Saturday, August 8, 2020

મારી કેસ ડાયરી : વિનેશજી-અનીતા

પ્રિય વાંચકમિત્રો,

મારી કેસ ડાયરી શ્રેણીના મુખ્ય પાત્રોનો પરિચય મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.********************************************************************************************


“હેલ્લો, ચિંતન, આવતીકાલે સાંજે ૬.૦૦ વાગે ઓફીસ આવી જજે, આપણે ફૂલ ઓફીસ સ્ટાફે એક પ્રસંગમાં જવાનું છે અને ડીનર પણ ત્યાં જ લેવાનું છે.” અજય પટેલે એમના ખાસ મિત્ર ચિંતનને ફોન પર જાણે કે આદેશ કર્યો.

“અરે સાહેબ, હું ક્યાં તમારા ઓફીસ સ્ટાફમાં ગણાઉં?” ચિંતને એની મૂંઝવણ રજુ કરી.

બીજી વાત મુક, બસ તું આવી જજે. એક કામ કર હું જ તને લેવા આવી જઈશ. શાર્પ ૬.૨૦ એ તારા ઘરે નીચે આવી જજે. બાય” આદેશાત્મક સ્વરે એડવોકેટ અજય પટેલે કહ્યું અને ફોન કટ કરી નાખ્યો.

બીજા દિવસે અમદાવાદના ખ્યાતનામ સિવિલ લોયર અજય પટેલ સાંજના ૬.૨૦ વાગે ઘાટલોડિયા વિસ્તારની એક સોસાયટીના મેઈન ગેટ પાસે એમની ફોર્ચ્યુનર કાર લઈને આવી ગયા અને બે-ત્રણ મિનીટમાં જ ચિંતન આવી ગયો અને કારમાં ગોઠવાઈ ગયો અને કાર અમદાવાદના પ્રખ્યાત એસ.જી. હાઇવે પર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ તરફ રવાના થઇ. ટ્રાફિક વીંધીને લગભગ આશરે ૭.૧૫ વાગે એમણે એમની કાર ફાર્મના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી અને ફાર્મમાં દાખલ થયા. ફાર્મના મુખ્ય દરવાજે ઓફીસના બાકીના સ્ટાફ મેમ્બર્સ એમની જ રાહ જોઈ રહ્યા હતા. મેઈન ગેટ પર ફ્લેક્ષ બેનર હતું જેમાં હિન્દી ભાષામાં લખેલું હતું, “મિશ્રા પરિવાર આપ સબકા હાર્દિક સ્વાગત કરતા હૈ.” પાર્ટી પ્લોટમાં દાખલ થતાં જ યજમાન શ્રી વિનેશ મિશ્રાજીએ સર્વેનું ભાવભીનું સ્વાગત કર્યું. પ્રસંગ હતો વિનેશ મિશ્રાજીના ભત્રીજાના લગ્નનું રીશેપ્શન. ડીનર લીધા બાદ સર્વે વિદાય થયા અને ચિંતન અને અજય પટેલ એમની કારમાં ગોઠવાઈ ગયા. ચિંતને પૂછ્યું, “સાહેબ, આ કંઈ ખબર ના પડી? મને કેમ તમે આ મિશ્રાજીના પ્રસંગમાં જોડે લીધો?”

“તને એમની વાર્તા કહેવા.” હસીને અજય પટેલે જવાબ આપ્યો.

“થવા દો સાહેબ.” ઉત્સાહિત સ્વરે ચિંતને જણાવ્યું.

“વિનેશ મિશ્રાજી અને એમના પત્નીને તેં ધ્યાનથી જોયા? કંઈ નોંધ્યું?”

“બને વચ્ચે બહુ જ સારું બોન્ડીંગ છે એવું લાગ્યું. બીજું તો આપ જણાવો.”

“વિનેશજીના આ બીજા લગ્ન છે.”

“ના હોય, એવું તો જરાય ના લાગ્યું.”

“એ જ તો તને જણાવવાનું છે.”

“સંભાળ.” અજય પટેલે વાતનો દોર આગળ ચલાવ્યો, “વિનેશજી ઉંમરે મારા કરતાં મોટા, પણ મારા ખાસ મિત્રોમાંના એક. એમની સાથે મારે પારિવારિક સંબંધ. મારી કોલેજ પૂરી પણ નહોતી થઇ ત્યારે વિનેશજીના પ્રથમ લગ્ન થયા હતા અને હું એમાં પણ ગયો હતો. એ ભાભીનું નામ હતું સુનીતા. બંને વચ્ચે બહુ જ સારું બોન્ડીંગ. લગ્નના ૧૨ વર્ષ ક્યાં નીકળી ગયા એની કાંઈ ખબર જ ના પડી. બે બાળકો પણ થયા. વિનેશજીના સાળા આર્મીમાં છે. તું નહિ માને, એ વખતે વિનેશજી મારા માટે એમના સાળા જોડે આર્મી શુઝ મંગાવતા અને મને આપતા અને હું પહેરતો પણ.

સુનીતાભાભી, દિવાળી પહેલાં એમના પિયર ગયા અને ત્યાં જ એમને મેસીવ હાર્ટ એટેક આવ્યો અને એ હસતો રમતો ચહેરો બે નાના બાળકોને અને વિનેશજીને મુકીને અનંતની યાત્રાએ ચાલી નીકળ્યો. એ પછીના વર્ષો વિનેશજી અને એમના બાળકો માટે બહુ જ કપરા વીત્યા. બે બાળકોને સાચવવાના, ઘર અને ધંધો બધું એકલા હાથે કરવાનું. વિનેશજીની તો જાણે દુનિયા જ પૂરી થઇ ગઈ. આ જેના લગ્નના રીશેપ્શનમાં જઈને આવ્યાને એના પપ્પા એટલે વિનેશજીના સગા મોટાભાઈ. મોટાભાઈ તરફથી વિનેશજીને પુરેપૂરો સહારો પણ મોટાભાભીનો સ્વભાવ અલગ જ પ્રકારનો. દિયરના બાળકોને એટલા ના સાચવે. વિનેશજી બીજા લગ્ન કરવા જ નહોતા માંગતા, પણ બાળકોની હાલત એમનાથી પણ સહન થતી ન હતી. એવા સમયે સુનીતાભાભીના પપ્પાએ જ એમને બીજા લગ્ન કરવાનું જણાવ્યું અને પાત્ર પણ શોધી આપ્યું. અનીતાભાભી, એમના પતિનું એક અકસ્માતમાં અવસાન થયું હતું અને એક દીકરી હતી. અનીતાભાભી સાથે લગ્ન કર્યા અને જાણે ફરી વિનેશજીની જીંદગીમાં રોનક આવી. અનીતાભાભીએ સુનીતાભાભીના બંને બાળકોને સાચવી લીધા. સામા પક્ષે વિનેશજીએ પણ અનીતાભાભીના અગાઉના લગ્નથી થયેલ પુત્રીને પોતાની સગી દીકરી ગણીને સાચવી લીધી. શરૂઆતમાં એમની પરિસ્થિતિ આટલી સારી નહિ. ધંધો ખરો પણ મંદો. બીજી પણ પારિવારિક અનેક સમસ્યા. દેરાણી-જેઠાણીના નાના-મોટા ઝઘડા પણ ખરા. પણ આ બધાની વચ્ચે પણ પાંચે જણનો પરિવાર સુખેથી રહેવા લાગ્યો. સુખ હોય ત્યાં શાંતિ અને સમૃદ્ધિ આવે જ. વિનેશજી પણ ભાડાના મકાનમાંથી પોતાના મકાનમાં ગયા. ધંધામાં પણ સારી પ્રગતિ થઇ. આજે એમની પોતાની દુકાન, પોતાના બે ફ્લેટ અને એક બંગલો છે. એમનો મોટો દિકરો સી.એ. ફાઈનલમાં છે. બીજો દિકરો અને દીકરી કોલેજમાં આવશે.

સ્ત્રી અંગે બહુ થોડાં જ વ્યક્તિઓ નસીબદાર હોય છે, જેમને આજના સમયમાં ઘર સાચવે એવી સ્ત્રી મળી રહે. આજે વિનેશજી જયારે પણ જાહેરમાં પોતાની પ્રગતિનો શ્રેય અનીતાભાભીને આપે ત્યારે અનીતાભાભી જાહેરમાં કહે કે, “આ બધું તો દીદી એટલે કે સુનીતાભાભીના આશીર્વાદ છે. લે ચાલ, તારૂં ઘર આવી ગયું.” અજય પટેલે પોતાની વાત પૂર્ણ કરી.

“સાહેબ, મિશ્રાજીની વાત સાંભળી એવું લાગ્યું કે ભગવાન કરે મને પણ આવી સરળ, સમજુ પત્ની મળે.”
ચિંતને કારમાંથી ઉતરતા જણાવ્યું.

“હું પ્રાર્થના કરીશ. બાય.”

“બાય સર.” 

અને અજય પટેલે એમના નિવાસ્થાન તરફ એમની કાર આગળ વધારી.

આશિષ એ. મહેતા


********************************************************************************************
મારી કેસ ડાયરી શ્રેણીની અન્ય વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.
********************************************************************************************
Creative Commons License


મારી કેસ ડાયરી : વિનેશજી-અનીતા by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment