Saturday, August 22, 2020

સુધાંશુ - અંશુ

ઘણા વર્ષો પછી આજે તમે સુધાંશુ ત્રિવેદી, તમે તમારા વતન સરઢવમાં આવેલ. વતનમાં આવવાનો ઉદ્દેશ માત્ર એટલો જ કે, તમારું મકાન વેચી એની જે કોઈ રકમ આવે એ ગામની શાળામાં ભેટ તરીકે આપી દેવી. આજે સવારે જ તમારી ધારણા કરતા વધારે સારી રકમથી મકાનનો સોદો થઇ ગયો અને વેચાણનો દસ્તાવેજ પણ. તમારે તરત જ નીકળી જવું હતું પણ તમારાથી માંડ એકાદ વર્ષ મોટા તમારા બાળપણના મિત્ર દશરથે રાત રોકાઈ જવાનો આગ્રહ કર્યો અને જણાવ્યું કે, "આજે રૂપાલમાં પલ્લી છે. દર્શન કરીને જા. ફરી તું ક્યારે આવીશ?" અને તમે એક આશા સાથે રાત રોકાઈ ગયા. રાત્રે રૂપાલની પલ્લીના દર્શન કરી પાછા આવ્યા અને આજ સવાર સુધી જે તમારું મકાન હતું એ મકાનની આગળની જગ્યામાં દશરથે પાથરી આપેલ ખાટલામાં બેઠા. વાતોનો માહોલ જામ્યો હતો, જામતી જતી રાત હતી, અતીતની વાતો થતી હતી અને જૂની યાદો તાજી થતી હતી અને સાથે સાથે તમારી નજર કોઈકને શોધતી હતી. વાતમાં અને વાતમાં દશરથે તમને પૂછી લીધું, "તું ક્યાં રહે છે એ તો કહે?" "હાલ વડોદરા છું." એટલું કહી એક વિઝિટિંગ કાર્ડ કાઢી તમે એના હાથમાં આપી દીધું અને દશરથે કહ્યું, "કાજલ પણ હાલ વડોદરા જ છે. તને ખબર છે?" કાજલનું નામ સાંભળી કાન એકદમ સતર્ક  થઇ ગયા અને શરીર ટટ્ટાર થયું, પણ ચહેરા પર કોઈ જ હાવભાવ બદલાવા ના દીધા. દશરથ સાથેની વાતમાં તમે એટલું જાણ્યું કે, કાજલના લગ્ન થઇ ગયા છે અને એ જ એના ઘર પરિવારની જવાબદારી નિભાવે છે. એનો પતિ કંઈ કમાતો નથી, બસ કાજલે સંસાર ચલાવ્યે રાખ્યો એને એક છોકરો હતો નીલ, જેનું માર્ગ અકસ્માતમાં ગયા વર્ષે જ અવસાન થયું અને હાલમાં કાજલ એના પૌત્ર અંશુ સાથે રહે છે, જે હાલમાં કોઈ સારી કોલેજમાં ભણી રહ્યો છે અને આજે કાજલ પણ આવી છે એના પૌત્ર સાથે.

બાળપણની વાતોએ તમને, તમે શું છોડ્યું હતું એનો અહેસાસ કરાવ્યો. સરઢવ ગામ એટલે એ ગામ જ્યાં તમારો જન્મ થયો હતો. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. એ ગામ જેની ધૂળ ભરેલી શેરીઓમાં તમારું બાળપણ પસાર થયું હતું. ગામની વચ્ચેનો ચોરો અને ભાગોળનો હવાડો હવે તો પહેલાના જેવા ધૂળિયા ન હતા રહ્યા અને સમયની સાથે સાથે આધુનિક બની ગયા હતા. સરઢવ ગામના ગોર મહારાજ અંબાલાલ ત્રિવેદીનું એકનું એક સંતાન એટલે તમે, સુધાંશુ ત્રિવેદી. બાળપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી, ધીર ગંભીર પ્રકૃતિના અને અસાધારણ તર્ક શક્તિ ધરાવતા તમે હંમેશા તમારા ક્લાસમાં પ્રથમ ક્રમાંકે પાસ થતા. દશ ધોરણ સુધીનો અભ્યાસ ગામમાં કર્યો અને દશમા ધોરણમાં પૂરા ગાંધીનગર જિલ્લામાં તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા બાદ આગળ વધુ ઉચ્ચ અભ્યાસ માટે તમે વડોદરા તમારા એક દૂરના કાકાના ઘરે ચાલ્યા ગયા અને છૂટી ગયું તમારું ગામ સરઢવ. અને સરઢવની સાથે છૂટી ગયો એક ખાસ સાથ, જેની સાથે - જેના માટે તમે શમણાં જોયા હતા, જેની સાથે રમીને અને ભણીને તમે મોટા થયા હતા, એક ખાસ લાગણીભીનો પવિત્ર સંબંધ હતો. એ સંબંધ હતો ગામમાં તમારા ફળિયાની સામે પટેલ ફળીમાં રહેતા કનુકાકા, કનુભાઈ પટેલની તમારી જ ઉંમરની દીકરી, તમારી સોનુનો. તમારી અને સોનુની વચ્ચેના સંબંધનું કોઈ ચોક્કસ નામ ન હતું પણ તમને એકબીજાનો સાથ ગમતો હતો અને તમે બંને તમારી મર્યાદામાં અને વડીલોની હાજરીમાં જ મળતા હોઈ તમારા સંબંધ ઉપર કોઈએ આંગળી ઉઠાવવાની પણ નહોતી.

નદીના વહેણની જેમ સમય પસાર થઇ ગયો. સરઢવ ગામ, બાળપણ, કિશોરાવસ્થા છૂટી અને યુવાની આવી અને તમે ભારતદેશની સર્વોત્તમ પરીક્ષા યુ.પી.એસ.સી. પાસ કરી નેશનલ સિક્યોરિટી એજન્સીમાં જોડાયા અને ગુજરાત છોડી દિલ્હી ચાલ્યા ગયા અને તમે તમારા માતા-પિતાને પણ તમારી જોડે રહેવા બોલાવી દીધા.  તમારા માતા પિતા પાસેથી તમે જાણ્યું કે સોનુના લગ્ન થઇ ગયા. અવાર-નવાર તમને તમારા માતા-પિતાએ લગ્ન કરી લેવા જણાવ્યું, પણ તમે કોઈ કારણ આપ્યા વગર જ લગ્નનો ઇન્કાર કરતા રહ્યા. કાળક્રમે તમારા માથા પરથી માતા અને પિતાની છત્રછાયા જતી રહી અને તમે એક ચોક્કસ કારણસર લગ્ન કર્યાં જ ન હતા. આજે ઉંમરના સાઈઠ દાયકા પછી, ક્લાસ વન સરકારી અધિકારી તરીકે નિવૃત્ત થયા બાદ, તમારા નજીકના કહેવાય એવું જો કોઈ નજીકનુ હોય તો એ એક માત્ર તમારો દૂરનો ભત્રીજો ઉમંગ હતો જે તમારી સાથે જ રહેતો હતો અને મલ્ટીનેશનલ કંપનીનો ડાયરેક્ટર હતો.

સવાર પડી ગઈ તમે વડોદરા જવા તૈયાર થઈને નીકળ્યા અને દશરથે તમને એક પ્રેમાળ આલિંગન આપ્યું. આંખોમાં ઝળહળીયા આવી ગયા પણ તમારી નેશનલ સિક્યોરિટી એજન્ટ તરીકેની તાલીમે તમને લાગણીના પ્રવાહમાં વહેતા અટકાવી દીધા. ગામના આગેવાનો તમને વળાવવા આવ્યા સહુ પાસેથી રજા લઇને તમે તમારી સ્કોર્પિયો ગાડી સ્ટાર્ટ કરી. ગામનો એ જ ચોરો, મંદિર, શાળા છોડી આગળ વધી રોડ પર આવ્યા અને તમને આવતા જોઈ એક સોહામણા કિશોરે લિફ્ટ માંગતો ઈશારો કર્યો. એની જોડે એક વૃદ્ધ સ્ત્રી હતી. તમારા જ ગામના કોઈ હશે એવી ધારણા સાથે તમે ગાડી રોકી અને દરવાજાનો ગ્લાસ ઉતારી યુવાન સામે પ્રશ્ન સૂચક નજરે જોયું. "અંકલ લિફ્ટ આપશો?" તમે કંઈ જ બોલ્યા વગર ગાડીના દરવાજા અનલોક કર્યા અને તમારી બાજુમાં એ કિશોર અને પાછળની સીટ પર એ વૃદ્ધ સ્ત્રી ગોઠવાઈ. પણ એની બેસવાની રીતથી તમને ખ્યાલ આવી ગયો કે એને ઘૂંટણ અને કમરની તકલીફ છે. દરવાજો બંધ થયા પછી તમે ફરીથી કાર સ્ટાર્ટ કરી. કિશોરે તમને જણાવ્યું કે, "આમ તો અમારે દૂર જવું છે. પણ હાઇવે પર ઉતારી દેશો તો ચાલશે." એક નજર એ કિશોર તરફ કરી તમે બેક મિરરમાં એ વૃદ્ધ સ્ત્રીનો ચહેરો જોયો. એકાદ ક્ષણ માટે તમારી ચાર આંખો એક થઇ અને તમારું મન એ સ્ત્રીના ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યું. હાઇવે પહોંચીને તમે એ યુવાનને પૂછ્યું, "ક્યાં જવું છે, દોસ્ત?" "આમ તો છેક વડોદરા જવું છે. મારે આ અઠવાડિયામાં કોલેજમાં સબમીશન છે. હું તો ના પડતો હતો દાદીને કે આ વર્ષે નથી જવું ગામડે, પણ દાદી માન્યા જ નહિ. અંકલ, તમે હાઇવે પર બસ મળે એવી જગ્યાએ અમને ઉતારી દેશો તો ચાલશે". એક નજરે ફરી તમે બેક મિરરમાં પાછળ બેઠેલ વૃધ્ધાનો ચહેરો જોયો. આ વખતે તમને એવું લાગ્યું કે આ ચહેરો બહુ પરિચિત છે, એ જ અણિયાળું નાક, ત્રિકોણ લાંબો ચહેરો, ઉભું ઓળેલું માથું, ઉંમર અને કદાચ પરિસ્થિતીના કારણે ઊંડી ઉતરી ગયેલ આંખોમાં જો કિશોરાવસ્થાની કુતુહલતા અને જિજ્ઞાસા ઉમેરી તેજસ્વી બનાવવામાં આવે તો એ જ આંખો, શરીર પર પરિસ્થિતિના કારણે લાગેલ ઘસારાને દૂર કરવામાં આવે તો... હા, આ તો કાજલ જ છે, પાક્કું કાજલ. તો એનો અર્થ એ કે તમારી બાજુમાં બેઠેલ કિશોર અંશુ છે. તમે સીધું જ પૂછ્યું, "વડોદરામાં ક્યાં જવું છે? હું વડોદરા જ જઉ છું." "અંકલ, વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પાસે ઉતારી દેજો, ત્યાંથી અમારું ઘર નજીક છે." "ઓકે" અને તમે કારમાં મ્યુઝિક ચાલુ કર્યું. જુના નવા ગીતોનું તમારું મનપસંદ કલેક્શન પ્લે થયું. એક્સપ્રેસ હાઇ-વે પર ચઢીને તમે એકદમ ધીમા અવાજે બાજુમાં બેઠેલ કિશોરને પૂછ્યું, "શું નામ છે તારું, બેટા?"

"અંશુ" અને તરત જ બેક મિરરમાં જોઈ પાછળ બેઠેલ વૃદ્ધાને પૂછ્યું, "તમે કાજલને?"

આશ્ચર્ય સાથે જવાબ મળ્યો, "હા."

"ઓળખાણ પડી?" એટલું પૂછીને તમે કાર ટોપ ગિયરમાં નાખી.

થોડી વાર સુઘી કોઈ જવાબ ના આવ્યો એટલે તમે જાતે જ તમારો પરિચય આપ્યો, "હું સુધાંશુ ત્રિવેદી" અને બેક મિરરમાં પાછળ બેઠેલ વૃધ્ધાના ચહેરા તરફ જોયું. 

એની આંખોમાં એક ચમક આવી, ચહેરા પર સ્મિત આવી ગયું અને એ જ સમયે તમારી કારની મ્યુઝિક સિસ્ટમમાં કુમાર શાનુના અવાજમાં ગવાયેલ તેજાબ ફિલ્મનું એક ગીત ગુંજી ઉઠ્યું, "સો ગયા યે જહાં, સો ગયા આસમા...." એ જ ગીતની એક પંક્તિ ".... હમ પાસ ભી હૈ ઔર દૂર ભી હૈ, આઝાદ ભી હૈ ઔર મજબૂર ભી હૈ...."  જાણે તમને કુદરતનો ઈશારો હોય તેમ તરત જ તમે ચહેરા પર આવેલ લાગણીભીનું સ્મિત છુપાવી દીધું.

અંશુએ પૂછ્યું, "અંકલ, તમે મારી દાદીને ઓળખો છો?"

બદલાયેલા સમયને માન આપીને તમે એક પળમાં ભૂતકાળ યાદ કરીને સહેજ સ્મિત સાથે કહ્યું, "હા બેટા, હું અને તારા દાદી સરઢવ ગામમાં સામસામેના ફળિયામાં રહેતા હતા એટલે ઓળખું છું અને એક જ ગામના હોય અમે ભાઈ-બહેન થઈએ. તું મને અંકલ નહિ, દાદા-મામા કહી શકે છે." 

અને તમે એને તમારી કારના ડેશબોર્ડનું ડ્રોવર ખોલવા કહ્યું. ડ્રોવરમાં તમારી લાયસન્સવાળી પિસ્તોલની બાજુમાં રહેલ વિઝિટિંગ કાર્ડ બોક્સમાંથી એક કાર્ડ કાઢી એને લઇ લેવા કહ્યું અને જણાવ્યું કે, "બેટા, કંઈ પણ કામ હોય તો આ મારો પર્સનલ નંબર છે, મને ફોન કરી શકે છે."

આ સમયે જ કારની મ્યુઝિક સિસ્ટમમાં મુકેશના અવાજમાં સ્વરબધ્ધ થયેલ ગીત વાગ્યું, "..જિસ દિલ મેં બસા થા પ્યાર તેરા, ઉસ દિલ કો કભી કા તોડ દિયા..."

વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પૂરો થયો અને તમે તમારી સ્કોર્પિયો ગાડી સાઈડમાં ઉભી રાખી. અંશુનો નંબર લીધો અને કહ્યું, "હું તને ફોન કરીશ."

અંશુ અને એના દાદી ઉતરી ગયા બાદ તમે ફરી કાર સ્ટાર્ટ કરી. અંશુએ "થેંક્યુ દાદા" કીધું અને તમે એને એક સરસ સ્માઈલ આપ્યું અને એની દાદીને આવજો બહેન કહી કાર આગળ વધારી. કારની મ્યુઝિક સિસ્ટમમાં મુકેશનું સ્વરબધ્ધ કરેલ એક ઓર ગીત ગુંજી ઉઠ્યું, "ભૂલી હુઈ યાદો, મુજે ઇતના ના સતાઓ...."

અંશુ એ વાતથી સ્વાભાવિક રીતે જ અજાણ હતો કે, તમને સરઢવ છોડતા સમયે જેનો સાથ છોડવાનું સહુથી વધારે દુઃખ થયું હતું એ તમારી સોનુ એ જ અંશુની દાદી કાજલ હતી અને કદાચ કાજલને પણ તમારો સાથ છુટયાનું બેહદ દુઃખ હશે, એટલે જ તમને યાદ કરીને, જે નામથી તમને કાજલ બોલાવતી હતી એ જ નામથી એ એના પૌત્રને નવાજ્યો હતો અંશુ...

હા, તમારી સોનુ તમને અંશુ કહીને જ બોલાવતી હતી...

જેની સાથે પસાર કરેલ સમય તમારા માનસપટ પર હજુ તાજો હતો, જેની સાથે જીવનના કંઈક અલગ શમણાં જોયા હતા, જેની સાથે એક નામ વગરનો પવિત્ર સંબંધ હતો, એની સાથેના સંબંધને તમે આટલા વર્ષે ભાઈ-બહેનના સંબંધનું નામ આપ્યું. કોણ કહે છે કે, ભાઈ-બહેન એક બીજાના ખાસ દોસ્ત ના હોઈ શકે? અને એક સમયે જેના માટે બધું જ કરી છૂટવાની તમન્ના તમારા દિલમાં હતી એના પૌત્ર માટે હવે જે કંઈ પણ થઇ શકે એ કરવાનો નિર્ણય તમે કર્યો અને કાર તમારા ઘર તરફ આગળ વધારી. 


આશિષ એ. મહેતા


Creative Commons License



સુધાંશુ - અંશુ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

2 comments:

  1. જોરદાર ...
    જૂની યાદ અને કંઈક આવી જ વાત ...😔

    ReplyDelete
  2. જોરદાર ...
    જૂની યાદ અને કંઈક આવી જ વાત ...😔

    ReplyDelete