Saturday, January 22, 2022

અલખના ઓટલે દાસબાપુ - ૧

અલખના ઓટલે

પ્રસ્તાવના :--

જીવનના સફરમાં મને વ્યવસાયિક અનુભવોની સાથે સાથે અનેક વિવિધ સંતો-મહંતો, સાધકોનો પરિચય થયો છે. ઘણા એવા સંસારિક વ્યક્તિઓનો પરિચય પણ થયો છે જેઓ સામાજિક જવાબદારી નિભાવવાની સાથે સાથે આત્મકલ્યાણના માર્ગ પર પણ આગળ વધતા હોય. આવા જ અનુભવોને મારી કલમથી રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ એટલે “અલખના ઓટલે”.

અનેક વિવિધ સાધુ, સંતો અને સાધકોની પાસેથી જાણેલી ઘટનાઓનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરેલ છે. હા, આવા આત્મ જાગૃત વ્યક્તિઓનું સુચન માનીને એમના નામ અને આશ્રમની માહિતી નથી લખી.

આશા છે કે, સંસારની વ્યથામાં અટવાયેલ લોકોને આવા ઉદાહરણોથી એક માર્ગદર્શન મળશે. 


 દાસ બાપુ -૧

“આટલું બધું વિચારવાનું જરૂર નથી, મનમાં જે હોય, જે આવે એ મુજબ કહી નાખ, મન હળવું થઇ જશે તો કોઈક રસ્તો મળી જ જશે.”

દરિયા કિનારાની નજીક અને માનવ વસાહતથી દૂર આવેલ “આપણું ઘર” નામના આશ્રમમાં દાસ બાપુ એમની સામે બેઠેલ એક આધેડ વયના વ્યક્તિને કહી રહ્યા હતા કદાચ સમજાવી રહ્યા હતા.

માનવ જીવનની ભીડ ભાડ અને ભાગદોડ થી દૂર આવેલ આપણું ઘર આશ્રમ એટલે પૂજ્ય શ્રી દાસ  બાપુનો  આશ્રમ. દાસ બાપુ ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે નામ હતું ચરણદાસ, આયુર્વેદમાં માસ્ટર ડિગ્રી ધરાવતા વૈધ અને આઈ.એ.એસ. ઓફિસર તરીકે સરકારી વિભાગમાં નોકરી કરતા ઈમાનદાર અધિકારી, લગ્ન પણ કર્યા અને સંતાનો પ્રત્યેની એક પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવી સેવા નિવૃત્ત થયા. હિંદુ ધર્મના વર્ણાશ્રમ મુજબ પતિ અને પત્ની બંને એ સમાજ સેવા અને સન્યાસી જીવન જીવવાનો નિર્ણય લીધો. સંતાનો એમના ગૃહસ્થ જીવનમાં ગોઠવાઈ ગયા હતા. સરકારી ઉચ્ચ અધિકારીને મળતી ભૌતિક સુખ સગવડો વચ્ચે પણ આંતરિક ફકીરી જાળવી રાખેલ અને જીવને શિવ સાથે જોડવાના પ્રયત્ન પણ.

પરિવારની રજા લઇ સન્યાસ જીવન શરૂ કરવાનો નિર્ણય અમલમાં મુક્યો એ સમયે એમના અર્ધાંગીની પણ એમની જોડે જ આવ્યા અને દલીલ કરી હતી કે, અગ્નિની સાક્ષીએ ફેરા લીધા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માર્ગે સાથે જ રહેવાના તો તમને એકલા કેમ જવા દઉં? પત્નીની આવી દલીલ સાંભળી, ચરણદાસ એમની ગૃહ લક્ષ્મી સાથે આધ્યાત્મ જીવન જીવતા શિવ પ્રાપ્તિ અર્થે ચાલી નીકળેલ અને પોતાના વતનથી દૂર અહીં જયારે વસવાટ શરૂ કર્યો ત્યારે તો આ જગ્યાએ એક નાનું શિવાલય જ હતું, લગભગ અપૂજ્ય અવસ્થામાં અને આસપાસ કેવળ જંગલ હતી. બસ, પ્રકૃતિની વચ્ચે માનવ ભીડભાડથી દૂર આ જગ્યા દંપતીને ગમી ગઈ અને શિવોપાસનાની શરૂઆત કરી એ વાતને પણ આજે બે દાયકાનો સમય વ્યતીતી થઇ ગયેલ. આ બે દાયકાના સમયમાં ઘણું બદલાઈ ગયું. આસપાસની જગ્યા થોડી સાફ સૂફ કરી રહેવા માટેની નાની નાની કુટીરો બનાવવામા આવી હતી. ચરણદાસ નામ ભુલાઈ ગયું હતું અને દાસ બાપુ લોક જીભે ચઢી ગયેલ. આધ્યાત્મ ઉન્નતી સાથે આજુબાજુના ગામ ના લોકોનો આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરવાનું શરૂઆત કરેલ આથી, થોડા જ સમયમાં દાસ બાપુની ખ્યાતી ફેલાવવા લાગેલ. સમાયંતરે, એમના રહેઠાણની જગ્યાને “આપણું ઘર” નામ આપવામાં આવેલ અને એ જગ્યા દાસ બાપુના આશ્રમ તરીકે પ્રસ્થાપિત થઇ ગઈ. આશ્રમમાં જેને રોકાવવા આવવું હોય આવી શકે અને પોતાની આધ્યાત્મિક ઉન્નતી માટે ધ્યાન-સાધના કરી શકે. કોઈ ખાસ ચોક્કસ નીતિ નિયમો નહિ.

દાસ બાપુ ના આશ્રમમાં આવે એને આજે લગભગ દશેક દિવસ થયા હશે. આ દશ દિવસ દરમ્યાન એણે કોઈની જોડે કોઈ ખાસ વાત નતી કરી. પોતાનું નામ સુધ્ધા પણ જણાવેલ ન હતું. બસ એનું મન થાય ત્યારે, એનું મન થાય એટલો સમય શિવાલયના એક થાંભલે પીઠ ટેકવીને બેસી રહે, નજર તો શિવલિંગ તરફ હોય પણ જાણે કઈ બીજી જ દુનિયામાં જોઈ રહ્યો હોય એવી રીતે. આશ્રમના નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિને કોઈ જ પૂછપરછ કરવાની મનાઈ હતી, માત્ર દાસ બાપુ જ આશ્રમ માં રહેનાર વ્યક્તિ પાસે આઈ કાર્ડ જોવા માંગતા અને તેની નોંધ આશ્રમના રજીસ્ટરમાં કરતા, જેનો આશય સરકારી કામકાજમાં ક્યારેક મદદરૂપ થઇ શકાય તેટલો જ.

આજે, મોડી સાંજ સુધી એ શિવાલયમાં બેસી રહ્યો હતો, કંઈક વિચારતો, અસમંજસમાં, કંઈક દ્વિધામાં અને પછી રાતના સમયે એ આવીને દાસ બાપુની સામે નીચે બેઠો હતો અને દાસ બાપુ એ કીધું, “આટલું બધું વિચારવાનું જરૂર નથી, મનમાં જે હોય, જે આવે એ મુજબ કહી નાખ, મન હળવું થઇ જશે તો કોઈક રસ્તો મળી જ જશે.”

.... વધુ આવતા અંકે...

 

આશિષ એ. મહેતાCreative Commons Licenseઅલખના ઓટલે, દાસ બાપુ - ૧    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment