Saturday, January 15, 2022

મારી કેસ ડાયરી : રીશી, રીશીતા અને રીશીકા

પ્રિય વાંચકમિત્રો,

“સમય પોતાની અંદર અનેક રહસ્યો સમાવીને બેઠો છે અને સમય યોગ્ય સમયે જ આવા રહસ્યોને ઉજાગર કરે છે.” કોફીની એક ચૂસકી લીધા બાદ અજયભાઈએ વાત કહી.

ડિસેમ્બરના મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. શનિવારની સાંજ હતી અને અજયભાઈની ઓફીસના કોન્ફરન્સ રૂમમાં ડાયરો જામ્યો હતો. અજયભાઈ, અભિજાત, ચિંતન અને હમણાં હમણાં જ અમેરિકાથી આવી અમદાવાદમાં પોતાની સ્વતંત્ર આઈ.ટી. કંપની કે જેની ઓફીસ અજયભાઈની બાજુમાં જ હતી તેના માલિક અને અજયભાઈનો કઝીન કેયુર હળવાશની પળોમાં બેઠા હતા. કેયુર, ઉમરમાં અજયભાઈ કરતા લગભગ ૧૫ વર્ષ નાનો અને હાલમાં જ અમેરિકાથી આવેલ એટલે ચિંતને એની ખેંચવાના મૂડમાં પૂછેલું કે, “ત્યાં કેટલા અફેર કર્યા કે સીરીયસ પ્રેમ કર્યો હતો?” જેના જવાબમાં કેયુરે કહેલ કે, "પૈસા કમાવા ત્યાં ગયો હતો, બસ એ જ કામ કર્યું."

કેયુરનો જવાબ સાંભળીને ચિંતને અજયભાઈની સામે જોયેલ અને એના જવાબમાં અજયભાઈએ કહ્યું કે, “પ્રેમની કોઈ ચોક્કસ પરિભાષા નથી. જેટલા વ્યક્તિ એટલી વ્યાખ્યા.”

વર્ષોથી અજયભાઈની સાથે પરિચયમાં હોઈ ચિંતનને અંદાજ આવી ગયેલ કે અજયભાઈના અનુભવના ભાથામાં પ્રેમની લાગણી વિશેની પણ કોઈ ઘટના છુપાયેલી છે. એટલે ચિંતને અજયભાઈને કહ્યું કે, “સાહેબ થવા દો. કોઈ નવી વાત જાણવા મળશે.”

જેનો જવાબ આપતા અજયભાઈએ કોફીની એક ચૂસકી લઇ કહ્યું, “સમય પોતાની અંદર અનેક રહસ્યો સમાવીને બેઠો છે અને સમય યોગ્ય સમયે જ આવા રહસ્યોને ઉજાગર કરે છે.”

“વાત એ સમયની છે જયારે આ ઓફીસ મેં નવી નવી શરૂ કરેલી. એ સમયે કોઈક ના રેફરન્સથી મારા પર ફોન આવેલ અને રૂબરૂ મળવાનો સમય માંગેલ. મેં સમય આપેલ અને એક સાથે લગભગ સાત–આઠ જણા ઓફિસમા આવેલ. ત્યારે હું અને અભિજાત બે જ જણા ઓફિસમાં રહેતા. આવેલ વ્યક્તિઓમાં બે ટ્વીન્સ બહેનો, એમના માતા-પિતા, એક હેન્ડસમ છોકરો અને તેના માતા-પિતા અને સાથે કોઈ એક બીજા વ્યક્તિ હતા. એમના સાચા નામ મને તો યાદ છે પણ મારે કહેવા નથી. બે ટ્વીન્સ સિસ્ટરને રીશીતા અને રીશીકા કહીશું અને પેલા હેન્સમ છોકરાને રિશી. બંને પરિવાર વચ્ચે વર્ષો જુનો પારિવારિક સંબંધ. ત્રણે જણા રિશી, રીશીતા અને રીશીકા કદાચ પાંચમા ધોરણથી કોલેજ સુધી જોડે જ ભણીને મોટા થયેલ. યુવાની પોતાની સાથે ઘણી બધી લગણીઓના પ્રવાહ સાથે લઇને આવે છે અને જે આ પ્રવાહને જાળવી નથી શકતા એ યુવાનો કે યુવતીઓ ભૂલ કરી બેસે છે. બસ રિશી, રીશીતા અને રીશીકા પણ આવી જ લાગણીઓની વચ્ચે અટવાતા હતા. હતું એવું કે, રીશીતા અને રીશીકા બંનેને રિશી સાથે જ લગ્ન કરવા હતા, જયારે રિશી બેમાંથી કોઈને નારાજ કરવા માંગતો ન હતો. કાયદાકીય રીતે આ તો શક્ય નથી જ. બસ, કોઈના મારફતે મારા વિષે જાણ્યું અને મને મળવા આવી ગયેલ. એ સમયે એમની વાત સાંભળી મને પણ મનમાં મુંજવણ થઇ આવી હતી, કે શું જવાબ આપું?  આંખો બંધ કરી  થોડી વાર શાંત ચિત્તે બેસી રહ્યો, પછી બધાને આ કોન્ફરન્સ રૂમમાં બેસાડી, ચેમ્બરમાં રિશી, રીશીતા અને રીશીકાને અલગ અલગ વાત-ચીત કરી અને મને જવાબ મળી ગયો. બંને વડીલ દંપતીને બોલાવ્યા એમને રિશી અને રિશીતા અથવા રિશી અને રીશીકાના લગ્ન સામે વાંધો હતો જ નહિ પરંતુ બંને છોકરીઓ રિશી જોડે જ લગ્ન કરવા માંગે છે એ વાત સામે વાંધો હતો.

આખરે બધાને આ જ રૂમમાં ભેગા કર્યા રિશી, રિશીતા અને રીશીકાને જણાવ્યું કે, તમારી વચ્ચે એક ઘનિષ્ટ મિત્રતા છે, તમે એક-બીજાના પ્રેમમાં નથી. મારી વાત એ સમયે એમના મનમાં ના બેઠી અને હાલ કદાચ તમારા મનમાં પણ નહિ બેસતી હોય, લગભગ અડધા કલાકની સમજાવટના અંતે રિશી, રિશીતા અને રીશીકા માની ગયા કે તેઓ સારા મિત્રો તરીકે આખી જિંદગી સાથે રહી શકે છે પણ તેમની વચ્ચે લગ્ન જીવન શક્ય નથી. પેલા બંને વડીલોની આંખોમાં સંતોષની લાગણી જોવા મળી. બસ, એ સાંજે માનવ સ્વભાવની વિચિત્રતાનો એક યાદગાર અનુભવ મને થયેલ.”

બાકીની કોફી પૂરી કરી કપ ટેબલ પર મુક્યો અને અજયભાઈએ ચિંતનની સામે જોયું.

“પ્રેમની વ્યાખ્યા અનેક છે પણ એની વિવિધ વ્યાખ્યા પૈકી મને ગમતી વ્યાખ્યા અનુસાર, પ્રેમ એટલે નિર્મળ, નિષ્કલંક, નિસ્વાર્થ લાગણીનું ઝરણું, જેમાં સામેના વ્યક્તિ પ્રત્યે તેના ગમા-અણગમા, તેની પસંદ-નાપસંદનું માન જાળવવામાં આવતું હોય, સામે કઈ મેળવવાની કે પામવાની કોઈ જ અપેક્ષા ના હોય તેવી લાગણી. પ્રેમ એટલે પામવું નહિ પણ આપીને કે ત્યાગીને ખુશ થવું તે, પ્રેમ એટલે સામેના વ્યક્તિની કાળજી કરવી, એની ખુશીમાં ખુશ થવું. ક્યારેક તો મને ખુદને પણ નવાઈ લાગે કે, એ દિવસે મેં એમને આવી રીતે સમજાવી દીધેલ.”

“માની ગયા સાહેબ, તમે સફળ વકીલ તો છો જ સાથે સારા ફિલોસોફર પણ.” ચિંતને કહ્યું.

કોન્ફરન્સ રૂમની કલોકમાં સાતના ટકોરા થયા અને અજયભાઈએ કહ્યું. બીજું કઈ કામ ના હોય તો નીકળીએ.

હાજર બધાએ સહમતી આપી અને અજયભાઈ એ રામજીને બોલાવી ઓફીસ વસ્તી કરવાની સુચના આપી.

 

આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License




મારી કેસ ડાયરી : રીશી, રીશીતા અને રીશીકા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment