Saturday, July 4, 2020

મારી કેસ ડાયરી : જયેશ-દિવ્યા

પ્રિય વાંચકમિત્રો,

મારી કેસ ડાયરી શ્રેણીના મુખ્ય પાત્રોનો પરિચય મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.********************************************************************************************"હાય પંક્તિ, હાઉ આર યુ ? લૂકિંગ સો બ્યુટીફૂલ, એસ ઓલ્વેઝ.... શું કરે છે સાહેબો?"

"થેંક્યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ્સ. બે મિનિટ બેસો, હું સાહેબને મેસેજ આપી દઉં." સસ્મિત જવાબ આપીને પંક્તિએ ઇન્ટરકોમ ઉપર એના બોસને ચિંતનના આગમનની જાણ કરી.

શુક્રવારની એક સાંજે મેમનગરના એક બહુમાળી મકાનના સાતમા માળે આવેલી પટેલ એન્ડ એસોસિએટ્સની આલીશાન ઓફિસમાં પ્રવેશતા જ ચિંતન જોશીએ ખુબસુરત રિસેપ્શનિસ્ટ પંક્તિને પૂછ્યું.

લગભગ પાંચ મિનિટ બાદ ઇન્ટરકોમ રણક્યો અને પંક્તિએ રીસીવર ઉઠાવી "યસ સર" કહ્યું અને પછી તરત જ ચિંતન સામે સ્માઈલ કર્યું અને કાયમ આવનાર ચિંતન એ સ્માઈલનો અર્થ સમજી અંદર જવા ઉભો થયો અને ફૂલ હાઈટનો ગ્લાસ ડોર ખોલ્યો કે સામે જ એક આશરે 28-30 વર્ષની આસપાસનો એક યુવક નિરાશ ચહેરે બહાર નીકળી ગયો અને ચિંતન અંદર દાખલ થયો.

"શું સાહેબ, કેમ આ ભાઈ લટકતા ચહેરે ગયો? બાકી તમને મળીને આજ સુધી કોઈને આવા લટકતા ચેહરે જતા જોયા નથી."

પટેલ એન્ડ એસોસિએટ્સ એટલે અમદાવાદના ખ્યાતનામ સિવિલ લૉયર અજય પટેલની ઓફિસ અને એની જ બાજુની ચેરમાં બેસે એનો સ્કૂલ ટાઇમનો મિત્ર અભિજાત શુક્લ. ચિંતન જોશી એટલે એડવોકેટ અજય પટેલના અંગત મિત્રોમાંનો એક અને પટેલ એન્ડ એસોસિએટ્સમાં ગમે ત્યારે આવવાની છૂટ ધરાવતો ઉત્સાહી યુવાન.

"એ એના વર્તનથી દુઃખી છે." ટૂંકો જવાબ આપીને એડવોકેટ અજય પટેલે ઇન્ટરકોમ પર 3 કોફીની સૂચના આપી અને ચિંતનને પૂછ્યું, "બીઝી તો નથી ને?"

"ના"

"તો સંભાળ, આ જે ગયો ને એ જયેશ - શંકાશીલ સ્વભાવનો હરતો ફરતો નમૂનો."

"થવા દો સાહેબ ડિટેઈલમાં."

"તને કાયમ આવું જાણવાનો રસ હોય છે..... તો સંભાળ....
જયેશ મૂળ અમદાવાદનો અને એના લગ્ન આશરે બે-અઢી વર્ષ પહેલા કલોલ થયા હતા. એની પત્ની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને ગરીબ તથા સીધા-સાદા માં-બાપનું એકનું એક સંતાન - નામ દિવ્યા. એની નોકરી કલોલ પાસેના નાના ગામમાં છે. નોકરી માટે રોજ અપ-ડાઉન કરે. માં-બાપનું એકનું એક સંતાન એટલે સ્વાભાવિક છે કે રોજ ફોન ઉપર વાતચિત થતી જ હોય. અમદાવાદથી કલોલ જવા કે કલોલથી અમદાવાદ આવવાની કોઈ ખાસ તકલીફ નહિ, પણ કલોલથી એની નોકરીના ગામ આવવા-જવા માટે કોઈ સાધનની સગવડ નથી, એટલે શાળાનો ઘણો ખરો સ્ટાફ કલોલ બસ સ્ટોપ પર ભેગો થાય અને ત્યાંથી ગાડી ભાડે કરી એમાં આવ-જા કરે છે. ખર્ચો બચાવવા ઓવર લોડ બેઠા હોય એટલે સ્વાભાવિક છે કે અડોઅડ બેઠા હોય. એક વખત જયેશ એની નોકરીના કામે મહેસાણા ગયો હતો અને ત્યાંથી પાછા આવતા કલોલ ગાડીમાંથી દિવ્યા અને એના સ્ટાફને ઉતારતા જોયા. બસ બંને વચ્ચેના મતભેદોની શરૂઆત ત્યાંથી થઇ. જયેશના મગજમાં વાત ઘર કરી ગઈ કે દિવ્યા આટલી ગિરદીમાં આવ-જા કરે છે અને આટલા અડોઅડ બધા બેઠા હોય એટલે દાળમાં કંઈક કાળું હશે. એ પછી જયેશે દિવ્યાનો મોબાઈલ ચેક કરવાનું શરુ કર્યું, કંઈ મળ્યું નહિ, સિવાય કે રોજ દિવ્યા બે થી ત્રણ વખત એના માં-બાપ જોડે વાત કરે છે. બસ, જયેશને ઝઘડવાનું કારણ મળી ગયું. શરૂઆતમાં તો દિવ્યાએ જયેશ દ્વારા મારવામાં આવતા મેણાં-ટોણા બહુ ધ્યાને ના લીધા અને હસવામાં લઇ લીધું. પણ, જયેશે ધીમે ધીમે હદ વટાવવાની શરૂ કરી. કેમ મોડું થયું? હા.. તમારે તો તમારા માં-બાપ જોડે બધી જ વાતો કરવાની હોય એટલે સમય ના મળે... નોકરીમાં પગારની જોડે બિન્દાસ્ત જલસા કરવા મળે એટલે તો વહેલા જાય છે અને મોડી આવે છે... વગેરે વગેરે... વાત વધતાં-વધતાં ચારિત્ર્ય ઉપરના આક્ષેપો સુધી આવી એટલે દિવ્યાએ એના સાસુ-સસરાને વાત કરી, પણ જયેશના માં-બાપે જયેશનું ઉપરાણું લઈને દિવ્યાને જ ઠપકો આપ્યો અને સલાહ આપી કે એવું હોય તો નોકરી છોડી દે.

તું જ વિચાર, ચિંતન, માં-બાપે લોન લઈને જે દીકરીને ભણાવી હોય એ દીકરી જાતે નોકરી કરી લોનના હપ્તા ભરતી હોય અને માં-બાપનું ધ્યાન રાખતી હોય એ નોકરી કેવી રીતે છોડી શકે? દિવ્યા એના પગારમાંથી એના માં-બાપને મદદ કરે છે અને બાકીનો પગાર એની પાસે રાખે છે એટલે દિવ્યાએ નોકરી છોડવાની ના પાડી. આમ પણ, જ્યાં આજે સારી નોકરી માંડ-માંડ મળતી હોય ત્યાં સરકારી નોકરી છોડાય? બસ, જયેશને બીજો મુદ્દો આ મળી ગયો... શંકાનો કીડો મોટો થઇ ગયો.

એક આવી જ સાંજે હતાશા અને શંકાનો આ નમૂનો જયેશ એની નોકરી પરથી વહેલો ઘરે આવી ગયો અને દિવ્યાને એની શાળામાં ઇન્સ્પેક્શન હતું એટલે આવતા મોડું થયું. કારણ સાંભળવાની તૈયારી તો જયેશની હતી જ નહિ એટલે સમજવાની વાત તો દૂરની થઇ. બોલાચાલી મોટા પાયે થઇ અને જયેશે દિવ્યાના ચારિત્ર્ય પર ગંભીર આક્ષેપ કર્યો. દિવ્યા પણ ક્યાં સુધી સહન કરે, એની પણ સહનશક્તિની હદ આવી ગઈ હતી. બસ, એણે જયેશનું ઘર છોડી દીધું અને આવી ગઈ એના માં-બાપના ઘરે. એ પછી પણ જયેશના વર્તનમાં કોઈ ખાસ સુધારો ના આવ્યો. એણે વાત શાંતિથી સમજ્દારીથી પતાવવાના બદલે સમાજમાં જાહેરમાં દિવ્યાને વગોવવાનું શરૂ કર્યું. જયેશના આવા વર્તનથી થાકીને દિવ્યાએ કોર્ટમાં છૂટાછેડાની અને ખાધા-ખોરાકીની અરજી દાખલ કરી અને તું તો જાણે જ છે કોર્ટ કાર્યવાહી.

આ ભાઈ ખાધા-ખોરાકી આપવાથી બચવા અમારી જોડે આવ્યો. અમે પણ એને સમજાવ્યો કે, હજુ પણ કાંઈ બગડ્યું નથી, સમાધાન કરી લે, પણ માને તો જયેશ નહિ. કોર્ટે કર્યો ઓર્ડર દર મહિને ભરણ-પોષણ ચૂકવવાનો અને આ ભાઈ ભરાઈ ગયો, ઉપરથી પાછી અમારી ફી, જાય ક્યાં?"

"એટલે સાહેબ તમે કેસ હારી ગયા? આજ સુધી મને યાદ નથી આવતું કે તમે કોઈ કેસ હાર્યા હોવ અથવા તમારી ગણતરી કરતા અલગ હુકમ કોર્ટે કર્યો હોય." ચિંતને એડવોકેટ અજય પટેલને પૂછ્યું. એનું પૂછવું સ્વાભાવિક હતું.

આ આખી ઘટના આજે ઉંધી બની ગઈ હતી અને કદાચ પહેલી વખત પટેલ એન્ડ એસોસિએટ્સમાંથી કોઈ ક્લાયન્ટ (જયેશ)ને નિરાશા મળી હતી.

"તારી વાત સાચી છે." વાતનો દોર આગળ વધારતા એડવોકેટ અજય પટેલે કહ્યું, "જીવનમાં કેટલીક વખત પૈસા કરતાં વધુ મહત્વ સંબંધનું હોય છે. દિવ્યાના પપ્પા અને હું એક જ ગામના અને બાળપણના મિત્રો. જો કે આ વાતની જાણ જયેશને કે દિવ્યાના વકીલને નથી. દિવ્યા, કલોલ એના પિતાના ઘરે ગઈ એ પછી તેના પિતા અતુલભાઈ એક વખત મને મળવા આવેલા અને તેમની વાત સાંભળીને મેં જ તેમને કેસ દાખલ કરવાની સલાહ આપેલી અને એમને કોઈ સારા સ્થાનિક વકીલ રોકી કેસ દાખલ કરવાનું કહ્યું હતું. કુદરત પણ કમાલ કરે છે, જયેશને પણ વકીલ તરીકે મને જ રોકાવાનું સૂઝ્યું, મારી ફીનો ખર્ચો જયેશ પાસે કરાવ્યો અને ન્યાય દિવ્યાને અપાવ્યો."

"સાહેબ, જોરદાર.... તમે પણ ગજબ છો.... ચાલો હવે હું નીકળું, ફરી મળીશું."

"ઓકે. બાય-આવજે."

ચિંતન એ જ એની ઓળખ સમાન સ્માઈલ સાથે ઓફિસની બહાર નીકળી ગયો.


આશિષ એ. મહેતા

********************************************************************************************
મારી કેસ ડાયરી શ્રેણીની અન્ય વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.
********************************************************************************************
Creative Commons License


મારી કેસ ડાયરી : જયેશ-દિવ્યા by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment