Saturday, February 12, 2022

અલખના ઓટલે દાસ બાપુ – ૪

 

                        દાસ બાપુ – ૪

“જીવન અનેક અવનવા વળાંકો અને ઘટનાઓ થી ભરેલું છે. હું એમ માનતો હતો કે હવે મારા જીવનમાં કોઈ ખાસ વળાંક આવે એવું બાકી નથી રહ્યું. પણ, મારી માન્યતા ખોટી નીકળી. એક સાંજે ખાલી ખિસ્સા અને નિરાશા સાથે હું મારા વકીલના ટેબલ પર એમની રાહ જોઈને બેઠો હતો અને મારી બાજુની ખુરશીમાં આવી ને મારા જ જેટલી ઉમરની એક સ્ત્રી બેસી એ પણ મારા વકીલને જ મળવા આવી હશે.

કોર્ટનું પરિસર એક આગવું જ મહત્વ ધરાવતું હોય છે, કોઈ ને કોઈની હાજરીની પડી નથી હોતી. થોડી વારમાં મારા વકીલ સાહેબ આવ્યા અને મારી હાજરીની પરવા કર્યા વગર જ એ સ્ત્રી એ એની રામ કહાની શરૂ કરી. લગભગ બે કલાક સુધી એ બોલતી રહી અને હું પણ મારા વકીલ સાહેબની સાથે એને સંભાળતો ગયો. એની કહાની પૂરી થયા પછી મને મારા વકીલે કીધું, “કૃણાલ તારા કરતા તદ્દન બીજા છેડાની ઘટના એટલે આ કાજલની જીવનયાત્રા.” મેં એની અને એના મારી સામે જોયું એ એક ઔપચારિક મુલાકાત હતી કોઈ જ વાત કર્યા વગર અમે છુટા પડ્યા પણ એ પછીની ઘટનાઓ ફિલ્મી ઢબે બનતી રહી મારા અને એના કેસની તારીખો સરખી જ આવવા લાગી. અમે બંને કોર્ટમાં નિયમિત મળતા થઇ ગયા અને કોર્ટ પરિસરમાં અમારા વકીલની રાહ જોતા ઉભા રહેતા, કંટાળતા એક બીજા સાથે ક્યારે વાત- ચીત કરતા થઇ ગયા એની ખબર પણ ના પડી. ફોન નંબરોની આપલે થઇ અને પછી સોશિયલ મીડિયા દ્વારા ચેટ શરૂ થઇ. ફોર્મલ વાતો થી શરૂઆત થઇ હતી અને પસાર થતા સમયની સાથે વાતો પણ આત્મીય થવા લાગી. કાજલને એના પતિ અને સાસુ સસરા એ ઘરે થી માર મારી કાઢી મૂકી હતી એનો એક દિકરો હતો જે એના પતિ પાસે હતો. એના માતા-પિતા પણ અવસાન પામ્યા હતા અને સંસારમાં સ્ત્રી ની કોઈ દુશ્મન હોય તો એ સ્ત્રી જ છે. એ મુજબ કાજલ ને એના ભાઈ એ પણ એની ભાભીના દબાણ વશ થઇ અલગ એની રીતે રહેવા જણાવ્યું હતું એટલે, કાજલ એની રીતે ભાડાના મકાનમાં રહેતી હતી અને નોકરી કરી પોતાની જિંદગી ગુજારતી હતી. બે સમદુઃખીયા ભેગા થયા.

જીવનની ઘટમાળમાં કઈ કેટલીય ઘટનાઓ પૂર્વનિર્ધારિત હોય છે જે માનવીની જાણ બહાર હોય છે. આવી જ એક ઘટના અમારા જીવનમાં બની. ઓગસ્ટ મહિનો હતો કોર્ટની તારીખ હતી, વરસાદ સતત ચાલુ હતો અને અમે બંને, હું અને કાજલ કોર્ટ પરિસરમાં ઉભા હતા. એ દિવસે જજ સાહેબ રજા પર હતા એટલે તારીખ પડી ગઈ પણ સતત વરસતા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને બસ સેવા બંધ થઇ ગઈ હતી ઘણી વખત રાહ જોયા પછી પણ કોઈ રીક્ષા કે કેબ ના મળી એટલે કાજલે લાચાર નજરે મારી સામે જોયું, હું સમજી ગયો. કોર્ટની મુદતના દિવસે ઓફીસમાંથી રજા લીધી હતી અને આમપણ, વરસાદી પાણી ભરાઈ જવાથી મારાથી કે એનાથી ઓફીસ જઈ શકાય એવું રહ્યું ન હતું. મારા બાઈક પર બેસાડી હું એને એના ઘરે મુકવા ગયો. રેઇનકોટ કે છત્રી હતા નહિ. વરસતા વરસાદમાં ભીંજાતા અમે ધીમે ધીમે બાઈક ચલાવતા ક્યાંક દોરતા એના ઘરે સુધી ગયા. એક સોસાયટીમાં રોડ પરના પહેલા જ મકાનમાં કાજલ ભાડે રહેતી હતી. એને ઉતારી હું નીકળવા જતો હતો પણ એણે મને અટકાવ્યો અને ઘરે ચા પી થોડા કોરા થઇ જઈ પછી જવાનું કીધું અને મેં પણ એની વાત માની લીધી, કારણ આગલી સાંજે મન વગરનું થોડું જમ્યો હતો પણ સવારે ચા કે નાસ્તો કઈ કર્યા ન હતા. હું એની પાછળ એના ઘરમાં દાખલ થયો. મારા પ્રત્યેની એની લાગણી જોઈ મારું મન અનાયાસે જ સુનયના અને કાજલ વચ્ચે સરખામણી કરવા લાગ્યું. એણે મને ટુવાલ આપ્યો જેનાથી મેં મારૂ માથું કોરું કર્યું અને કપડા લૂછ્યા અને થોડો ઘણો કોરો થયો. એ થોડી વારમાં સરસ આદુ વાળી ચા અને સાથે બે ભાખરી લઇ ને આવી અને હું એના આગ્રહની રાહ જોયા વગર ચા અને ભાખરી આરોગવા લાગ્યો આમ પણ ભૂખ લાગી હતી.

બસ વરસાદના એ દિવસે અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. એને એના પતિથી છૂટાછેડા લેવા હતા પણ એનો પતિ એને આપતો ન હતો. મારે પણ છુટાછેડા લેવા હતા પણ હું સુનયનાને એની માંગણી મુજબની રકમ આપી શકું એમ ન હતો. બંને જણા પોતાનું ગાડું ગબડાવ્યે જતા હતા. અમારા વચ્ચેના લાગણીના અંકુરોની જાણ અમારા વકીલ સાહેબને થઇ અને એમને અમને રસ્તો બતાવ્યો મૈત્રી કરાર. અમે બને થોડી ચર્ચા વિચારણા બાદ સંમત થયા અને મૈત્રી કરાર કર્યો અને મારા ઘરમાં સાથે રહેવા લાગ્યા. એક જ અઠવાડિયામાં ઉકરડા જેવું મારું ઘર મંદિર સમાન થઇ ગયું. રોજ મારા માતા-પિતાની તસવીરને અગરબત્તી થવા લાગી. કોર્ટ કેસ ચાલતા રહ્યા અને અમે બંને જણા અમારી રીતે શાંતિથી જીવતા ગયા. વર્ષો વિતતા ગયા. સાત વર્ષનો રેહાન પુરા પચ્ચીસ વર્ષનો થઇ ગયો. એની મમ્મી, નાના-નાની તરફથી મળેલ ઈયર પોઈઝન સાથે એ મોટો થયો હતો એટલે મારી કોઈ જ વાત એ સંભાળવા માંગતો ન હતો. એના મન માં એક વાત ઘર કરી ગઈ હતી કે, “મારા પપ્પા એ મારા માટે કઈ કર્યું નથી અને મારી મમ્મી ને હેરાન કરી, મારી ને ઘરેથી કાઢી મૂકી હતી.” ઘટના એના જાણ માં હતી પણ ઘટનાના મૂળ થી એ અજાણ હતો. એક પિતા તરીકે મને એના માટે લાગણી હતી અને અફસોસ પણ કે, જો સુનયના વધુ પડતી પઝેસીવ ન હોત અને આર્થિક પરિસ્થિતિ  મુજબ ચલાવી લીધું હોત તો આજે મારો પુત્ર રેહાન મારી સામે નહિ મારી સાથે હોત. પણ આ અફસોસનો કોઈ અર્થ ન હતો. હું અને કાજલ એક બીજા સાથે, એક બીજા ને સમજીને રહેતા હતા. મને એવું લાગ્યું કે, હવે કોઈ એવી ઘટના કદાચ જ બને કે જે મને વિચલિત કરી નાખે. પણ, હું ખોટો હતો. 

છવ્વીસ વર્ષની ઉમરે લગ્ન થયા હતા અને અઠયાવીશ વર્ષે પિતા બન્યો હતો, ત્રીસ વર્ષની ઉમરે કોર્ટનો પ્રથમ અનુભવ, લગભગ તેત્રીસની ઉમરે સમાધાન અને ફરી પાંત્રીસમાં વર્ષે કોર્ટનો બીજો અનુભવ. જીવનના પંચાવન વર્ષે ફરી એક આઘાત આવી ગયો. જેણે મને સ્નેહ આપ્યો, મારા સ્વર્ગે સિધાવેલ માતા-પિતાને આદર આપ્યો, મને સમજીને મને સહારો આપ્યો એ કાજલ એક રાત્રે એટલી ગાઢ ઊંઘમાં ચાલી ગઈ કે બીજા દિવસનો સૂર્ય મારા માટે ફરીથી એકલતા લઇને ઉગ્યો. ફરી હું, આ સંસારમાં મારા પેન્ડીગ કોર્ટ કેસ સાથે એકલો રહી ગયો. કાજલની પાછળ વિધિ-વિધાન પૂરા કર્યા પણ મને એ ઘરમાં હવે એકલતા કોરી ખાતી હતી. આધેડ ઉમર, એકલવાયું જીવન શું કરું એ સમજાતું ન હતું. ? બસ, એક મિત્રના મારફતે આપના આશ્રમ વિષે જાણવા મળ્યું અને હું અહિયાં આવી ગયો.”

“હમમ, હરિ ઈચ્છા..” દાસ બાપુ એ કહ્યું. ...

 .... વધુ આવતા અંકે...


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons Licenseઅલખના ઓટલે, દાસ બાપુ - ૪    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment