Saturday, January 29, 2022

અલખના ઓટલે દાસબાપુ – ૨

 

                                                            દાસ બાપુ – ૨

અનિમેષ નયને, એ થોડી વાર સુધી દાસ બાપુ ની સામે જોઈ રહ્યો જાણે એના ભૂતકાળને જોઈ રહ્યો હોય. દાસ બાપુ ની આંખોમાંથી નીતરતા લાગણી ભીના દ્રષ્ટિપાત ને વશ થઇ ને એ બોલ્યો, “મારું નામ કૃણાલ, ગુજરાતના રાત-દિવસ ધબકતા રહેતા શહેરનો વતની. જીવનથી થાકી ગયો છું અને આત્મહત્યા કરવી એ પાપ છે એવું મને મારા બા-દાદા એ શીખવાડ્યું છે એટલે આત્મહત્યા કરવી નથી.”

ચહેરા પર એક માયાળુ સ્મિત સાથે દાસ બાપુ બોલ્યા, “હમમ આગળ..”

“એક માધ્યમ વર્ગીય પરિવાર, મારા માતા અને પિતાનું હું એક માત્ર સંતાન. મારા માતા-પિતાએ એમની ક્ષમતા મુજબ મને ભણાવ્યો અને હું કોમર્સમાં ગ્રેજ્યુએટ થયો. સારી નોકરી પણ મળી ગઈ અને ઘરમાં ખુશીનો માહોલ રહેવા લાગ્યો. પણ, બહુ લાંબો સમય નહિ, સમાજમાંથી જ એક આગેવાન અમારા ઘરે, મારા માટે માગુ લઇને આવ્યા. સમાજ એક જ હતો અને કન્યાના પિતાથી મારા પિતા પરિચિત હતા એટલે સગાઇ નક્કી થઇ ગઈ અને થોડ સમય બાદ અમારા લગ્ન પણ થઇ ગયા. એક બેડરૂમ હોલ કિચન ના મકાનમાં અમે ચાર વ્યક્તિઓ સાથે રહેવા લાગ્યા. શરૂઆતમાં તો કોઈ ખાસ તકલીફ નહિ પડી બે વર્ષ શાંતિ પૂર્ણ પસાર થયા. ઈશ્વર કૃપાથી મારી પત્ની- સુનયનાને સારા દિવસ રહ્યા સાતમા મહીને એનું સીમંત અમારી આર્થિક મર્યાદામાં અમે ઉજવ્યું અને સુનયના સમાજના રીવાજ મુજબ એના પિયર ગઈ. બસ ત્યારપછીથી જ મારી જીંદગીમાં અશાંતિના સર્જનની શરૂઆત થઈ.

સુનયના તરફથી રોજ કંઇક અને કંઇક નાની મોટી માંગણી થવા લાગી અને હું મારી ક્ષમતા મુજબ એની બનતી માંગણી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો ગયો. પુરા મહીને એને એક પુત્ર-રેહાનને જન્મ આપ્યો અને અમારા પરિવારમાં ફરી આનંદ છવાઈ ગયો. રેહાન છ મહિનાનો થયો અને સુનાયનાનું જીયાણુ કરી અમારા ઘરે લાવ્યા. ખબર નહિ કેમ? પણ સુનયનાનો સ્વભાવ અને વર્તન સાવ જ બદલાઈ ગયું. પુત્ર ને લઇને એ થોડી વધુ પડતી પઝેસીવ વર્તવા લાગી, જે ઘર એને સ્વર્ગ સમાન લાગતું હતું એ જ હવે એને નાનું પાડવા લાગ્યું અને મોટા ઘરની માંગણી થઇ જે પૂર્ણ કરવી મારા માટે લગભગ અશક્ય હતી. રેહાન ના કપડા તો બ્રાન્ડેડ જ જોઈએ, આ કંપનીનું બેબી ઓઈલ અને પાવડર જોઈ એ જ, વગેરે જેવી માંગણીઓ થવા લાગી અને આવી માંગણી પૂરી કરવા પાછળ મારી મોટા ભાગની આવક ખર્ચવા લાગી સરવાળે પરિણામ એ આવ્યું કે, ઘરખર્ચ માટે ઉધાર ઉછીના લેવાની નોબત આવી ગઈ અને ધીમે ધીમે દેવાનો ડુંગર મોટો થવા લાગ્યો. એક સમયે એવો આવ્યો કે સુનયના અને મારા વચ્ચે બોલવાના સંબંધો પણ પૂર્ણ થઇ ગયા, એક જ છત નીચે અમે બંને ઔપચારિક જીવન જીવવા લાગ્યા. ઘરનું વાતાવરણ રોજે રોજ બગડતું જતું હતું અને હું ખર્ચા પુરા કરવા, દેવું ચુકવવા દોડતો રહેતો હતો એટલે સુનયનાની ફરિયાદોમાં એક નવી ફરિયાદનો ઉમેરો થયો, “સમય નથી આપતા...”. અમારા બે માણસો વચ્ચે નિયમિત કકળાટ થવા લાગ્યો, હું વાસ્તવિકતાની અને વર્તમાનની વાત કરું અને સમા પક્ષે લક્ઝુરીયસ લાઈફ સ્ટાઈલની વાત આવે અને એમાં એક દિવસ હું બોલવામાં સંયમ ગુમાવી બેઠો અને બોલી ગયો કે, “તારા બાપના ત્યાં રાજમહેલ નથી.” સુનયના એ ગુસ્સામાં સામે જવાબ આપ્યો કે, “મારા બાપ ના ત્યાં રાજમહેલ નથી પણ તારા બાપ ની જેમ ભૂખમરો પણ નથી.” બસ મેં એ દિવસે સુનયનાને એક થપ્પડ મારી દીધી. સુનયના અઢી વર્ષના રેહાનને લઇને એના પિતાના ત્યાં ચાલી ગઈ અને હું પણ ઘરની બહાર નીકળી ગયો મોડી રાત્રે પરત ફર્યો. સુનયનાના પિતાનો ફોન હતો એવું મારા મમ્મી એ જણાવ્યું અને કહ્યું કે, “ફોન ઉપર બહુ બોલાચાલી થઇ છે.” હું નિરાશ થઇ ને બેસી ગયો.  મારા પિતાજી એ કીધું, “બેટા, બહુ ચિંતા ના કરીશ. એક પિતાનો આક્રોશ છે એટલે બોલી ગયા. બે ત્રણ દિવસમાં બધું થાળે પડી જશે.”

“બે દિવસના બદલે ચાર દિવસ થઇ ગયા. ના સુનયના આવી ના એના આવવાના કોઈ સમાચાર.

છઠ્ઠા દિવસે વકીલની નોટીસ આવી, ખાધા-ખોરાકી નો દાવો, દહેજની માંગણી, ઘરેલું હિંસા ની ફરિયાદ કેમ દાખલ ના કરવી એ બાબતની.. અને બીજા બે દિવસ પછી પોલીસ ઘરે આવી, મારી પત્ની પર હાથ ઉપાડવાના દહેજની માંગણી અને શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુના બદલ મારી ધરપકડ કરવામાં આવી અને સાથે સાથે મારા માતા-પિતાની મને મારા ગુનાહિત કૃત્યો અને કાવતરામાં સાથ આપવા અંગે એમની પણ ધરપકડ કરવામાં આવી. એક પૂરી રાત અમે પોલીસ લોક-અપમાં ગુજરી અને બીજા દિવસે અમને કોર્ટે જમીન પર મુક્ત કર્યા. અમે ઘરે પરત આવ્યા ત્યારે જે સોસાયટીમાં હું સન્માન પૂર્વક આવ-જા કરતો હતે એ જ સોસાયટીમાં દાખલ થવાનું, જાણે કે ભેંકાર સ્મશાનમાં દાખલ થતો હોવું એવું લાગ્યું.

સન્માન પૂર્વક આખી જીંદગી જીવેલા મારા માતા-પિતા ઘોર અપમાન અનુભવી રહ્યા હતા. એ રાત્રે અમે કોઈ જમ્યા નહિ હા, મોડી રાત્રે પોલીસ લોક-અપ માં રહેવાનું અપમાન સહન ન કરી શકવા બદલ મારા મમ્મી એ મચ્છર મારવાની દવા પી લીધી અને જીવતર ટૂંકાવી મને અને મારા પિતાને એકલા મૂકી અનંતની વાટે પ્રયાણ કયું.”..

.... વધુ આવતા અંકે...


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons Licenseઅલખના ઓટલે, દાસ બાપુ - ૨    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment