Saturday, July 25, 2020

મારી કેસ ડાયરી : અનન્યા-પ્રજ્ઞેશ

પ્રિય વાંચકમિત્રો,

મારી કેસ ડાયરી શ્રેણીના મુખ્ય પાત્રોનો પરિચય મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.********************************************************************************************


“હેલ્લો, ચિંતન સર, પંકિત હિયર, આજે સાંજે ઓફીસ આવવાનું ફાવશે? સરે આપને અનુકુળતા હોય તો આવવાનું કહ્યું છે.”

“હાય,પંકિત, સાહેબ લોકો યાદ કરે એટલે અમારા જેવાએ તો આવી જ જવાનું હોય અને એમાં પણ તારો ફોન આવે એટલે ના પાડવાનો તો કોઈ જ ચાન્સ નથી. હું સાંજે લગભગ ૬.૦૦ વાગ્યાની આસપાસ આવીશ. બાય”

ચિંતન સાંજે ૫.૪૫ વાગે એડવોકેટ અજય પટેલની ઓફિસમાં પહોંચી ગયો અને પંક્તિએ એની પેટન્ટ સ્માઈલથી એનું સ્વાગત કર્યું અને જણાવ્યું, “સાહેબ, એક મીટીંગ છે, થોડી વાર બેસો.”

“સરસ, આજે તારી સાથે બેસવા મળશે. એક વાત કહું, તું નસીબદાર છે કે આવા સાહેબો જોડેથી રોજ તને કંઈક શીખવા-જાણવા મળે છે.”

જવાબમાં પંક્તિએ એક સ્મિત આપ્યું અને ચિંતને વેઇટીંગ એરિયામાં બેઠક લીધી. આશરે ૨૦ મિનીટ પછી ઇન્ટરકોમ પર રીંગ વાગી. પંક્તિએ ફોન ઉપાડી ચિંતન સામે જોયું. ચિંતન, ચેમ્બરમાં જવા ઉપડ્યો.

“કેમ છો સાહેબ, અંદર આવું?” ચેમ્બરનો ગ્લાસ ડોર ખોલતા ચિંતને પૂછ્યું.

“આવ, બેસ. શું નાસ્તો કરીશ? દાળવડા ચાલશે?” અજય પટેલે આવકાર આપ્યો અને પૂછ્યું.

“અરે સાહેબ, એની કઈ જરૂર નથી, બાકી તમે જે મંગાવો એ. પણ, એક વાત સ્યોર કે આજે કોઈ ખાસ વાત તમે કહેવાના છો.”

અજય પટેલે ઇન્ટરકોમ પર ૩ કોફી અને દાળવડા લાવવાની સુચના આપી ચિંતન સામે જોઇને સ્માઈલ આપ્યું અને વાતની શરૂઆત કરી.

જીંદગી પણ એક અજીબ રીતે પસાર થાય છે. વર્તમાન એ ભૂતકાળનું પ્રતિબિંબ છે અને ભવિષ્યનું અંકુર. તારા માટે એ સ્ત્રીનું નામ અનન્યા. અભ્યાસમાં તેજસ્વી અને આર્થિક રીતે નબળા બ્રાહ્મણ પરિવારની દીકરી. પપ્પા રીક્ષા ડ્રાઈવર, ભાડાનું મકાન અને ત્રણ બહેનો મા અને બાપ એમ કુલ પાંચ વ્યક્તિનો પરિવાર, એમાં પણ એની મમ્મીને દમની બીમારી. એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ. અનન્યાએ એની મહેનતથી સ્કોલરશીપ મેળવી એમ.એ. સાયકોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યો. દીકરીઓને મોટી થતા વાર નથી લગતી અને નબળી આર્થિક પરિસ્થિતિ વાળા બાપની પોતાની પણ કેટલીક મજબૂરી હોય છે. સમાજના એક આગેવાને એક છોકરો બતાવ્યો અને અનન્યાના પિતાએ એની સાથે અનન્યાના લગ્નનું નક્કી કરી નાખ્યું. છોકરો માત્ર ૧૦ પાસ અને ગાંધીનગરના એક ગામડામાં ગેરેજ ચલાવે, નામ એનું પ્રજ્ઞેશ. સમૂહ લગ્નમાં લગ્ન થઇ ગયા અને બાપે પોતાની પાસેની આશીર્વાદની તમામ દોલત આપી કન્યા વિદાય કરી. વ્યક્તિના વ્યક્તિત્વમાં અભ્યાસનો પ્રભાવ પડે જ છે. લગ્નના થોડાક જ સમય બાદ બંને વચ્ચે મતભેદો શરૂ થઇ ગયા. સમય સાથે ખબર પણ પડી કે પ્રજ્ઞેશને પેટ્રોલનું વ્યસન છે અને એકદમ શંકાશીલ સ્વભાવ ધરાવે છે. અનન્યા ને શાકવાળા જોડે કે દૂધવાળા જોડે વાત કરતા જુએ કે સંભાળે એ દિવસે પ્રજ્ઞેશ અનન્યાને ખુબ જ મારે અને પ્રજ્ઞેશના ઘરના જાણે કોઈ ફિલ્મ જોતા હોય એમ ચુપચાપ બેસી રહે. પોતાના પિતાની પરિસ્થિતિ જાણતી અનન્યા સહન કરી લેતી. સમય પસાર થયો અને અનન્યાએ એક દીકરીને જન્મ આપ્યો. પ્રથમ સુવાવડ પિયરમાં હોય એથી દવાખાનાનો તમામ ખર્ચ અનન્યાના પિતાએ ઉપાડ્યો પણ, દીકરી જન્મી એ વાત જાણ્યા પછી પ્રજ્ઞેશ અને એના પરિવારના લોકોના અનન્યા પ્રત્યેના અમાનવીય વર્તનમાં વધારો થયો.

સાત મહીને જયારે અનન્યાના પિતાએ ખુબ વિનંતી કરી ત્યારે અનન્યાને એની દીકરી સાથે પ્રજ્ઞેશે પોતાના ઘરે તેડાવી. એ દીકરી ત્રણ વર્ષની થઇ એટલે અનન્યાએ પ્રજ્ઞેશને ગાંધીનગર રહેવા જવા જણાવ્યું અને સાથે સાથે પોતે પણ નોકરી કરી બંને ભેગા થઇ દીકરીને ખુબ ભણાવશે એવું નક્કી કર્યું. બંધ ઘડિયાળ પણ ચોવીસ કલાકમાં બે વખત સાચો સમય બતાવે છે. એ દિવસે પણ કંઈક ચમત્કાર  જ થયો અને પ્રજ્ઞેશે અનન્યાની વાત માની લીધી અને બંને ગાંધીનગર રહેવા આવી ગયા. પણ કહેવત છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, એ કેવી રીતે ખોટી પડે? થોડાક દિવસ સારું ચાલ્યું અને ફરી એ જ શંકાના કીડાએ એની લીલા શરૂ કરી. ગાંધીનગર આવ્યા પછી મારવાના બનાવોની આવૃત્તિ વધવા લાગી. પડોશીઓ પણ સમજાવી સમજાવીને થાક્યા. લગ્નજીવનના ૧૪ વર્ષ પુરા થઇ ગયા હતા અને અનન્યાની સહનશક્તિ એના સીમાડા વટાવી ગઈ હતી. એક રાત્રે નશામાં ચકચૂર પ્રજ્ઞેશે અનન્યા પર હાથચાલાકી કરી અને અનન્યાએ એની દીકરી સાથે પ્રજ્ઞેશનું ઘર છોડી દીધું અને જેમ તેમ કરીને પોતાના પિતાના ઘરે આવી ગઈ. એક વર્ષ પસાર થઇ ગયું. બંને પક્ષે વડીલોએ સમાધાન માટેના નિષ્ફળ પ્રયત્નો કરી લીધા, પણ અનન્યા ટસની મસ ના થઇ. અનન્યાનો છુટાછેડા લેવાનો નિર્ણય મક્કમ હતો અને સામે પક્ષે પ્રજ્ઞેશ છૂટાછેડા આપવા તૈયાર ન હતો. કોઈકની પાસેથી સરનામું લઇ અનન્યાએ આપણો સંપર્ક કર્યો અને પ્રભુ કૃપા કે પ્રજ્ઞેશ છૂટાછેડા આપવા તૈયાર પણ થઇ ગયો. અનન્યાને પોતાના કે પોતાની દીકરીના ભરણપોષણ માટે કોઈ જ રકમ લેવી ન હતી એટલે આપણે  આપણી ફી પ્રજ્ઞેશ જોડેથી લીધી અને બંને ના છૂટાછેડા કરાવી આપ્યા.

વિધાતાને પણ માનવા જ પડે. આપણા જ એક મિત્રના મિત્ર શિક્ષક તરીકે નોકરી કરતા હતા. એમના પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. એમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો બંને ટ્વીન્સ, એ ઘર-પરિવારને સાચાવી શકે એવા જીવનસાથીની શોધમાં હતા. આપણે અનન્યાની વાત કરી. પ્રભુ કૃપા, બંને એક-બીજાને મળ્યા, એમને અનુકુળ લાગ્યું અને બંનેએ કોર્ટ મેરેજ કર્યા. ગઈ કાલે એમના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું એની નાનકડી પાર્ટી રાખી હતી. આમ તો હું અને અભિ આવી પાર્ટીમાં ક્યાંય જતા નથી, પણ એ લોકોના આગ્રહને વશ થઇ અને પાર્ટીમાં ગયા. ત્રણે બાળકો એક-બીજા સાથે ખુબ હળીમળી ગયા છે. કોઈ માની ના શકે કે આ લગ્ન બંનેના બીજી વારના લગ્ન છે. આવી ઘટનાઓ જોઈએ ત્યારે વિધાતાને માનવા જ પડે. લે, આજે વાતોવાતોમાં કલાક ઉપર થઇ ગયો.

“સાહેબ, તમારું આ કાર્ય પુણ્યનું કાર્ય કહેવાય.” ચિંતને કહ્યું.

“ના ભાઈ, એવું કશું હું નથી માનતો, પણ એટલું ચોક્કસ માનું છું કે થાય તો કોઈકનું ભલું કરવા પ્રયત્ન કરવો. રાત્રે ઊંઘ સારી આવે. ચાલ, હવે ઘરે જવાનો સમય થઇ ગયો. જોડે જ નીકળીએ.”

“ચાલો સાહેબ...”    


આશિષ એ. મહેતા


********************************************************************************************
મારી કેસ ડાયરી શ્રેણીની અન્ય વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.
********************************************************************************************
Creative Commons License


મારી કેસ ડાયરી : અનન્યા-પ્રજ્ઞેશ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

3 comments: