Saturday, August 29, 2020

વિવિધતામાં એકતા

"અરે જલ્દી કરો..... ચંદનબેનના ત્યાં જઈને ફોન કરો..... ફાયરબ્રિગેડને બોલાવો..... ગુપ્તાજીની ફેક્ટરીમાં આગ લાગી છે."

1980 નો દાયકો હશે. ત્યારે ફોન એટલે લેન્ડ લાઈન ફોન અથવા પી.સી.ઓ. મોબાઈલની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ એક મિલ કમ્પાઉન્ડમાં બનેલી વસાહત. ભારતભરમાં કેટલી કોમ અને સંપ્રદાયના લોકો રહે છે એનું ટૂંકમાં વર્ણન અને માહિતી જોઈતી હોય તો કમ્પાઉન્ડમાં જોવા મળે. ભારતના લગભગ બધા જ રાજ્યોના, ધર્મોના લોકો એ વસાહતમાં રહેતા હતા. ઉસ્માન પઠાણ, જસજિતસીંગ ગિલ, ફિરોઝ દસ્તૂર, કમલ માલવાણીની સાથે રાકેશ જાની પણ રમતા જોવા મળે. સલમા ચાચી ક્યારેક બધા છોકરાઓને કહી દે, "આજ કિસી કો પીને કે વાસ્તે એક ગિલાસ પાની નહિ દૂંગી." અને ઈદના દિવસે એ જ સલમાચાચી બધા છોકરાઓને પ્રેમથી શિરખુરમા ખવડાવે. એવા કમ્પાઉન્ડમાં હું પણ મારા પરિવાર સાથે ગોડાઉન જેવા ભાડાના મકાનમાં રહેતો.

કમ્પાઉન્ડને બે વિભાગમાં વહેંચી શકાય, મેદાન થી નાના દરવાજા, જે પાછળના દરવાજા તરીકે ઓળખાતો હતો તે બાજુનું અને મેદાનથી મેઈન ગેટ જે કાલુપુર રેલવે સ્ટેશનની પાછળના ભાગ તરફ જતા રસ્તા તરફ આવેલ હતો તે બાજુનું કમ્પાઉન્ડ.

ચંદનબેન તે અમારા મકાન મલિક અને કમ્પાઉન્ડના નાના દરવાજા તરફના ભાગમાં ધરમચંદ સિવાય એક માત્ર એમના ઘરે જ તે સમયે ફોનની સગવડ. ગુપ્તાજી એટલે મૂળ ઉત્તરપ્રદેશથી રોજીરોટીની તલાશમાં આવેલ અને પોતાની મહેનતના બળે કમ્પાઉન્ડમાં સ્થાયી થયેલ નખશીખ સજ્જન વ્યક્તિ. પોતાની અટક અને વતન ના જણાવે તો બોલી પરથી શુદ્ધ ગુજરાતી જ લાગે. કમ્પાઉન્ડના નાના દરવાજા તરફના ભાગે એ પોતાના 12 બાય 20 ફૂટના મકાનમાં રહે અને એ જ મકાનમાં હોટલ ચલાવે એને ખરા અર્થમાં હોટલ કોઈ પણ રીતે કહી શકાય નહિ. રોજમદાર કામદાર બપોરે તથા રાત્રે જમવા આવે અને ગુપ્તાજી હૃદયના ભાવથી જમાડે અને કદાચ કોક રોજ જમવા આવતા રોજમદાર પાસે જમવા જેટલા પૈસા ના હોય તો ગુપ્તાજી એને આગ્રહપૂર્વક જમાડે અને કહે "કાલે ભેગા પૈસા આપી દેજો."

રવિવારની સવારનો સમય હતો. નિત્યક્રમ અનુસાર ગુપ્તાજીની હોટલમાં ભીડ જામી હતી અને ગુપ્તાજી દરેકને જમાડતા હતા. સવારના આશરે 10.30 વાગ્યા હશે. એ સમયે રસોઈયાથી એક નાની ભૂલ થઇ ગઈ. મોટી કડાઈમાં તેલમાં પૂરીઓ તળાઈ રહી હતી અને તેલ ઉકળી રહ્યું હતું અને એમાં રસોઇયાના હાથમાંનો પાણીનો જગ છટક્યો, ઉકળતા તેલમાં પાણી પડ્યું અને લાગી આગ. તેલ અને પાણી નીચે ફેલાયું અને જોતજોતામાં આગ પકડાઈ ગઈ. લાકડાનું ટેબલ, લાકડાની ખુરશીઓ, ટેબલ પર પાથરેલ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ, તેલનો ડબો, જુના ગાભા, ગેસનો બાટલો - અકસ્માતે લાગેલ આગને વેગ આપવાની બઘી જ સામગ્રી હાજર હતી. ગેરહાજર કંઈ હતું તો એ આગ બુઝાવવા માટેની સાધન સામગ્રી. હોટલમાં હાજર લોકો સ્પષ્ટ રીતે બે વિભાગમાં વેંહચાઈ ગયા. એક જે આગની બીજી તરફના ખુલ્લા ભાગ તરફ જેમાં રોજ જમવા આવનાર રોજમદાર અને કમ્પાઉન્ડના બીજા રહેવાસીઓ અને બીજી તરફ હતા ગુપ્તાજી અને એમનો રસોઈયો જેમનો બહાર નીકળવાનો રસ્તો રોકી રહી હતી અકસ્માતે લાગેલી આગ. જાણે કે એક લક્ષમણ રેખા ખેંચાઈ ગઈ.  હાજર લોકોનો હોબાળો અને કોલાહલ, જેટલા મસ્તક એટલા ઉપાય. બસ એમાંના જ એકે ઉપાય સૂચવ્યો, "અરે જલ્દી ચંદનબેનના ત્યાં જઈને ફોન કરો, ફાયરબ્રિગેડને બોલાવો." ભીડમાં ઉભેલ એક જાણ દોડીને આવ્યો અને ચંદનબેને પણ ફોનનું લોક ખોલી દીધું હતું. એ જમાનામાં ફોન ટચ પેડવાળા નહિ, પણ રાઉન્ડ ડાયલ વાળા હતા અને ફોનમાં પણ લગભગ મોટાભાગના લોકો લોક રાખતા હતા. ફાયરબ્રિગેડને ફોન કર્યો અને સામા છેડેથી તાત્કાલિક હકારાત્મક પ્રત્યુત્તર પણ મળ્યો.

આગની બીજી તરફ ફસાયેલ ગુપ્તાજી અને એમના રસોઈયાની હાલત ભયાનક હતી. એક એક પળ એમના માટે કિંમતી હતી. ધુમાડો વધી રહ્યો હતો અને શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. ભીડમાંથી એક જાણે કીધું, "રેતી નાખો. આ રહી રેતી." ઉપાય સાચો અને અસરકારક હતો. ગુપ્તાજીની હોટલની સામેની લાઈનમાં જ રેતીનો ઢગલો હતો. ગુપ્તાજીની હોટલની લાઈનની સામે ધરમચંદનું ત્રણ માળનું મકાન હતું - મકાન નહિ અડ્ડો હતો. ધરમચંદ, આશરે પંચાવનની ઉંમરે પહોંચેલ કદાવર કદ-કાઠી વાળો માણસ, એ એના મકાનમાં જુગારખાનું ચલાવતો એ સમયનો નામચીન ગુંડો. રેલવે સ્ટેશન પરની તમામ કેન્ટીનનો હપ્તો, શાકભાજીની લારીવાળાનો હપ્તો, ફરતા વિસ્તારની તમામ દુકાનોવાળાનો હપ્તો અને એવી બીજી ઘણી બધી બાબતોમાંથી રોજે રોજનો હપ્તો ધરમચંદને મળી જતો. રેતી હતી પણ લેવાની હિંમત કોઈની ન હતી, કારણ કે એ રેતીની માલિકી ધરમચંદની હતી. ધરમચંદના મકાન કમ અડ્ડાનું રીનોવેશન થઇ રહ્યું હતું. ધરમચંદની સવાર ક્યારેય બપોરના 12.00 વાગ્યા પહેલા નહતી પડતી. આજે આ બધો કોલાહલ સાંભળી ધરમચંદ કંટાળા અને ગુસ્સા સાથે ઉઠીને એના મકાનના ત્રીજા માળની બાલ્કનીમાં આવ્યો. પરિસ્થિતિનો તાગ મેળવતા એને વાર ના લાગી અને ધરમચંદે ઉપરથી જ મોટા અવાજે બુમ મારી, "અબ્દુલ, ફટાફટ રેતી ડાલના શૂરૂ કર." અબ્દુલ રેતી નાખવાનું શરૂ કરે એ પેહલા આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહેલ રોજમદારોએ જે હાથમાં આવ્યું એનાથી અને કંઈ હાથમાં ના આવ્યું એણે ખોબે ખોબે હાથથી રેતી નાખવાનું શરૂ કરી દીધું. "ઝાઝા હાથ રળિયામણા" એ ઉક્તિ મુજબ થોડી વારમાં આગ કાબુમાં આવી ગઈ. ગુપ્તાજી અને એમનો રસોઈયો બેભાન થઇ ગયા હતા. ધરમચંદ પણ ત્યાં આવી ગયો. એને આવતો જોઈને ભીડમાં જગ્યા થઇ ગઈ. ધરમચંદની પાછળ એના માણસો અબ્દુલ, સુલતાન, પિન્ટો અને બીજા હતા. ધરમચંદે પાછળ નજર કરી અને એનો ઈશારો સમજી ગયા હોય તેમ પિન્ટો અને સુલતાન અંદર ગયા અને ગુપ્તાજી અને એના રસોઈયાને ખભે ઉઠાવીને બહાર લાવ્યા. ફાયરબ્રિગેડની ગાડી આવી અને બાકીનું કામ એમણે પૂર્ણ કર્યું. આગના કારણે મિલ્કતને સારા એવા પ્રમાણમાં નૂકશાન થયું હતું. ગુપ્તાજી અને એમનો રસોઈયો ભાનમાં આવી ચુક્યા હતા. ગુપ્તાજી એમની હોટલની દુર્દશા જોઈને રડી રહ્યા હતા. ધરમચંદે એમના ખભે હાથ મુક્યો અને કહ્યું, "જાન સલામત તો સબ સલામત, ફિકર નહિ કરો. લો આ દશ હજાર (એ જમાનામાં પ.00 રૂપિયાનું એક લીટર દૂધ આવતું હતું.) કમાવ તો પાછા આપજો, ના કમાવ તો ફિકર નહિ. તમારી હોટેલનું ઘણી બધી વખત મફત ખાધું છે."

હું પણ આ આખી ઘટનામાં શામેલ હતો. એ સમયે તો મને કંઈ ખાસ ખબર નહોતી પડી. પણ, આજે અનુભવે હું  એટલું ચોક્કસ કહી શકું કે, એ સમયે સમાજવિદ્યા વિષયમાં એક વિધાન આવતું "ભારતમાં વિવિધતામાં એકતા રહેલ છે." એનું જીવંત ઉદાહરણ એ દિવસે જોયું હતું. એ સમયે એ વિધાનનો અર્થ પૂરેપૂરો સમજી નહતો શક્યો. આજે હમણાં ફરીથી અનાયાસે એ જ કમ્પાઉન્ડમાં જવાનું થયું અને ભૂતકાળની એ ઘટના તાજી થઇ ગઈ. આજે મને સમજાયું કે, આમ આપણે બધા ધર્મ, સમાજ, માન્યતા, રહેણી-કહેણી, ભાષા, રીતિ-રિવાજોથી અલગ અલગ છીએ, પણ જયારે કોઈ આપત્તિ આવે છે ત્યારે આપણે બધા ભારતીય બની જઈએ છીએ. સલમાચાચી પાણી કેમ નહતા પીવડાવતા અને શા માટે એ જ સલમાચાચી આગ્રહ કરીને શીરખુરમા ખવડાવતા એ પણ મને સમજાયું. આજે ચંદનબેન, ગુપ્તાજી, ધરમચંદ, સલમાચાચી કોઈ હયાત નથી અને કમ્પાઉન્ડ પણ બદલાઈ ગયું છે. જે મેદાનમાં અમે રમતા હતા ત્યાં આજે એક ચોક્કસ સંપ્રદાયનું ધાર્મિક સ્થળ છે અને આખા કમ્પાઉન્ડમાં એક જ કોમની વસ્તી છે અને અંદરોઅંદરના ઝગડા રોજિંદી બાબત બની ગઈ છે. એક સમયે જે કમ્પાઉન્ડ આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતુ હતું અને વિવિધતામાં એકતાનું ઉદાહરણ હતું ત્યાં આજે સાવ વિપરીત પરિસ્થિતિ છે. એનું કારણ કદાચ રાજકારણ, વોટ બેંકની રાજનીતિ, દેશથી પહેલા પોતાના પક્ષ અને પોતાની કોમનું વિચારવાની માનસિકતા, વધતો જતો જાતિવાદ અને પ્રાંતવાદ, કદાચ બદલાતી વિચારધારા, માત્ર પોતાનું અને પોતાના પરિવારનું જ કરવાની મનોવૃત્તિ કે બીજું કોઈ પણ હોઈ શકે. કારણ ગમે તે હોય પણ પરિણામ ઘાતક છે. 

જય ભારત સાથે...આશિષ મહેતાના પ્રણામ.


Creative Commons License


વિવિધતામાં એકતા by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment