Saturday, February 19, 2022

અલખના ઓટલે દાસ બાપુ – ૫

 

                દાસ બાપુ – ૫

“જીવનને આપણે આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એટલે જીવન અનિશ્ચિતતાથી ભરપુર લાગે છે.  પણ, એવું નથી. કર્મના સિધ્ધાંત મુજબ દરેકના જીવનમાં યોગ્ય સમયે યોગ્ય ઘટના જ બને છે. મનુષ્ય એ આ બધી ઘટના ને નિરપેક્ષ ભાવ થી જોવા ટેવાયેલ નથી એટલે માનવ મન અને સ્વભાવગત એને સુખ અને દુઃખની લાગણી થાય છે. જે સ્વાભાવિક છે. કર્મ કરવું એ મનુષ્યના હાથમાં છે એનું પરિણામ શું અને ક્યારે આપવું એ પરમાત્માના હાથમાં છે. જાણું છું કે આ બધી ફિલોસોફી હાલ તારા મગજમા નહિ બેસે. પણ હું તને એક સીધો અને સરળ રસ્તો બતાવું. જો તારું અંતરમન માને તો તું એ મુજબ કર.” દાસ બાપુ એ કૃણાલને કહ્યું.

“બોલો સ્વામીજી.” કોઈ જ પ્રકારની વિશિષ્ઠ લાગણી વગરના શુષ્ક અવાજે કૃણાલે પ્રત્યુતર આપ્યો.

“જો તારી કહાની મુજબ હાલ તારી પાસે એક માત્ર મિલકત તારા પિતા તરફથી તને વારસામાં મળેલું મકાન છે. જીવનનો કોઈ ધ્યેય નથી અને તને તારા પુત્ર રેહાન પ્રત્યે લાગણી છે બરાબર.”

“હા.”

“એક કામ કર, તું થોડા દિવસ માટે પાછો તારા ઘરે જા. તારા વકીલ સાહેબ ને મળી લે. તારા નામ પર જે મકાન છે એ તારા પુત્ર રેહાન અને સુનયનાના સંયુક્ત નામ ઉપર કરી દે અને બદલામાં સુનયનાથી કાયદાકીય રીતે અલગ થઇ જા. બધા જ કોર્ટ કેસ પુરા થઇ જાય એ પછી પાછો અહીંયા આવી જા. દેવાધિદેવ મહાદેવના શરણમાં. આમ પણ તું ઉમરની રીતે વનમાં પ્રવેશી ગયો છે. પાછો અહિયાં આવી મહાદેવની આરાધના કર. એ જ તને એની આરાધનાનો માર્ગ બતાવશે. આમ પણ વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં કહ્યું છે કે મનુષ્ય જન્મ એ આત્મ કલ્યાણ માટે છે તો તું એ રસ્તે આગળ વધ. અને એવું વિચાર કે તારા જીવનમાં બનેલી આ તમામ ઘટનાઓ તને સંસારિક મોહ માયાથી  દૂર કરવા માટે ઘટી છે. રાત્રિનો બીજો પ્રહાર પૂર્ણ થવા પર છે. તું વિચાર કરી લે મારા સુઝાવ પર અને કાલે સાંજે મને શાંતિથી મળીને તારો નિર્ણય જણાવજે. આ ભોળાનાથે મને સ્વીકાર્યો એ જ તને પણ સ્વીકારશે.”

દાસ બાપુ પોતાના આસન ઉપરથી ઉભા થયા અને કૃણાલે એમને વંદન કર્યા.

------ એક વર્ષ પછી ----

દાસ બાપુ એમના આશ્રમમાં એમની કુટિરમાં ચર્ચા કરી રહ્યા હતા..

“કિશોર સ્વામી, આશ્રમમાં આવતા જતા લોકોના આઈ કાર્ડ જોઈ એમની નોંધણી કરવાની જવાબદારી હવે થી તમે સંભાળો.”

“જી બાપુ.” સામેથી કિશોર સ્વામીએ બે હાથ જોડી જવાબ આપ્યો અને કુટીરની બહાર આવ્યા.

ભગવા કપડા, રૂદ્રાક્ષની માળા, નિયમિત યોગ અને પ્રાણાયામથી સુદ્રઢ થયેલ એકવડિયો બાંધો અને ચહેરા પર શાંતિનો ભાવ.

હા, કિશોર સ્વામી એ જ કૃણાલ... દાસ બાપુ ની સલાહ માની પરત પોતાના શહેર જઈ પોતાના વકીલ સાહેબને મળી સમાધાનની વાત કરી, પંદર દિવસની મથામણના અંતે સુનયના તૈયાર થઇ ગઈ, કૃણાલની છુટાછેડાની અરજી મંજુર થઇ ગઈ અને ઘર સુનયના અને રેહાનના નામ પર તબદીલ થઇ ગયું. માત્ર બે જોડ કપડા પોતાની સાથે લઇ કૃણાલ દાસ બાપુના આશ્રમમાં આવી ગયો. દાસ બાપુ એ એનું નામકરણ કર્યું, “કિશોર સ્વામી.”

 

સમાપ્ત.



આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૫    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment