Saturday, July 18, 2020

મારી કેસ ડાયરી : નિયતિ-કેદાર

પ્રિય વાંચકમિત્રો,

મારી કેસ ડાયરી શ્રેણીના મુખ્ય પાત્રોનો પરિચય મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.********************************************************************************************"પંક્તિ, તું છે ને, આ લોન્ગ ઈયરિંગ્સમાં બહુ જ સરસ લાગે છે. ના... ના... આ લોન્ગ ઈયરિંગ્સ તારા કાનમાં છે એ એની ખુશનસીબી છે." ચિંતન જોશીએ પટેલ એન્ડ એસોસિએટ્સમાં પ્રવેશતા જ હંમેશની જેમ રિસેપ્શનિસ્ટ પંક્તિને કહ્યું અને પંક્તિ પણ સ્માઈલ સાથે થેંક યુ કહી બોલી, “સાહેબ, તમારી જ રાહ જુવે છે.” પંક્તિએ એનું સ્માઈલ જાળવી રાખીને ચિંતનને જણાવ્યું અને ચિંતન એડવોકેટ અજય પટેલની ચેમ્બરમાં દાખલ થયો.

"આવ ચિંતન, શું નવા-જુની છે બોલ." એટલી ઔપચારિક પૃચ્છા કરીને અજય પટેલે સીઘી જ ઇન્ટરકોમ પર ૩ કોફી લાવવાની સુચના આપી.

“ના ના સાહેબ, અમારી પાસે શું નવા-જુની હોય? એ જ રૂટીન જીંદગી. પણ આજ કંઈ ખાસ છે? પંક્તિએ કીધું તમે રાહ જોતા હતા!”

“હા, તને રસ છે ને કોર્ટ કેસ જાણવામાં એટલે એક કેસની વાત કરવા તને બોલાવ્યો. એક કેસનો આજે જ ચુકાદો આવ્યો અને એના માટે જ તને બોલાવ્યો. લે કોફી પણ આવી ગઈ. ચાલ, કોફી પીતાં પીતાં વાત કરીએ.”

કોફીનો એક સીપ લઈ અજય પટેલે વાતની શરૂઆત કરી.

“તારા માટે એનું નામ નિયતિ. એ જયારે બાવીસ વર્ષની હતી ત્યારથી આ વાતની શરૂઆત થઇ. નિયતિ નારણપુરામાં એક મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળ પરના ફ્લેટમાં રહેતી એક સુંદર, હોશિયાર અને ભોળી તરૂણી. એ સમયે એ ખુબ જ સુંદર દેખાવડી હતી. એના જ એપાર્ટમેન્ટમાં નવમાં માળે એક યુવક રહે. પચ્ચીસ વર્ષની ઉંમરનો એ છોકરો, તારા માટે એનું નામ રાખીએ કેદાર. સ્વભાવે એકદમ છેલબટાઉ, મીઠાબોલો, મનનો પણ મેલો અને એકદમ ગણતરીબાજ. નવરાત્રીના દિવસો હતા અને એના એપાર્ટમેન્ટમાં પણ ગરબાનું આયોજન હતું. એમાં જ કેદાર અને નિયતિ એક બીજાના પરિચયમાં આવ્યા. આમ તો તેઓ જોયે એક-બીજાને ઓળખતા હતા, પણ નવરાત્રીમાં ફોન નંબરોની આપ-લે થઇ. બીજા દિવસથી તો ગરબામાં ડ્રેસનું મેચિંગ થવા લાગ્યું. કેદાર એની વાકપટુતા ગણતરીપૂર્વક વાપરતો હતો અને નિયતિ ધીમે-ધીમે એમાં ફસાવા લાગી. નિયતિને એક કોર્પોરેટ કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકેની નોકરી મળી ગઈ. બે વર્ષ પસાર થઇ ગયા અને નિયતિ કેદાર પાછળ પાગલ થઇ ગઈ. ધીમે ધીમે એપાર્ટમેન્ટમાં નિયતિ અને કેદારનું પ્રકરણ ચર્ચવા લાગ્યું, જે પણ કેદારની જ ગણતરી મુજબ હતું. નિયતિ અને કેદાર એક-બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પણ નિયતિના ઘરેથી કોઈ જ વડીલની સંમતિ ન હતી. નિયતિના વડીલોએ નિયતિને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા, પણ કોઇ જ પરિણામ ના મળ્યું. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, નિયતિના કેસમાં પણ એવું જ થયું. કેદાર કોઈ નોકરી કે ધંધો કરતો ન હતો, બસ પાનના ગલ્લે નાની મોટી મકાન કે ભાડાની દલાલી કરતો.

છેવટે, કેદારના પ્રેમમાં આંધળી બનેલી નિયતીએ પરિવારના સભ્યોની ઉપરવટ જઈને કેદાર સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને છ મહિના પછી પોતાના લગ્ન અંગે ઘરમાં જાણ કરી. ત્યાં સુધીમાં તો ઇલેકશન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ જેવા બધા જ પુરાવાઓમાં નિયતિના નામની પાછળ કેદારનું નામ લાગી ગયું હતું. આખરે એક દિવસે કેદારના કહેવાથી નિયતિ એના માં-બાપનું ઘર છોડીને એ જ બ્લોકમાં ઉપર કેદારના ઘરે રહેવા ચાલી ગઈ.

શરૂઆતમાં તો બધું સારુ ચાલ્યું, પણ છ મહિનામાં જ પ્રેમનો ઉભરો ઉતરી ગયો અને પરિસ્થિતિની ગંભીરતા સામે આવી. કેદારને પ્રસંગોપાત ડ્રીંક કરવાની ટેવ છે એ પણ નિયતિને ધ્યાનમાં આવ્યું અને જયારે નિયતિને લાગ્યું કે, કેદાર સાથેના લગ્નનો નિર્ણય ખોટો લેવાઈ ગયો છે ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતું. નિયતિને સાતમો મહિનો જતો હતો. માં વિષે ઘણી બધી કહેવતો છે, પણ બાપની લાગણીની અભિવ્યક્તિ માટેની કોઈ કહેવત મારા ધ્યાનમાં નથી. બાપ પોતાની નજર સામે દીકરીને કેવી રીતે દુઃખી જોઈ શકે? કેદાર સાથેના નિયતિના લગ્ન સ્વીકારી નિયતિ અને કેદારને નિયતિના પરિવારજનોએ અપનાવી લીધા. નિયતિને પૂરા મહિને પુત્રનો જન્મ થયો. ફરી પાછો થોડા સમય માટે એમનો સંસાર સારી રીતે ચાલ્યો. નિયતિએ ફરી પાછી નોકરી ચાલુ કરી. એના સારા પગાર ઉપર કેદારની દાનત બગડી. કેદારે ફરી પોતાની ચાલ ચાલ્યો. નિયતિને પોતાનું મકાન લેવા સમજાવી અને એના માટે લોન લેવી પડશે એવું જણાવ્યું. નિયતિ ફરી એક વખત કેદારની વાતમાં આવી ગઈ. કેદારે લોન માટે પેપર ઉપર સહીની જરૂર હોવાનું જણાવી કેટલાક પેપર ઉપર નિયતિની સહિઓ લઇ લીધી. નિયતીએ પણ વાંચ્યા વગર સહિઓ કરી દીધી.

જેના ઉપર વિશ્વાસ હોય એ જ વિશ્વાસઘાત કરે, એ મુજબ કેદારે જે પેપર ઉપર સહિઓ લીધી હતી એમાં માત્ર શરૂના પાના જ લોન માટેના હતા. બાકીના પાના છૂટાછેડાના લખાણના હતા અને સાથે એક ડેકલેરેશન હતું કે, નિયતિ પોતે એના બોસ જોડે લગ્નેત્તર સંબંધ ધરાવે છે અને આલ્કોહોલિક છે. આ પેપરના આધારે કેદારે નિયતિ વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડા મેળવવા માટે અરજી દાખલ કરી. નિયતિએ કોર્ટને જણાવ્યું કે, “આ કાગળમાં સહિ એની પોતાની જ છે, પણ કેદારે એ સહિઓ છેતરપીંડીથી કરાવી લીધી છે.” કોર્ટ આવી દલીલ માન્ય ના રાખે. છુટાછેડા મેળવવાની કેદારની અરજી મંજુર થઇ ગઈ.

નિયતિ એના પુત્ર સાથે ફરી એના મા-બાપના ઘરે આવી ગઈ. એ પછી એણે કોઈકના દ્વારા મારો સંપર્ક કર્યો. બીજું તો કંઈ થઇ શકે એમ ન હતું, પણ આપણે નિયતિ અને કેદારના પુત્રને ભરણપોષણ મળી રહે એ માટે કેદાર વિરુદ્ધ અરજી દાખલ કરી અને આજે કોર્ટે કેદારને એના પુત્રના ભરણપોષણ પેટે દર મહિને રૂ|. ૭,૦૦૦-૦૦ ચૂકવી આપવાનો હુકમ કયો.

યુવાવસ્થામાં કરેલી ભૂલોની કિંમત કેટલીક વખત વ્યક્તિએ આખી જીંદગી ચૂકવવી પડતી હોય છે. બસ આ જ વાત હતી. એટલું કહી એડવોકેટ અજય પટેલે પોતાની વાત પૂરી કરી.

“સાહેબ, તમારી જોડે બેસીએ એટલે કંઈક નવું જાણવા મળે. ચાલો સાહેબ, હવે હું રજા લઉં. ફરીથી જલ્દી મળીશું." એટલું કહીને ચિંતને પટેલ એન્ડ એસોસિએટ્સમાંથી વિદાય લીધી.

આશિષ એ. મહેતા


********************************************************************************************
મારી કેસ ડાયરી શ્રેણીની અન્ય વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.
********************************************************************************************Creative Commons License


મારી કેસ ડાયરી : નિયતિ-કેદાર by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

1 comment:

  1. Superb sir.. Your story telling style is good.. Keep going..

    ReplyDelete