ઠા દિવસે એનું નામકરણ થયું હતું સંયમ ત્રિવેદી, સંયમ વિપુલચંદ્ર ત્રિવેદી જે આજે સમગ્ર ભારતના ઉદ્યોગપતિઓમાં એક જાણીતું નામ બની ગયું હતું. આજે પોતાનો જન્મદિવસ છે એ યાદ આવતા એના ચહેરા ઉપર એક ખુશીના ભાવ છવાઈ ગયા પણ એ સાથે જ ગયા વર્ષે એના જન્મદિવસ ઉપર એને મળેલ પેલા સાધુ-સન્યાસીનો ચહેરો અને એની વાત યાદ આવી ગઈ. એ જ વાક્ય હતું ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ. એ સાથે એનું મન થોડું ખાટું થઈ ગયું પણ મનના વિચારોને ખંખેરીને એ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો.

No comments:

Post a Comment