Saturday, February 26, 2022

અલખના ઓટલે દાસ બાપુ - ૬

 

દાસ બાપુ – ૬

 

“બાપુ, આ ગૌશાળામાં જે નવી ગાય આવી છે એનું વર્તન અલગ છે.” કિશોરસ્વામીએ એક નમતી સાંજે દાસ બાપુને પૂછ્યું.

“અલગ એટલે કેવી રીતનું ?” ચહેરા પર એ જ બાળ સહજ સ્મિત સાથે દાસ બાપુ એ પૂછ્યું.

આશ્રમની ઘણી ખરી વહીવટી જવાબદારી કિશોર સ્વામી એ ઉપાડી લીધી હતી. આશ્રમમાં આવનાર નિયમિત સાધકો અને મુલાકાતીઓના માટે કિશોર સ્વામી એ દાસ બાપુના ઉત્તરાધિકારી હતા. જો કે કિશોર સ્વામીના મનમાં એવી કોઈ જ વાત કે વિચાર ન હતો.

“બાપુ, ગયા અઠવાડિયે જે ગાય આપણા આશ્રમમાં દાનમાં આપવામાં આવી છે એ ગાયને એક વિચિત્ર ટેવ છે. પથ્થર મોઢામાં લઇ એ બીજા પથ્થર કે દિવાલ જોડે સતત ઘસે રાખે છે અને આ ક્રિયા દરમ્યાન સાહજિક જ એના મોઢામાંથી લાળ પડતી રહે છે.” કિશોર સ્વામીએ ટૂંકમાં જણાવ્યું.

“તો એ એની પસંદગીનું કાર્ય હશે એવું માનવાનું.” એક માયાળુ સ્મિત સાથે દાસ બાપુ એ ઉત્તર આપ્યો.

આશ્રમ જીવનમાં આવી આદ્યાત્મિક માર્ગ પર આગળ વધેલ કિશોર સ્વામીને બાપુ ના આ જવાબથી સંતોષના થયો અને એમના અસંતોષની ચાડી એમના મુખ પર દેખાઈ આવી. જે જોઈ ને દાસ બાપુ એ કહ્યું,  “આવતીકાલે સાંજે ધ્યાન અભ્યાસ બાદ મળીએ.” “ભલે” ટૂંકો પ્રત્યુત્તર આપી કિશોર સ્વામી એમની કામગીરીમાં પ્રવૃત્ત થયા.

બીજા દિવસની સાંજે આશ્રમની દૈનિક પ્રવૃત્તિથી પરવારીને કિશોર સ્વામી, દાસ બાપુની કુટીરમાં એમની સામે નીચે આસન પર બેઠા હતા.

“કર્મ કોઈને છોડતું નથી. આ વાત તો તમે સમજી જ ગયા હશો. ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે કીધું છે એ મુજબ આત્મા અમર છે અને તે દેહ બદલે છે. જેવી રીતે આપણે જુના વસ્ત્રો ત્યાગીને નવા પરિધાન કરીએ છીએ એ જ રીતે આત્મા જુના દેહનો ત્યાગ કરી, કર્મના ફળ મુજબ નવો દેહ ધારણ કરે છે. આ ગાયના દેહમાં રહેલ આત્મા અને પરભવના સ્વભાવનો પસ્તાવો કરી રહેલ છે. દુનિયાદારીની નજરે આ વાત કદાચ માનવામાં નહિ આવે. પણ સત્ય આ જ છે. પાછલા ભવમાં એણે માનવ દેહમાં બહુ જ ધન અર્ચિત કર્યું હતું. પેલી કહેવત ની જેમ “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ.” જીવનના અંત સમયમાં એના પરિવારજનો પણ એના જ સ્વભાવ મુજબ એની સાથે વર્તવા લાગ્યા. જયારે જીવનનો અંત આવી ગયો ત્યારે એ જીવ ને સત્ય સમજાયું પણ બહુ મોડું થઇ ગયું હતું. કર્મનું ભાથું બંધાઈ ગયું હતું અને પ્રાયશ્ચિત નો સમય ન હતો. અંત સમયે ના ધન કામમાં આવ્યું ના પરિવારજનો અને છેલ્લા શ્વાસ સમયે એના મનમાં એક ભાવ રહી ગયો, “આ ધન પથ્થરથી વિશેષ કઈ નથી.” ગુરુબાણીમાં એક વાક્ય છે, “જહાં આશા વહાં બાસા.” એ મુજબ આત્માએ માનવ દેહ છોડી દીધો પણ એનો છેલ્લો વિચાર ના છૂટ્યો. આ ભવમાં પણ એ એના પરભવના છેલ્લા વિચાર મુજબ જ કર્મ કરે છે. પથ્થર મોઢામાં નાખી ઘસે રાખે છે જોનાર સમજી નથી શકતા.” દાસ બાપુ એ કહ્યું.

“બાપુ આનું કોઈ નિરાકરણ ?” કિશોર સ્વામી એ સાહજિક જ પૂછ્યું.

“બહુ જ સરળ છે, આવતીકાલથી એને ઘાસ નીરો એમાંથી થોડું પરત લઇ એના દેખતા બીજી ગાયો ને આપવાનું. આનાથી એના મન પર એવો ભાવ જાગશે કે એના હક ની વસ્તુ દાન થઇ રહી છે. ધીમે ધીમે એનો મોઢામાં પથ્થર લઇ ઘસવાનો સમય ઘટતો જશે અને એક સમયે આ ક્રિયા સાવ બંધ થઇ જશે. આગળ હરિ ઈચ્છા.” દાસ બાપુ એ ઉકેલ બતાવ્યો અને પછી અભયમુદ્રામાં આશીર્વાદ આપતા હોય એમ હાથ ઉઠાવ્યો.

કિશોર સ્વામી ઈશારો સમજી ગયા અને બાપુને પ્રણામ કરી પોતાની કુટીરમાં જવા ઉઠ્યા.

(વાચકમિત્રો, સ્થળ અને બાપુનું સાચું નામ નથી લખતો પરંતુ મારા આબુના પ્રવાસ દરમ્યાન એક આશ્રમમાં ગાયને મોઢામાં પથ્થર લઇ જમીન પર ઘસતી જોઈ હતી. એ સમયે હું જે મહાત્માની સાથે ગયો હતો એમને મેં આવા વર્તનનું કારણ પૂછતા એમને મને આ મુજબ નો ખુલાસો આપ્યો હતો જેને આશ્રમના તત્કાલીન ગાદીપતિ શ્રી એ સમર્થન આપ્યું હતું. એ જ આશ્રમમાં બે વર્ષ પછી મારે ફરી જવાનું થયું હતું ત્યારે એ ગાય પણ ત્યાં જ હતી પણ એની પથ્થર મોઢામાં લઇ જમીન પર ઘસવાની ટેવ બદલાઈ ગઈ હતી.)


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૬    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment