Saturday, February 5, 2022

અલખના ઓટલે દાસબાપુ – ૩

                                         દાસ બાપુ – ૩

એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. પ્રયત્નો પછી પણ શબ્દો બહાર નહતા આવી રહ્યા. દાસ બાપુ એ કોર્ડલેસ બેલની સ્વીચ દબાવી અને નજીકમાંથી એક સેવક હાજર થયો. બાપુ એ ઈશારાથી પાણી આપવા કહ્યું. માટીના ગ્લાસમાં પાણી આપવામાં આવ્યું. બાપુની સુચનાથી માટીનો એક કુંજો પણ મુકવામાં આવ્યો. જાણે કેટલાય વર્ષોની તરસ છીપાવતો હોય એમ, એક જ શ્વાસે પાણી પી ગયો અને તરત જ કુંજામાંથી ફરી પાણીનો ગ્લાસ ભર્યો અને પી ગયો.

મનના તરંગો અને હૃદયની લાગણીઓ વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું હતું અને એની અભિવ્યક્તિ માટે શબ્દો સાથ નહતા આપી રહ્યા.

થોડી વાર મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું.

એ પછી એ બોલ્યો, “સંસાર બહુ જ વ્હાલો અને સુંદર લાગે છે, જયારે પરિસ્થિતિ આપણી અપેક્ષા મુજબની હોય છે પણ આજ સંસાર નર્ક કરતા પણ બદ્તર લાગે છે જયારે પરિસ્થિતિ અપેક્ષાથી વિપરીત અણધાર્યો વળાંક લે છે. સુનયના એના પિતાના ઘરે હતી. રેહાન એની જોડે હતો. મારી મમ્મી મને અને મારા પિતાને આ સંસારમાં મૂકીને અનંતની વાટે ચાલી ગઈ હતી. સ્ત્રી એ ઘરની મુખ્ય ધરી છે. અમારું ઘર ધરી વગરનું થઇ ગયું. ધીમે ધીમે કુટુંબ પરિવારના સભ્યોએ પણ એક અંતર બનાવી લીધું. પુરા ત્રણ વર્ષ કોર્ટ કેસ ચાલ્યો. ઘરમાં હું અને મારા પપ્પા જરૂર જેટલી જ વાત કરતા ક્યારેક તો અઠવાડિયાનો સમય નીકળી ગયો હોય અને અમે એક બીજા જોડે વાત ના થઇ હોય. કોર્ટ કેસમાં નવો વળાંક આવ્યો, જજ સાહેબ નવા આવ્યા અને એમને સમાધાનની વાત કરી. મારા પિતા એ પણ મને કહ્યું, બેટા સમાધાન કરી લે. તારી મા જતી રહી અને હવે હું કેટલું જીવવાનો. રેહાન માટે વિચાર એને મા અને બાપ બંનેની જરૂર છે.” સમાધાન થયું અને અઢી વર્ષના રેહાનને લઇ ને ગયેલ સુનયના, રેહાન પુરા સાડા પાંચ વર્ષનો થયો ત્યારે આવી. એ સમયે મને એવું લાગ્યું કે, કસોટીનો કાળ પૂરો થયો. થોડો સમય બધું બરાબર ચાલ્યું. પણ, મન- મોતી અને કાચ એક વાર તૂટ્યા પછી ફરી જોડતા નથી. બસ એ જ રીતે, સમાધાનના લગભગ છ મહિના પછી ઘરમાં ફરીથી કચકચ ચાલુ થઇ ગઈ. હું નોકરી પર હોઉં એ સમય દરમ્યાન સુનયના મારા પિતાનું અપમાન કરે, એમને હડધૂત કરે. શરૂ શરૂમાં આ વાતની મને ખબર ના પડી પણ એક દિવસ હું નોકરી જવા નીકળ્યો અને રસ્તામાં મને મારા બોસ નો ફોન આવ્યો કે કંપનીના કામે તાત્કાલીક ટુર ઉપર જવાનું છે તો ચાર-પાંચ દિવસનું પ્લાનીંગ કરીને નીકળવાનું છે. હું અડધે રસ્તેથી પાછો ફર્યો અને ઘરે આવીને જોયું કે મુખ્ય દરવાજો સહેજ ખુલ્લો હતો અંદરથી સુનયનાનો અવાજ આવી રહ્યો હતો, “મારા માથે પડ્યા છો, એક કામ સરખું થતું નથી અને બે ટાઇમ થાળી ભરીને ખાવા જોઈએ છે, મરતા પણ નથી અને જીવવા પણ નથી દેતા શાંતિથી.” દરવાજો ખોલીને હું ઘરમાં દાખલ થયો જે દ્રશ્ય જોયું એ મારા માટે અસહ્ય અને અકલ્પ્ય હતું. સુનયના સોફા પર બેઠી હતી અને મારા પિતા ઘરમાં પોતુ મારી રહ્યા હતા. મને બારણામાં ઉભેલો જોઈ એમની સહનશીલતાની પાળ પણ તૂટી ગઇ અને એ રડી પડ્યા.

જેની મહેનતનો પરસેવો મારા શરીરમાં લોહી બનીને વહેતો હોય એનું અપમાન કેવી રીતે સહિ શકું. એ દિવસે મારા અને સુનયના વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઇ અને મેં ફરી સુનયના પર હાથ ઉપાડ્યો. ફરી એ જ ઘટનાનું પુનરાવર્તન, સુનયના રેહાનને લઇ એના પિયર ચાલી ગઈ, રેહાન ત્યારે આશરે સાત વર્ષનો હતો. કંપનીના કામે ટુર પર જવાની વાત બાજુમાં રહી અને કંપનીનું કામ ન કરવા બદલ મને છૂટો કરવામાં આવ્યો. નોકરી છૂટી જવાનો કોઈ અફસોસ ના હતો. એ દિવસે જાણ્યું કે, મારું અને સુનયનાનું લગ્ન જીવન ટકી રહે એ માટે મારા પિતા એ કેટલું અપમાન સહન કર્યું.

ફરીથી કોર્ટ કેસ અને પોલીસ કેસ થયા પણ મને આ વખતે કોઈ રંજ ન હતો. કોર્ટમાં પણ સાવ બેશરમ થઇને ઉભો રહી જતો. લગભગ બે મહિના પછી મારા પિતા પણ મને આ સંસારમાં એકલો મૂકીને મારા મમ્મીનો સાથ આપવા ચાલી નીકળ્યા. પાછળ રહી ગયો હું એકલો. મારા માતા-પિતાની યાદોના સહારે એમના જ બનાવેલા આશિયાના એવા નાના એવા ઘરમાં.

સ્વામીજી, કોઈ સ્ત્રી જો એકલી રહેતી હોય ને તો સોસાયટીના, આજુ બાજુ ના લોકો એની તરફ ખરાબ નજરે જોતા હોય એવું બને પણ સાથે સાથે એના પ્રત્યે સહાનુભુતિ ધરાવતા હોય એવું પણ બને. પણ એક પુરુષ એકલો રહેતો હોય તો એના પ્રત્યે ના કોઈ સહાનુભુતિ હોય ના કોઈ સંવેદના, હોય તો માત્ર શંકા ભરી નજરો અને જાત જાતની વાતો. મારી સાથે પણ એવું જ થયું. કુટુંબ પરિવાર તો અલગ થઇ જ ગયા હતા, એકલો રહેતો હોવાથી આડોશ-પડોશના લોકો પણ ધીમે ધીમે દૂરી બનાવવા લાગ્યા. ઉમર થઇ ગઈ હતી એટલે સારી નોકરી તો મળે એવી કોઈ શક્યતા રહી નતી. ધંધો કરવા મૂડી જોઈએ જે તો હતી નહિ. બસ જ્યાં જે નોકરી મળી એ કરતો ગયો, કોર્ટના ધક્કા ખાતો રહ્યો, વકીલ ફી, સુનયનાની અને રેહાનની ખાધા-ખોરાકી ભરતો રહ્યો અને મારી એકલતાને સિગારેટના ધુમાડાથી દૂર કરતો ગયો.  

.... વધુ આવતા અંકે...


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૩    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment